કડવું-43

ધન્યાશ્રી

વન વિષમ અતિશય વિકટજી, જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટજી;

રાત દિવસ રહે દુઃખ અમટજી, ઝાડ પા’ડ પૃથ્વી અતિ દુરઘટજી. ૧

ઢાળ

દુરઘટ દેખી અટવી એહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત;

તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અગણિત. ૨

ઘણાં ગોખરું કાટા ફ્રંગટા, કૌચ કંદ્રુ કરણાંનીર;

આવિ સ્પર્શે એ અંગમાં, તેણે સુજી જાય છે શરીર. ૩

પશુ પંખી પરસ્પર, કરે શબ્દ ભૂંડા ભયંકાર;

સહ્યા ન જાય તે શ્રવણે, એવા થાય વનમાં ઉચ્ચાર. ૪

નિશા માંહિ નિશાચર ફરે, હરે પશુ પંખીનાં પ્રાણ;

એવા વનમાં દંપતી અતિ, નિઃશંક ફરે નિરવાણ. ૫

ખાન પાન ખોળે નવ મળે, મળે હિંસક જન હંમેશ;

તોય સંભારે નહિ સુખ રાજ્યનું, હૈયામાંહિ લવલેશ. ૬

જેમ જેમ પડે વિપત્તિ વળી, તેમ તેમ મને મગન;

એમ વનમાંય વીચરે, રાત દિન રાણી ને રાજન. ૭

એવા વનમાં ઋષિ રહે, જેને અન્નનો નહિ આહાર;

જોઈ રાજા એવા ઋષિને, ત્યાંથી ચાલી નિસરે તે વાર. ૮

એમ દિન કંઈ વહી ગયા, પછી રાજાએ કર્યો વિચાર;

રાણી ખાણી સર્વે દુઃખની, માટે તજી દેઉં નિરધાર. ૯

પછી અર્ધું અંબર લઈ અર્ધ રાતે, ચાલી નિસર્યા નળ વળી નરેશ;

નિષ્કુળાનંદ કહે દમયંતિ, પામી પૂરણ કલેશ. ૧૦

વિવેચન : 

અરણ્ય એટલું તો વિકટ અને ભયંકર હતું કે તેઓ જ્યાં જાય ત્યાં દુઃખ પામતાં હતાં. ઝાડો, પહાડો અને જંગલની જમીન એવા વસમાં હતાં કે, રાત દિવસ કષ્ટ મટતું ન હતું. જંગલની ભયંકરતા જોઇને મનુષ્યની ધીરજ ખલાસ થઇ જાય એવું હતું. તેમાં રાજા-રાણી રઝળતાં હતાં અને અગણિત વિપત્તિઓ પામતાં હતાં. ગોખરું, કાંટા, ફ્રંગટા, કૌચ વગેરે વાગતાં હતાં. ખાજવણી જેવી વનસ્પતિ કે જેનો સ્પર્શ થતાં જ શરીર સૂજી જાય તે પણ જંગલમાં ચાલતાં અંગે ઘસાતી હતી. વળી કાને સાંભળી ન શકાય એવા ભયંકર કર્કશ અવાજો પશુપંખીઓ સામ સામે કરી રહ્યાં હતાં. મોટા રાક્ષસો રાત્રિમાં ફરતા પ્રાણીઓને ખાઇ જતા હતા. આવા ભયંકર જંગલમાં નળ-દમયંતી તદ્દન બીક વિના ફરતાં હતાં. અતિશય ભૂખ લાગી હતી, તેથી કંઇ ખાવાપીવાનું ખોળી રહ્યા હતા, પણ કંઇ મળતું ન હતું. ક્યારેક સામે કોઇ શિકારીઓ પણ ભેટી જતા હતા. આવા સંકટમાં પણ પડેલી વિપત્તિને ધીરજથી સ્વીકારી લઇ ભૂતકાળમાં જે રાજ્યવૈભવનું સુખ ભોગવેલુ તેને યાદ પણ કરતાં ન હતાં.જેમ જેમ કષ્ટ પડતું હતું. તેમ તેમ મનમાં મગન રહી રાતદિવસ વનમાં વિચરતાં હતાં.ચાલતાં ચાલતાં આ અરણ્યમાં એક ઋષિ મળ્યા પરંતુ તે પણ અનાજ ખાતા ન હતા. તેના દર્શન કરીને રાજા-રાણી ચાલી નીકળ્યાં. એક સરોવર આવ્યું. દમયંતીને ત્યાં બેસાડીને રાજા કાંઇક ખોરાક મેળવી લાવ્યો તે તેણે દમયંતીના હાથમાં આપ્યો અને વધારે મેળવવા પાછો ગયો પણ અહીં દમયંતીથી તે ખોરાક સરોવરમાં પડી ગયો. બીજો વધારે આહાર મળ્યો નહિ તેથી રાજાએ વિચાર્યું કે ‘જે કાંઇ મળ્યું છે તે તેટલું બન્ને ખાઇ લઇએ ને પાણી પી લઇયે પણ આવીને જુએ છે તો તે ખોરાક પણ ન મળે! દમયંતીએ ખોરાક સરોવરમાં પડી ગયાની ખરી હકીકત કહી, પણ રાજાના મનમાં વહેમ પડી ગયો કે લાવેલો ખોરાક દમયંતી મને છોડીને એકલી ખાઇ ગઇ!’ પરંતુ તે વખતે તો એ કાંઇ બોલ્યો નહિ. પણ રાત્રે સૂતા પછી વિચાર્યું કે આ રાણી મને ભૂખ્યો રાખીને એકલી જ આહાર ખાઇ ગઇ! અરે! એજ દુઃખનું મૂળ છે, માટે બસ, તેનો ત્યાગ કરવો જોઇએ. આવો નિશ્ચય કરી બન્ને વચ્ચે પહેરવાનું જે એક વસ્ત્ર રહેતું હતું તેમાંથી અર્ધું ફાડી લઇને અર્ધી રાત્રિયે દમયંતીને ઘોર ઊંઘમાં સૂતેલી ત્યાગ કરીને નળ રાજા ચાલી નીકળ્યા. સવારે દમયંતી જાગીને જુએ છે તો રાજા પોતાની પાસે નથી અને વસ્ત્ર અર્ધું ફાટેલું છે તેથી રાજા પોતાને તજી ગયા છે એમ જાણી તેના દિલમાં અતિશય સંતાપ થયો.