કડવું-52

ધન્યાશ્રી

વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે પકીજી;

આપે જ્ઞાનદાન જનને વિવેકીજી, પામ્યા ભવપાર અગણિત એહ થકીજી. ૧

ઢાળ

અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ;

જ્યાં જ્યાં હોય જીવ જિજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ. ૨

એમ કરતાં આવિયા, નારદ નારાયણસર;

દીઠા સામટા સહસ્ર દશ, દક્ષ પ્રજાપતિના કુંવર. ૩

તેને ઉપદેશ આપી કાપી, સંસાર સુખની આશ;

તેહ સાંભળી દક્ષ દિલે, અતિશે થયો ઉદાસ. ૪

ત્યાર પછી એક સહસ્રને, ઉપજાવી મૂક્યા એહ સ્થાન;

તેને પણ તેના ભાઈના જેવું, આપ્યું છે નારદે જ્ઞાન. ૫

તે સુણી દક્ષ દિલગીર થયો, આપ્યો નારદજીને શાપ;

મુહૂર્ત ઉપર તમે જ્યાં રહો, ત્યાં મૃત્યુ પામજો આપ. ૬

આપ એ શાપ ચડાવી શિર ઉપરે, આપે છે હજી ઉપદેશ;

એહના જેવો આગ્રહ, હરિજનને જોઈએ હંમેશ. ૭

કે’વી વાત હરિકૃષ્ણની, હેત દેખાડી હૈયાતણું;

કાઢી લેવો કાળ મુખથી, એવો ઉપકાર કરવો ઘણું. ૮

ચોખે મારગે ચલાવતાં, કોઈને ગમે કે નવ ગમે;

કહ્યામાં કસર નવ રાખવી, સુખ દુઃખ સમે વસમે. ૯

આળસી ન બેસવું આપણે, હેતે કરવી હરિની વાત;

નિષ્કુળાનંદનો નાથજી, રહે રાજી તે પર દિન રાત. ૧૦

વિવેચન : 

વળી એક ભગવાનના પરમ ભક્ત નારદજીની કથા છે. તેમને પ્રગટ ભગવાનનો પાકો વિશ્વાસ હતો. અને સારાસારનો વિવેક સમજીને લોકોને જ્ઞાનોપદેશ આપતા હતા. તેના ઉપદેશથી અસંખ્ય જીવો ભવપાર થયા હતા. જે જે સ્થળે જિજ્ઞાસુ જીવો હોય ત્યાં તેનો ઉધ્ધાર કરવા તેઓ તુર્ત જ પહોંચી જતા. એ રીતે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણે લોકમાં સતત વિચરતા રહેવું એ જ નારદમુનિનું કર્તવ્ય હતું. એક સમયે એવી રીતે ફરતા ફરતા તેઓ નારાયણસરોવર આવી પહોંચ્યા. ત્યાં તેમણે દક્ષ પ્રજાપતિના દસ હજાર પુત્રોને સૃષ્ટિની વૃદ્ધિ કરવા માટે તપ કરવા માટે એકઠા મળેલા જોયા. તુર્ત જ ત્યાં બેસી જઇને મુનિએ તેમને એવો ઉપદેશ આપ્યો કે તે બધાને દિલમાં સંસાર સુખથી ઉદાસ અને વૈરાગ્ય વાન બનાવી દીધા. જ્યારે દક્ષ પ્રજાપતિએ જાણ્યું કે નારદજીએ પોતાના બધા જ પુત્રોને સંસારથી વિરક્ત સાધુ કરી મૂક્યા છે ત્યારે તે અતિશય ઉદાસ થઇ ગયા, પછી તેમણે ફરી એક હજાર પુત્રો ઉપજાવી ને નારાયણ સરોવરે સૃષ્ટિ વૃધ્ધિ માટે તપ કરવા મૂક્યા, પરંતુ ત્યારે પણ નારદજીએ હાજર થઇ તેમના પ્રથમના ભાઇઓની પેઠે ઉપદેશ આપીને જક્ત વિરક્ત સાધુ બનાવી દીધા. દક્ષને જ્યારે ફરી આ સમાચાર મળ્યા ત્યારે અત્યંત શોકથી દક્ષનો પિત્તો ગયો! નારદજીને શાપ આપી દીધો કે ‘જાઓ, તમે કોઇપણ સ્થળે એક મુહૂર્ત કરતા વધારે વખત સ્થિર થશો તો ત્યાં જ તમારું મૃત્યુ થશે.’ આમ એ શાપને આદરપૂર્વક મસ્તકે ધરીને સ્વીકાર કર્યો અને તો પણ ખુશી રહ્યા કે સારુ, હવે બેસીને ઉપદેશ નહિ આપીએ, પરંતુ ચાલતા ચાલતા જ ઉપદેશ આપીશું. તો ઝાઝા જીવોનો ઉદ્ધાર થશે એમ વિચારીને નારદજીએ પોતાનું કલ્યાણકારી ઉપદેશનું કામ ત્યજ્યું નહિ અને એક મુહૂર્તમાં પણ જિજ્ઞાસુને જે કાંઇ ઉપદેશ આપી શકાય તે આપવો અને તેને સંસારથી છોડાવી મૂકવો એવા દૃઢ આગ્રહપૂર્વક હજુ સુધી પણ જ્ઞાનદાનનું કર્તવ્ય બજાવ્યા જ કરે છે.

નારદજીના આ પ્રસંગથી ભગવાનના ભક્તો એવા આપણે એમના જેવો શુભ આગ્રહ હમેંશા રાખવો ઘટે છે. પ્રગટ પ્રમાણ હરિકૃષ્ણ જે સ્વામિનારાયણ ભગવાનની વાતો પોતાના હૃદયના પ્રેમપૂર્વક જે કોઇ જિજ્ઞાસુ મળે તેને કહેવાનું તાન રાખી તેને મહારાજનો નિશ્ચય કરાવવો અને એ જીવને કાળ-માયાના મુખમાં હોમાય જતો બચાવી લેવો. આવો મહાન ઉપકાર જીવ ઉપર કર્યા જ કરવો. સાચા અને નિર્મળ પવિત્ર માર્ગે જીવને દોરીએ ત્યારે કોઇને ગમે કે ન પણ ગમે તો પણ ભગવાનના ભક્ત હોય તેણે ખરી વાત કરવામાં કશો સંકોચ કે ઉણપ રાખવા નહિ. વળી સુખનો સારો સમય હોય કે દુઃખનો વસમો સમય હોય તો પણ ભગવાનની વાત કર્યા કરવી, પણ તેમાં અટકી બેસવું નહિ. હૃદયના હેતથી શ્રીજી મહારાજની-મહારાજનો મહિમા પૂર્વક નિશ્ચય થાય તેવી વાતો જીવોને કર્યા જ કરવી. આમ કરે તેના પર ભગવાન નિરંતર પ્રસન્ન રહે છે.