સ–૦પ : અન્વય – વ્યતિરેકનું

પ્રતિપાદિત વિષયઃ

વાસના નિવૃત્તિ તથા દર્શનનું રહસ્ય, અન્વય વ્યતિરેક સ્વરૂપ.

મુખ્ય મુદ્દાઃ

૧. પરમાત્માનો સારી રીતે મહિમા સમજવાથી વાસનાની નિવૃત્તિ થાય છે.

ર. જેટલા વેગપૂર્વક દર્શન થાય તેટલા જીવમાં ઊંડા સંસ્કારો બેસે છે. જેને અનુસારે ભગવાનમાં પ્રીતિ થાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ર પૂછયો કે વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે આવી જાય.ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો કે એક ભગવાનની માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની સમગ્ર વાસના નિવૃત્ત થઈ જાય છે. પ્રથમ મહારાજ વાસના નિવૃત્તિના સામાન્ય સાધનો કહે છે. એક તો જેને શ્રદ્ધા હોય, બીજું હરિ અને હરિજનના વચનને વિષે વિશ્વાસ હોય, ત્રીજું ભગવાનને વિષે પ્રીતિ હોય તેની વાસના દૂર થાય છે. ભક્તિ, ધ્યાન, ઉપાસના વગેરે કરવાનો નવો ને નવો ઉત્સાહ રહેતો હોય તેને શ્રદ્ધા કહેવાય. એ જેમ જેમ ભગવાન તરફ વધારે વધતી જાય ત્યારે વિશ્વાસનું રૂપ ધારણ કરતી જાય છે. ત્યારે ભક્તિ, ઉપાસના વગેરે દ્વારા અનુભૂતિ અને પ્રતીતિ આવતી જાય તેમ વિશ્વાસ વધતો જાય છે. જેમ જેમ વિશ્વાસ વધતો જાય તેમ તેમ ઉત્કૃષ્ટ ભાવના થતી જાય. જેમ જેમ ઉત્કૃષ્ટ ભાવના વધે તેમ તેમ પ્રીતિ ઘાટી થાય છે ને હૃદયમાં જામતી જાય.આમ વાસનાના સંસ્કારો મૂળમાંથી ઉખડતા જાય છે. માટે એ વાસના ટાળવાનાં સાધનો છે.

મહારાજ કહે, તેમાં પણ જો માહાત્મ્ય સહિત એકલી ભક્તિ હોય અને શ્રદ્ધા ઓછી હોય તો પણ વૃદ્ધિ પામી જાય છે. વિશ્વાસ પણ આવી જાય છે ને પ્રીતિ પણ આપોઆપ આવી જાય છે. એ બધાનુ મૂળ કારણ ભગવાનનું માહાત્મ્ય છે. માટે જો મહિમા આવે તો તે કલ્યાણકારી ગુણો ન હોય તો પણ આવે છે અને જો માહાત્મ્ય ન હોય તો થોડા ઘણા જે ગુણો જણાતા હોય તે પણ અંતે જતા નાશ થઈ જાય છે. માટે માહાત્મ્ય સહિત જે ભક્તિ તે વાસના ટાળવાનું જબરું સાધન છે.

માહાત્મ્ય એટલે તુલનાત્મક જ્ઞાન. દા.ત. ‘આ ચોખા છે’ તે સામાન્ય જ્ઞાન કહેવાય. પરંતુ ‘આ બાસમતી ચોખા છે ‘ તો તે વિશેષ જ્ઞાન કહેવાય માટે એ તેની વિશેષતા છે એ જ તેનો મહિમા ગણાય. તેમ બીજાની સરખામણીમાં ભગવાનની જે વિશેષતાઓ છે તે જ ભગવાનનો મહિમા ગણાય. સામાન્ય જ્ઞાન રહિતત્વે સતિ વિશેષ જ્ઞાન સહિતત્વં માહાત્મ્યં અર્થાત્‌ સામાન્ય જ્ઞાન અલક્ષ્યત્વે સતિ વિશેષ જ્ઞાન લક્ષ્યત્વં માહાત્મ્યં ।

ઉપનિષદો કે બ્રહ્મસૂત્રો વગેરે શાસ્ત્રોમાં આ દૃષ્ટિ દ્વારા ભગવાનના મહિમાનું ગાન કરવામાં આવ્યું છે. ‘સત્યં જ્ઞાનં અનંતમ્‌’ એમાં અનંતતા એ મહિમા છે. જે બીજામાં નથી. વળી ‘જન્માદ્યસ્ય યતઃ।'(બ્રહ્મસૂત્રઃ૧-૧ -૨) આ જગતની ઉત્પત્યાદિ બીજાના અંકુશમાં નથી માટે એ પરમાત્માનો મહિમા છે. વળી વિજાતીયથી જે જુદું પડે તે સામાન્ય જ્ઞાન કહેવાય. પણ સજાતીયથી પણ વિલક્ષણતા હોય તે મહિમા કહેવાય. દા.ત.બીજા અનાજથી જુદા પાડીએ કે આ ઘઉં નથી આ ચોખા છે તો તેનું સામાન્ય જ્ઞાન કહેવાય. જ્યારે અનેક જાતના ચોખા હોય તેમાં એમ કહે કે આ બાસમતી છે. તો ચોખાની જાતિમાંથી પણ જો તેને અલગ પાડયા અને તે ઊંચી જાતિના છે એમ જાણે તો તે તેનો મહિમા ગણાય. તેમ વચ.અં.૩૯મા ભગવાનનો મહિમા સમજવાના મુદ્દાઓ બતાવ્યા છે કે સુખ, સમૃદ્ધિ, સત્તા, કલા, શક્તિ વગેરેની સરખામણીમાં ભગવાનની સર્વ કરતાં વિલક્ષણતા છે. તે જો દેખાય, અનુભવાય તો ભગવાનનો મહિમા જાણ્યો ગણાય અને એવો મહિમા જણાય તો વાસના દૂર કરવા માટે એ અતિ મોટું સાધન છે.

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે ભગવાનના દર્શનનો, નામ સ્મરણનો તથા સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વ જીવને સારું છે ? એટલે કે ભગવાનનું રૂપ, ભગવાનનું નામ તથા ભગવાનના સ્પર્શાદિકની વિલક્ષણતાનો અનુભવ ભગવાનના ભક્તને જ થઈ શકે અથવા થાય છે કે બીજાને પણ થઈ શકે છે ?ત્યારે મહારાજ કહે, દર્શનાદિકનો ભેદ જુદો જ છે. તેની વિલક્ષણતાની અનુભૂતિ ભક્તને જ થાય અને બીજા જીવને ન થાય એમ નથી. ભગવાનની માલ–મિલકત–સમૃદ્ધિ–વિભૂતિનો અનુભવ સાર્વજનીન છે. તેમાં કોઈનો વિશેષ અધિકાર અથવા ઈજારો ન હોઈ શકે. તેમાં ગ્રાહકતાની યોગ્યતા હોવી જોઈએ. ગ્રાહકતા એટલે દર્શનાદિકમાં વેગ તે અનુભૂતિ કરાવવામાં વિશેષ કારણભૂત છે. પછી ભક્ત હોય ને તેમાં મંદ ગ્રાહકતા હોય ને ઢીલો ઢીલો વેગ હોય તો ભગવાનના દર્શનાદિકમાં તેને દિવ્યતા ન પણ અનુભવાય અથવા જરા જરા અનુભવાય અને ભક્ત ન હોય પણ અતિશય વેગથી દર્શન થયા હોય તો ભગવાનની વિલક્ષણતાનો તેને અનુભવ થાય.

મહારાજ કહે છે : જ્યારે ભગવાનના દૃષ્ટિ દ્વારે દર્શન કરે ત્યારે તેની સાથે મન ભળે અને મને સહ વર્તમાન દર્શન કરે તો તે જે દર્શન થાય છે તે વિસારે તો પણ વીસરે નહીં. એમાં પણ જીવસહિત મન ભળે તો પછી વાત જ અલગ બની જાય છે. મહારાજ કહે, જેમ ગોપાંગનાઓના ભગવાન પ્રત્યે વચન છે જે હે ભગવાન ! જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે. આવી જે અનુભૂતિ ગોપીઓને થઈ છે તે તેના અંતરમાં અતિ વેગથી જીવ, મનસહિત ઈન્દ્રિયો ભગવાનના દર્શનમાં જોડાવાથી થઈ છે. તેઓ ભક્ત છે માટે થયું એવું નથી. જો તેમ બીજા કોઈ કરી શકે તો બીજાને પણ ભગવાનનો એવો વિલક્ષણ અનુભવ અને મહિમા અનુભવાય. જો ભક્ત હોય પણ વેગરહિત અને જીવ, મનસહિત દર્શન ન થતા હોય તો વિલક્ષણ અનુભવ ન થાય. તેથી જ તો મહારાજે વચ. સા.૩મા કહ્યુ કે એવી રીતે આખી ઉંમર દર્શન કરે તો પણ તેને વિશેષ અનુભૂતિ ન થાય. અરે! લાખ વર્ષ દર્શન કરે તો પણ ન થાય એમ કહ્યુ છે. માટે મહારાજ કહે દર્શનાદિકનો ભેદ તો જુદો જ છે.

અહીં એક સ્પષ્ટતા કરવાની જરૂર છે કે વેગ અને ઉતાવળિયાપણામાં ફેર છે. ઉતાવળિયાપણું રજોગુણની વૃદ્ધિનું પરિણામ છે. તેમાં અસ્થિરતા છે. દિશાહીનતા વિશેષ હોય છે. તેથી ધ્યેયપકડની ક્ષમતા રાખતું નથી. જ્યારે વેગ મહિમા પ્રેરિત છે. તેમાં ગતિ વધારે છે; છતાં નિશાનની અચૂકતા અને સ્પષ્ટતા છે. તેથી મનેસહ દર્શન થાય તો જ તેનું ફળ મળે. મહારાજ કહે મનેસહ વર્તમાન લૌકિક વિષય ભોગવ્યા હોય તો પણ કયારેય વીસરતા નથી તો પછી ભગવાનનાં દર્શન તેવી રીતે કરે તો કયાંથી વીસરે ? માટે મનેસહ વર્તમાન દર્શન કરે તે જ દર્શન કર્યા છે એમ જાણવું. બીજાં તો દર્શન થયા છે તો પણ દર્શન ન થયા જેવું છે. કારણ કે મન હાજર ન હોવાથી જરૂર તે દર્શન તેને વીસરાઈ જવાના છે. માટે મહિમા સમજીને મને સહ વર્તમાન પ્રીતિ સહિત દર્શન થાય છે તેને જ શાસ્ત્રમાં કહેલું યથાર્થ ફળ થાય છે. બીજાને તો ખાલી બીજબળ થાય છે.

અહીં એક સંશય થાય છે કે ભગવાનનાં દર્શન,સ્પર્શ,નામાદિ ભક્ત–અભક્તને માટે સરખા છે. તો પછી ભક્ત અને અભક્તમાં કોઈ વિશેષતા રહેશે નહીં અને ભક્તને ભક્તિ કરવાની શ્રદ્ધા પણ ઘટી જશે.

તેનુ સમાધાન એ છે કે ભક્ત–અભક્તની તુલ્યતા કયારેય થતી નથી. ઈન્દ્રિયો–મનના વેગથી પ્રવર્તવામાં ભલે ફેર હોય પણ ભક્તના અહં મમત્વ ભગવાન સંબંધી છે. ભગવાન સાથે જોડાયેલા હોવાથી આત્મીય સંબંધની ગ્રંથિ જીવમાં રહેલી છે. તેને આધારે ભગવાન તેનો ઉદ્ધાર કરે છે. જ્યારે અભક્તને ભગવાન પ્રત્યે આત્મીયપણું કે મમત્વ ગ્રંથિનો અભાવ હોવાથી જે ફળ થાય છે તે પુણ્યોત્પાદન કરનારું અને જન્માંતરમાં ભક્તિ કરવાના પ્રબળ સંસ્કાર ઉત્પન્ન કરવાનું કામ કરે છે. જો અતિ પ્રબળ સંસ્કાર તેને પણ પડી જાય તો તે પણ ભક્ત થઈને ભગવાન પાસે આ જ જન્મે પહોંચે. નહીં તો બીજબળ થવાથી જન્માંતરે ભગવાન પાસે જાય છે. વળી ભક્તના દૈનિક ક્રમની ભક્તિથી ભક્તના સંસ્કારો જેમ જેમ દૃઢ થતા જશે તેમ તેમ તેનો મનેસહિત વેગ પણ વધતો જશે અને એવા અભ્યાસથી એક દિવસ તેને પણ વેગવાન શ્રદ્ધા આ અભ્યાસથી જ થશે. તે ગીતામાં જ કહ્યુ છે કે ‘કાલેનાત્મનિ વિન્દતિ ।'(ગીતાઃ૪–૩૮) અભ્યાસ કરતાં કરતાં લાંબા સમયે જે શ્રદ્ધાવાનને પ્રાપ્ત થાય છે તે જ વસ્તુ લાંબે સમયે આને પણ આપોઆપ પ્રાપ્ત થાય છે. માટે સંશય કરવાની જરૂર નથી. વેગ વધારવાની જરૂર ખરી.

વળી આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે. જીવ, ઈશ્વર, અક્ષરબ્રહ્મ અને પુરુષોત્તમ ભગવાન અન્વયપણે કેમ છે ને વ્યતિરેકપણે કેમ જાણવા ? ત્યારે મહારાજ બોલ્યા કે જન્મ મરણનું ભક્તોતાપણું એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવું અને અછેદ્ય, અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવું અર્થાત્‌દેહના જે જે ભાવો, લાગણીઓ છે તે આત્મામાં માની લેવા અને સુખી દુઃખી થઈ જવું તે અન્વયપણું કહેવાય. જ્યારે દેહભાવથી પોતાને અલગ માનીને દેહની લાગણીઓમાં અલિપ્ત રહેવું તે વ્યતિરેકપણું કહેવાય.

ઈશ્વરોને પણ ત્રણ દેહ છે. તે મહત્‌ છે. તેમાં જીવ જેવી એકદમ ઘાટી લાગણીઓ નથી, પણ કર્તૃત્વાભિમાન વગેરે જોડાણ રહે છે. તેથી તે ત્રણ દેહેસહિત માનવું તે અન્વય સ્વરૂપ અને તે ત્રણ દેહથી અલગ પોતાને માનવું તે વ્યતિરેક ભાવના કહેવાય. જ્યારે જીવો, ઈશ્વરો, સર્વે દેવતા, તેનું પ્રેરક એવું અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું તે સર્વથી અલગ જેમાં કેવળ મહારાજ રહે તે સિવાય બીજું કાંઈ ન રહે તેને વ્યતિરેક સ્વરૂપ જાણવું. પરમાત્મા જીવ, ઈશ્વર, મુક્તોના અંતરમાં સાક્ષીરૂપે રહ્યા છે તો પણ તેની ઉપાધિ તેમને સ્પર્શ કરતી નથી. તે પરમાત્માનું અન્વય સ્વરૂપ છે અને તેથી પણ પોતાના ધામમાં અક્ષરાતીત પોતાનું સ્વરૂપ છે તે વ્યતિરેક સ્વરૂપ છે એમ જાણવું.