ગપ્ર–૪૪ : બળબળતા ડામનું, ડગલાનું

પ્રતિપાદિત વિષય :

સ્નેહ તો એનું નામ જે ભગવાનની અખંડ સ્મૃતિ રહે.

મુખ્ય મુદ્દા :

આપણા હૃદયમાં મહારાજ પ્રત્યે ભક્તિ છે કે નહિ તેનો તપાસ કરવા માટે સ્મૃતિ પણ એક કસોટી છે.

વિવેચન :–

ભગવાનમાં સ્નેહનું શું લક્ષણ છે ? મહારાજ વચ.કા.૧૧મા સ્નેહનું લક્ષણ કરતા જણાવે છે કે જેને જેના પ્રત્યે પ્રીતિ હોય તેની મરજી પ્રમાણે રહે. મરજીને કયારેય લોપે નહીં તે પ્રીતિનું લક્ષણ છે. જ્યારે નારદજીએ નારદભકિતસૂત્રમા ‘તદપિત અખિલાચાર’– સમર્પણને ભક્તિનું, સ્નેહનું લક્ષણ બતાવ્યું છે. શાંડિલ્ય ભક્તિસૂત્રમાં ‘સા પરાનુરક્તિરીશ્વરે’ ભગવાનમાં પરમ અનુરાગ એ જ સ્નેહનું લક્ષણ છે. જયારે અહી મહારાજ અખંડ સ્મૃતિ એ સ્નેહનું લક્ષણ છે એમ કહે છે. માટે સાચો સ્નેહ કયો છે ? તેમાં આપણે શો નિર્ણય લેવો. અત્રે વિરોધાભાસ તો નથી, પણ બધા મતોમાં એકતા પણ નથી. એમાં બે જગ્યાએ તો મહારાજ પોતે જ બોલ્યા છે. તો તેને કેમ ઘટાવવું ? તો તે લક્ષણોને જરા ઊંડાણથી જોઈશું તો આપોઆપ સમાધાન થઈ જશે.

મરજી ન લોપવી એ ભક્તિનું લક્ષણ છે અને અખંડસ્મૃતિ રાખવી કે સ્મૃતિ ન ભૂલવી એ પણ ભક્તિનું લક્ષણ છે. સ્નેહનું લક્ષણ જ છે. પણ ન્યાયની ભાષામાં જઈશું તો વધારે સૂક્ષ્મતા આવશે. ખરેખર તો ભગવાન અનિર્દેશ્ય છે. તેમ ભક્તિ પણ અનિર્દેશ્યા છે. તેનુ ઈદંતયા નિરૂપણ કરી શકાતું નથી. કારણ કે ભક્તિ ભાવરૂપા છે, સૂક્ષ્મ છે. તેથી જ તો તેના ચિહ્નોને આધારે અનુમાને કરીને નિરૂપણ થાય છે.

તેમાં અત્યારે આપણે બે બાબતોનો સાથે તપાસ કરવાનો છે કે ભક્તિ તત્ત્વને કોની સાથે વ્યાપ્તિ છે. ‘યત્ર ધૂમઃ તત્ર વહ્નિ’ ની જેમ વ્યાપ્તિ છે. તેમ ‘યત્ર ભક્તિઃ તત્ર અનુવૃત્તિ’ જ્યાં ભક્તિ હોય ત્યાં અનુવૃત્તિ–મરજીનું અનુસરણ હોય. અને ‘યત્ર ભક્તિઃ તત્ર સ્મૃતિ’ જ્યાં ભક્તિ હોય ત્યાં સ્મૃતિ હોય તો સ્મૃતિ તો ભક્તિ સિવાય બીજે પણ ઉપલબ્ધ થાય છે. જેમકે ભયથી કંસને ‘સવમ્‌વિષ્ણુમયં જગત્‌’ દેખાતું હતું. દ્વેષથી શિશુપાલને. તો પણ તે ભક્ત છે એમ ન કહી શકાય. મરજીથી તો તદ્દન વિરુદ્ધ હતા. સ્મૃતિ તો ભક્તિમાં હોય જ છે; પણ ભક્તિથી ઈતર ભય, દ્વેષની પણ સાથે ફરનારી છે. જયારે મરજી તો ભક્તિની સાથે અબાધિત રીતે રહે છે. તો પછી અત્રે મહારાજે કહ્યું તેનો અર્થ કેમ ઘટાવવો ? તો એ જ કે જયાં જયાં સ્મૃતિ હોય ત્યાં ત્યાં ભકિત હોય જ એવું નથી. પણ એવું તો જરૂર છે કે જયાં જયાં ભક્તિ હોય ત્યાં સ્મૃતિ અવશ્ય હોવી જોઈએ. તેવી રીતે તો વ્યાપ્તિ રહે છે. માટે ભક્તિ હોય તો સ્મૃતિ અવશ્ય આવવી જોઈએ જ. માટે કાંઈ ખોટું નથી. ભક્તિ અને સ્મૃતિની વ્યાપ્તિ હોય જ છે. તથા અસાધારણ લક્ષણ નહીં પણ ચિહ્ન તો છે જ કે ભક્તિ હોય તો સ્મૃતિ હોવી જ જોઈએ.