પ્રતિપાદિત વિષય :
સાચો ત્યાગી કોણ ?
મુખ્ય મુદ્દા :
૧. ત્યાગ કર્યા પછી અંતરમાંથી તે પદાર્થ દૂર ન થાય તો તે ત્યાગીની કંગાલિયત છે,રાંકાઈ છે.
ર. આશ્રમ બદલવા સાથે અંતઃકરણમાં પણ બદલાવ લાવે તો જ સાચો ત્યાગી થઈ શકે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે, જેણે સંસાર મૂકયો ને ત્યાગીનો ભેખ લીધો તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત્પદાર્થમાં પ્રીતિ રહે છે. તેને કેવો જાણવો ? તો જેવા મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો.
અહી મહારાજ કહે છે કે, જેને સંસાર મૂકયો છે એટલે કે સંસારને તુચ્છ જાણીને ત્યાગ કર્યો છે તો પણ જગતના પદાર્થોની ઈચ્છા થાય છે તે રાંકપણું છે–કંગાલિયત છે. રાંકા માણસો શાહુકાર માણસોએ બિન ઉપયોગી ને તુચ્છ જાણીને નાખી દીધેલ વસ્તુઓ મેળવવા પડાપડી કરતા હોય છે. મહારાજ કહે છે કે, ઉકરડામાંથી દાણા વીણીને ખાતો હોય ત્યારે ઉકરડામાં તો શાહુકારોએ અતિ નકામી વસ્તુ હોય ને કોઈ ગરીબને પણ આપતા તેને શરમ લાગે એવી તુચ્છ વસ્તુ હોય તે ઉકરડામાં નાખી હોય તો પણ રાંકા માણસો તે મેળવવાની ઈચ્છા રાખતા હોય છે. એટલું જ નહીં, તે મેળવવા પડાપડી કરતા હોય છે. ત્યારે તેને દેખીને મહારાજ કહે શાહુકારને એમ થાય છે કે ખરેખર આણે આગલા જન્મમાં ઘણાં પાપ કર્યાં હશે તે અત્યારે તેને ખાવા પણ મળતું નથી. રાંકા પોતે પણ પોતાને પાપી માને છે ને સમજે છે કે આપણું પૂર્વનું કાંઈ પાપ છે તો આપણે આવી પરિસ્થિતિ ભોગવીએ છીએ. પણ રાંકા શું કરી શકે ? કારણ કે તે બધું પ્રારબ્ધને આધીન છે.
રાંકપણું બે પ્રકારનું છે. (૧) પ્રારબ્ધાધીન (ર) અજ્ઞાનાધીન પ્રારબ્ધાધીન કે જે સગવડતા અને જીવન જરૂરિયાતના સાધનોથી રહિત કંગાલપણું છે. જેનું દૃષ્ટાંત મહારાજે અહી આપ્યું છે. તે રાંકપણું પોતાની ઈચ્છા હોય તો પણ દૂર કરી શકાતું નથી, તે કર્માધીન છે, ભગવાનની ઈચ્છાને આધીન છે. જયારે બીજું રાંકપણું માનસિક છે. કેટલીક વ્યકિતઓ માનસિક રીતે રાંકપણું ભોગવતી હોય છે. આવું રાંકપણું પ્રારબ્ધને આધીન નથી, અજ્ઞાનાધીન છે, અણસમજણને આધીન છે. તેનો ત્યાગ કરવામાં અને રાખવામાં પોતે સ્વતંત્ર છે. જો પોતે ઈચ્છા કરે તો તેનો ત્યાગ થઈ શકે છે. એથી તો આવા રાંકા માણસ મહારાજની દૃષ્ટિએ વધુ નિંદા અને તિરસ્કારને પાત્ર બન્યા છે. પેલા રાંકા તિરસ્કારને પાત્ર નથી; દયાને પાત્ર છે. કારણ કે પ્રારબ્ધાધીન છે. જયારે આવા રાંકા નિંદાને પાત્ર બન્યા છે, જે દયાને પાત્ર નથી.
ઘણી વખત જગતમાં ઘણા માણસો ખૂબ સુખ સંગવડ અને સમૃદ્ધિવાળા હોય છે પણ હૃદયથી બિલકુલ રાંકા હોય છે. કોઈ બીજાને માટે તેના હાથમાંથી રતિ માત્ર છૂટતું નથી. જયારે ઘણા એવા પણ ઉદાહરણ હોય છે કે પોતાની આજીવિકા માટે સાંસા હોય તોય દિલાવર દિલના હોય. આમ તે દિલના ઉદાર છે, તેથી શ્રીમંત છે. આ વસ્તુ તો સ્થૂળ છે ને જગતમાં બધાને દેખાય તેવી છે. તેવું ને તેવું જ ત્યાગાશ્રમમાં આવ્યા પછી પણ બને છે. આશ્રમ બદલવાથી બધાનું દિલ બદલી જાય તેવું બની જતું નથી. આશ્રમ બદલવો અલગ વસ્તુ છે ને અંતર બદલવું અલગ વસ્તુ છે. જગતના તુચ્છ પદાર્થોને હૃદયથી પકડી રાખવા એ ત્યાગી સંતનું રાંકાપણું છે. જો કે ત્યાગાશ્રમની સાથે તેને સ્થૂળ પદાર્થો તો છોડી જ દીધા છે તો પણ હૃદયમાંથી તેની મહત્તા અને ઉપયોગિતા છૂટી નથી.
મહારાજ કહે છે કે, ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થો તેને ભેળા કરી રાખે છે. વળી પાછી તેની ઝાઝી તૃષ્ણા રાખે છે ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભકિતમાં પ્રીતિ થતી નથી એ મોટા સંતોની દૃષ્ટિએ પૂર્વ જન્મનું પાપ છે ને કંગાલપણું છે. જે ઉપયોગી નથી. જેનો જાહેરમા ઉપયોગ પણ કરી શકે તેમ નથી. જે અયોગ્ય છે. જે ભગવાનના કુરાજીપાનું કારણ છે. તો પણ જેને તેમાં પ્રીતિ થાય છે તો તેનાથી મોટું પૂર્વનું પાપ કયું ગણાય ? ખરેખર તો એ માનસિક દોષ છે. સમજણની ખામી છે. જરૂરિયાતનો અભાવ નથી. માટે ઊંડો વિચાર કરે તો દૂર થઈ શકે છે. માટે મહારાજ કહે છે કે, ત્યાગીને તો કચરો ને કંચન બેય સમાન છે ને ત્યાગવા યોગ્ય છે. ને ત્યાગીને તો આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવુ હોય જ નહીં. જેણે ભગવાન અને તેના સંબંધ રહિત બધા જ પદાર્થો બિનઉપયોગી કરી નાખ્યા છે પછી તેને સારા–ભૂંડાની દૃષ્ટિ જ નાબૂદ થઈ જાય છે. ભગવાનના માર્ગમાં ઉપયોગી બિનઉપયોગી છે કે નહીં તેટલી જ દૃષ્ટિ હોવી જરૂરી છે. સારા–ભૂંડાની દૃષ્ટિ તો જગતની દૃષ્ટિએ છે. એનો તો ત્યાગ કર્યો છે.
એક ભગવાનમાં જ પ્રીતિ હોય તો જ તે સાચા અર્થમાં ત્યાગી છે. નહીં તો આશ્રમની વિડંબણા છે. મિથ્યા નાટક અને છેતરામણ છે.