પ્રતિપાદિત વિષય :
ભગવાનના ભક્તો ચાર પ્રકારની મુકિતને નથી ઈચ્છતા.
મુખ્ય મુદ્દો :
ભગવાનની સેવા વિના બીજું કાઈ ઈચ્છવું નહિ.
વિવેચન :–
અહીં આ વચનામૃતના શ્લોકમા ૧. સાલોક્ય ર. સાષ્ટિ ૩. સામીપ્ય ૪. સારૂપ્ય પ. એકત્વ । આ પાંચ મુકિતઓ વર્ણવી છે. છતા વચનામૃતમાં ચાર મુકિતનો જ ઉલ્લેખ કેમ કર્યો હશે ? તો તેનું સમાધાન એ છે કે પ્રથમ ચાર પ્રકારની મુકિતની પ્રાપ્તિ હોય તો પણ સેવાનો અવકાશ છે. પાંચમી મુકિત ‘એકત્વ’ જે કૈવલ્યમુકિત તેમાં સેવાનો અવકાશ જ નથી, માટે કયારેય તેની ઈચ્છા રાખતા નથી. તેમાં ભક્તપણાનું જ અસ્તિત્વ રહેતું નથી, માટે તે મુક્તિના અનુસંધાને સેવાનો સભવ જ નથી કે સકામતા નિષ્કામતાને અવકાશ જ નથી. માટે તે તો ન જ ઈચ્છવા જેવી છે. પેલી ચાર મુક્તિમાં તેનો અવકાશ છે. તેને કેમ ઈચ્છતાં નથી ? એ પ્રસ્તુત વચનામૃતનો વિષય અને પ્રશ્ન છે.
તેના ઉત્તરમાં મહારાજ કહે છે કે જો તે મુક્તિમાં ભગવાનની સેવા ન હોય તો ભક્ત તેને ઈચ્છતો નથી, તે સેવા જ ઈચ્છે છે. સેવા વિના બીજું ઈચ્છે તો સકામતા કહેવાય. જો કેવળ સેવા ઈચ્છે તો નિષ્કામતા કહેવાય. અહી સેવા એટલે ભગવાનની સેવા. સેવા કરે તો મુક્તિ મળે. કારણ કે ભગવાનની સેવા તો એવી મહાન છે કે તે કોઈ પણ વસ્તુ દેવા સમર્થ છે. આ મુક્તિના માધ્યમથી સેવામાં મદદ થાય છે. કારણ કે સામીપ્ય કે સાલોકય કે પછી શક્તિ ન હોય તો સેવા કેમ થાય ? માટે સેવાનું આંતર સાધન પણ મુક્તિ બની શકે છે. આ બે પ્રકારની ભાવના કે મનોવલણ છે. સેવા સાધન બને તો મુક્તિ સાધ્ય બની જાય. મુક્તિ સેવાનું સાધન બને તો સેવા સાધ્ય બની જાય. ભક્તને કયો માર્ગ અપનાવવો ? એ પ્રશ્ન છે.
શ્રીજી મહારાજ એ બતાવવા માગે છે કે સેવા સાધ્ય હોય તો મુક્તિની સાથે કોઈ વેર નથી. ભક્તને સેવામાં પ્રીતિ કરવી. પણ મુક્તિ સાથે વેર કરવું કે પ્રીતિ ? એ પ્રશ્ન છે. તો મુક્તિને ન ઈચ્છે; પણ સાથે સાથે મહારાજે શા કારણ માટે ન ઈચ્છે એ પણ કહી દીધું છે. કે તેમાં જો સેવા ન હોય તો.
ખરેખર તો ભક્તને મુક્તિ સાથે વેર પણ નથી અને પ્રીતિ પણ નથી. ભક્ત તો મુક્તિ સવલતનો સેવામાં ઉપયોગ કરે છે અને તે જ ભક્ત કહેવાય. ભક્ત જયારે ભગવાનની સેવા કરે છે ત્યારે સેવાના પરિણામ રૂપે ભગવાનના મનમાં–હૃદયમાં પ્રસાદતા ઊભી થાય છે. તે ગદ્ગદિત થઈ જાય છે. તે ગદ્ગદિત થવું તે પ્રસાદ કહેવાય. ત્યારે ભગવાનને કે જે તે વ્યકિતને તેને કાંઈક ઈનામ કે પ્રોત્સાહન આપવા સહજ ઈચ્છા થઈ જાય છે. જેમાં સેવક કાંઈક સાનુકૂળતા સ્વીકારવાની ઈચ્છા કરતો નથી. કારણ કે સ્વામીનો પ્રસાદ સેવક માટે બે પ્રકારનો છે : એક તો સ્વભોગ્ય. તે કંઈક આપે તો પોતાની અનુકૂળતા વધારે. પરંતુ નિષ્કામ સેવક તે ભોગને ગ્રહણ ન કરે તો સ્વામીના અંતરનો પ્રસાદ અનેક ગણો વધી જાય છે. તેનું અંતર અધિક પ્રસન્ન કે ગદ્ગદિત થઈ જાય છે.
આવી મોટી પ્રસન્નતા સ્વભોગ્ય નથી પણ સ્વબોધ્ય છે. પોતે જાણે છે કે મારા પર માલિક ખૂબ રાજી થાય છે. એવો પ્રસાદ અનંત સુખને આપનાર થાય છે. તે જયારે ભોગ્ય પ્રસાદનો અસ્વીકાર કરે ત્યારે સ્વામીના હૃદયમાં પોતાનું નિજીય–મારાપણું ઉત્પન્ન કરે છે. ભોગ ન ગ્રહણ કરવાથી વધારે રાજી થઈને મારે તેને શું આપવું એમ અતિ રાજી થઈને આ સેવા સ્વામીના હૃદયમા ‘અયં મદીય’ આ મારો છે, બીજાનો નથી એવો મદીયતા ભાવ ઊભો કરે છે. ઉપનિષદના મંત્ર મુજબ ભગવાને વરણ કર્યું કે આ મારો ‘મદીય’ છે. પછી ‘વિવૃણુતે તનું સ્વા’ પોતાની જાતને સેવકની સેવામાં રાખી દે છે. મહારાજ કહે ‘હું તો ભક્તનો પણ ભક્ત છુ, સેવક છુ’ એવી મોટી પ્રાપ્તિ ભગવાન કરાવે છે. જો તે સ્વભોગ્ય પ્રસાદ ન ગ્રહણ કરે તો. માટે નિષ્કામ ભક્ત થવું. સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું.