ગપ્ર–૩૩ : મૂઢપણું, પ્રીતિ અને સમજણનું

પ્રતિપાદિત વિષય :

ભગવાનને પ્રસન્ન કરવાના સાધનોમાં સૌથી બળવાન સાધન કયું ?

મુખ્ય મુદ્દા        

૧. આશ્રય દૃઢ જોઈએ.

ર. આશ્રયમાં કોઈ જાતની પોલ ન જોઈએ.

વિવેચન :–

આશ્રય શબ્દ ઘણા અર્થોમાં વપરાય છે. આશ્રયના અર્થોઃ–

(૧) આશ્રયઃ વિશ્રાંતિ સ્થાન–ઘર વગેરે.

(ર) આશ્રયઃ પોતાનું પોષણ કરનાર–બાળકના માતાપિતા, વાલી.

(૩) આશ્રયઃ રક્ષણકર્તા–કોઈપણ રીતે શરણે આવેલાના રક્ષક

(૪) આશ્રય : ચિહ્ન અને નિયમો ધારવાં. દા.ત.તિલક, ચાંદલો, માળા વગેરે.

(પ) આશ્રય : આસમન્તાત્‌શ્રયતે ઈતિ આશ્રયઃ ।

શ્રિ્‌સેવાયા ધાતુ ઉપરથી આશ્રય શબ્દ બન્યો છે અને તે સાધન ભાવમાં બન્યો છે. તેથી તેનો સાદો અર્થ એવો થશે કે જે સાધન કરવાથી ભગવાનની નિત્ય સેવા પ્રાપ્ત થાય. શાસ્ત્રની ભાષામાં તેને આશ્રય કહ્યો છે. તેમાં આંતર–બાહ્ય એવો આર્તનાદ નીકળતો હોય કે હે, મહારાજ ! એક બાજુ યત્કિંચિત્‌મારાથી થતી આપની સેવા, આપને પ્રત્યક્ષ મેળવવાના પ્રયત્નો કે સાધનો છે અને બીજી બાજુ આપની સેવા કે સ્વરૂપ પ્રાપ્તિની મહત્તા આવેલી છે. આ બન્ને વસ્તુની તુલનામાં મારા પ્રયત્નો કે સાધનો છે તે અતિ વામણાં દેખાય છે. માટે તેની પ્રાપ્તિ તો કૃપા કરીને આપ કરાવો તો જ થાય. દુનિયામાં એવું સાધન નથી જે તેની મહત્તા ચૂકવી શકે. માટે તેની પ્રાપ્તિમાં આપને પોતાને જ હું સાધન તરીકે સ્વીકારું છું. આપની પ્રાપ્તિનું સાધન પણ આપ છો અને પ્રાપ્તિ સ્વરૂપ પણ આપ છો. ભક્તિપ્રપત્તિભ્યાં પ્રસન્નઃ નારાયણૈવ ઉપાયઃ ઉપેયઃ ચ । આ વસ્તુમાં હું તો આર્તનાદથી પ્રાર્થના કરવામાં શકિતમાન છું. આવા ભાવથી નિરાભિમાન થઈ પોતાના કલ્યાણનો ભાર પરમાત્માને સોંપવો તેનું નામ આશ્રય છે. અહીં આશ્રયનો આ અર્થ લેવાયો છે.

શ્રીજી મહારાજે આશ્રયના અત્રે બે વિશેષણો વાપર્યાં છે. એક તો આશ્રય ‘અતિદૃઢ’ જોઈએ. આશ્રયની અતિ દૃઢતાના ઉદાહરણો સંપ્રદાયમાં ઘણાં થઈ ગયાં છે. દેતડ ગામના દેવજી પટેલ શ્રીજી મહારાજના અનન્ય સત્સંગી; પરંતુ સંતાન નહિ એટલે મનમાં થોડું એવું રહ્યા કરે કે મહારાજ પુત્ર આપે તો સારું. ચૂંદડિયા બ્રાહ્મણ આવ્યા ને ઘરવાળાએ માનતા કરી. પુત્ર થયો ને બ્રાહ્મણ આવ્યો ને માતાજીની માનતાની વાત કરી. ભગતને સમાચાર મળ્યા ને કહ્યું કે તારી માતાએ આપ્યો હોય તો તું લઈ જા, મારે ન જોઈએે. ઊભા થયા ને લાકડી લીધી. આ આશ્રયની દૃઢતા છે.

આશ્રયનું બીજું વિશષેણ એવું કહ્યું કે તેમાં કાંઈ પોલ, ડગમગાટ કે સંશય ન જોઈએ. ગજેન્દ્ર, દ્રૌપદી આદિના પ્રસંગો સાંભળતાં તે સ્પષ્ટતા થઈ આવે છે કે જરા પણ બીજા પર આધાર હોય ત્યાં સુધી ભકતને જોઈએ તેવો પરમાત્મા અપનાવતા નથી. જયારે સર્વની આશા મૂકીને એક પરમાત્માને પસંદ કરે છે ત્યારે જ પરમાત્મા અપનાવે છે.

તે આશ્રય મુખ્યત્વે ત્રણ રીતે થાય છે.

૧. મૂઢપણે : આ આશ્રયમા ‘ભગવાન્‌ભક્તેષ્ટદો’ જેના હૃદયમાં ભકિત હોય એવા ભકતના સર્વે ઈચ્છિત અર્થોને ભગવાન પૂરે છે.એવા સાધુના વચનમાં તેને દૃઢ વિશ્વાસ આવી ગયો છે. પછી મહા અલમસ્ત થઈને ભગવાનને ભજે છે. શાસ્ત્રમાં પ્રહ્લાદજીનો આશ્રય આ પ્રકારનો ગણાવ્યો છે. સંપ્રદાયમાં વજીબાઈ વીજાપુરવાળા, વીરા શેલડીયા તથા બીજા અનેક એવાં ઉદાહરણો છે.

ર. પ્રીતિથી : ગોપીઓ તથા એવા આધુનિક પ્રેમી ભકતો કે જેમને એકવાર ભગવાનનો સ્વાદ જણાઈ આવ્યા પછી અન્ય પરિબળો પરથી મન હઠીને એક પરમાત્મામાં વિરામ પામ્યું છે. તેને પ્રીતિથી થયેલો આશ્રય ગણાય.

૩. સમજણથી : પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય. ખાસ કરીને બીજા તત્ત્વોની તુલનામાં પરમાત્માની જ મહત્તા જણાય. એ મહિમાના જ્ઞાનથી ભગવાનને શરણે થવાય તેને સમજણથી થયેલો આશ્રય કહેવાય છે. આ પ્રકારના આશ્રયને સર્વથી શ્રેષ્ઠ કહ્યો છે. જેમ પારસમણિથી લોઢું સોનું બની જાય પણ સોનામાંથી પાછું લોઢું પારસમણીથી પણ થાય નહિ. તેમ સમજણથી જેને આશ્રય થયો હોય તેને ભગવાન પણ મનુષ્યલીલા કરી છેતરી શકતા નથી. પોતાનું મન પણ આશ્રયમાંથી ડગાવી શકતું નથી, એ આશ્રય અતિ શ્રેષ્ઠ છે.