કડવું-56

ધન્યાશ્રી

એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા ભગવનજી;

તોય કોઈ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને ધન્યધન્યજી. ૧

ઢાળ

ધન્યધન્ય એહ જનને, જેણે શિશ સાટે સોદો કર્યો;

તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો. ૨

લીધો સિંદોરો શિશ હાથમાં, તેહ સાથ જોવા કેમ રહે;

મરવાની તો બીક જ મટી, અસિ આગ્યનો ભાગ્યો ભહે. ૩

આગળ ચાલતાં આનંદ અતિ, આવે ઝટ દઈ રણ ઝૂંપરે;

એક લડી મરે એક બળી ટળે, માને બેઉ વાત અનૂપરે. ૪

તેમજ સાચા સંતને, તજી જોઈએ તે તનની આશ;

દેહરખા સરખા કાયર નરના, તે તો કેદિ ન હોય હરિદાસ. ૫

હરિદાસને હોય હિંમત ઘણી, ગણે તનને તરણા તોલ;

લાલચ મેલી આ લોકસુખની, પામવા વસ્તુ અમોલ. ૬

અચળ સુખમાં આવી ઘણી, પૂરણ વળી પ્રતીત;

અસત્ય સુખ પણ ઓળખ્યું, જાણ્યું જેવી છે એની રીત. ૭

પડ્યું પોતાને પારખું, ખરા ખોટાનું ખરાખરું;

સુખ ઘણું માન્યું ઘનશ્યામમાં, મેલ્યું અલ્પ સુખ અળગું પરું. ૮

શિદને ખાય ખાટી છાશને, મેલી પીયૂષ રસ પ્રવાહ;

પટુ પાંબરી પરહરીને, કરે કોણ ચરમની ચાહ. ૯

તેમ ભક્ત જક્તનાં સુખ જોઈને, લોભાય નહિ લગાર;

નિષ્કુળાનંદ તેહ ભક્ત સાચા, ફેર નહિ રતીભાર. ૧૦

વિવેચન : 

ઉપર કહ્યા તે બધા પરોક્ષ ભક્તો હતા. પૃથ્વી ઉપર વિચરતા પ્રત્યક્ષ ભગવાન ‘શ્રી સ્વામિનારાયણ ભગવાન’ તેમને મળે એવો મોકો ન હતો તો પણ તે કોઇ મનમાં પોતાની ટેકથી મોળા પડ્યા ન હતા. એ સર્વેને હજારો ધન્યવાદ છે. જેણે માથા સાટેનો નિશ્રય કરી તન મનની આશાઓ તજી એવો ઉદ્યમ આદરેલો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે જે સ્ત્રી સતી થવા નીકળે અને શૂરવીરો માથું મૂકવાની દૃઢતા કરીને લડવા નીકળે તે પછી બીજા કોઇના સંગની રાહ જોવા કેમ ઊભા રહે? તેને તો મૃત્યુની બીક મટી ગઇ હોય છે. એવી સતીને અગ્નિનો કે એવા શૂરાને સામેવાળાની તલવારનો ભય દૂર થઇ ગયો હોય છે. એ તો જેમ જેમ આગળ પગલાં ભરે છે તેમ તેમ આનંદ પામે છે, મરી મટવા માટે ઝનૂને ચડે છે. તેની ઇચ્છા તો જલદી સળગતી ચિતા અને યુદ્ધના મેદાન પર પહોંચવાની હોય છે અને સ્થાને પહોંચતા જ સતી જ્વાળામાં કૂદીને અગ્નિરૂપ બની જાય છે અને શૂરો લડીને ટુક ટુક થઇ જાય છે આમ બન્નેને તે સ્થિતિ સર્વથી શ્રેષ્ઠ લાગે છે. એ જ પ્રમાણે જે સાચા સંતો છે તેમણે આ દેહની આશા તજવી ઘટે છે જે પોતાના દેહની કે દેહાભિમાનની જ રખેવાળી કરનારા અને કાયર હોય છે, તે કદી પણ પ્રભુના સાચા ભક્તો નથી હોતા. સાચા હરિભક્તો તો એ છે કે જેના હૃદયમાં અત્યંત હિંમત હોય છે, પોતાના શરીરને તરણા જેવું તુચ્છ ગણીને અમૂલ્ય પરમપદની પ્રાપ્તિ પામવા જેણે આ લોકના સુખોની લાલચ છોડી દીધી હોેય છે. વળી જેને ભગવાનના અચળ સુખમાં પ્રતીતિ હોય છે અને અસત્ય સુખને પણ ઓળખી રાખીને ખરાખોટાની પરીક્ષા બરાબર કરી લીધી હોય છે તેથી મોટું સુખ ભગવાનમાં માનીને તુચ્છ સુખો અળગા કરે છે કેમ કે જેણે ભગવાનના સુખનો અમૃતરસનો પ્રવાહ અનુભવ્યો હોય તે ખાટી છાશ કેમ પીવે? જેને સુંદર રેશમી વસ્ત્ર સાંપડ્યું હોય તે તેને તજીને ચામડાની ઇચ્છા કેમ કરે? આ પ્રમાણે જે જે સાચા ભક્તો હોય અને જેના વર્તનમાં રતીભાર પણ ફરક ન પડે તે તો જગતના સુખો જોઇને લેશમાત્ર લોભાતા નથી.