ધન્યાશ્રી
મયૂરધ્વજ કહે માગું હું તે દેજોજી, આવું રૂપ અનુપ હૃદિયામાં રે’જોજી;
વળી એક બીજું મારે માગવું છેજોજી, હવે આવી પરીક્ષા કેનીએ મ લેજોજી. ૧
ઢાળ
લેશોમા આવી પરીક્ષા કેની, તમે દયાળુ દયાને ગ્રહી;
એમ મયૂરધ્વજે મોર્યે માગ્યું, સહુ જીવ સારુ જાણો સહી. ૨
ભલો ભલો એહ ભૂપતિ, જેની મતિ અતિ મોટી ઘણી;
ભલી કરી એણે ભગતિ, એના જેવી જોઈએ આપણી. ૩
સત્ય શ્રદ્ધા ધીરજપણું, જોઈએ એના જેવો વિવેક;
ધર્મ પણ દૃઢ ધારવો, જોઈએ એના જેવી ગ્રહી ટેક. ૪
ટેક એક હરિભકતને, નેક છેક સુધી છાંડવી નહિ;
કરી વિવેક અતિ ઉરમાં, વળી એક રંગે રે’વું સહિ. ૫
પળે પળે રંગ પલટે ચઢે, કૈં’યે નવલ કસુંબી કૈં’યે નીલનો;
એક રે’ણી કે’ણી એક રીત નહિ, સ્વભાવ સમ સલિલનો. ૬
પણ જેજે ભક્ત મોરે થયા, તે સર્વેની સુણીએ રીત;
કસ્યા વિના કહો કોણ રહ્યા, સહુ ચિંતવી જુઓ તમે ચિત્ત. ૭
જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા, તેતો પ્રથમ પોતે પીલાય છે;
ત્યાર પછી ચડે તાવડે, તેનાં ગોળ ખાંડ સાકર થાય છે. ૮
તેમ કશ્યા વિના કોઈ વસ્તુ, ખરે ખપે નથી આવતી;
એમ સમજી સંકટ સહો, તો ભલી ભજી જાય ભગતિ. ૯
પોં’ચ્ય વિના પર્વતે ચડ્યાની, હૈયે કરે કોઈ હોંશ;
નિષ્કુળાનંદ કહે એ નહિ બને, અમથો થાશે અફસોસ. ૧૦
વિવેચન :
મયૂરધ્વજે કહ્યું ‘મહારાજ, આપ પ્રસન્ન થયા હો અને માગવાનું કહેતા હો તો હું એટલું માગું છું કે આપનું આવું અદ્ભુત સ્વરૂપ મારા હૃદયમાં કાયમ રહો. એક બીજું પણ માગું છું કે ‘હે ભગવાન દયા કરીને હવે પછી આવી આકરી પરીક્ષા કોઇની પણ કરશો નહિ. આમ મયૂરધ્વજે બીજા સર્વ જીવોના હિતનું વરદાન માગી લીધું. અહો ! એ રાજાની મોટાઇ અને ભલાઇની શી વાત કરવી! ખરેખર એણે સરસ ભક્તિ ભજાવી.’’
આપણે પણ તેવી જ ભક્તિ ભજવવી જોઇએ. તેના જેવી સાચી શ્રધ્ધા, ધીરજ અને સારાસારનો વિવેક તથા પોતાનો ધર્મ દૃઢ ટેક રાખીને પાળવો જોઇએ. આ રીતે જે હરિભક્ત હોય તેણે પોતાની નેક ટેક એકનિષ્ઠાથી ધારણ કરી હોય તે છેવટ સુધી છોડવી જોઇએ નહિ અને વિવેક વિચારપૂર્વક હૃદયનો રંગ (ભગવાન તથા સાચા સંતો પ્રતિ ભાવનાનો રંગ) એક રાખવો જોઇએ. જે રંગ પળે પળે ચડે અને ઊતરી જાય તે નવા કસૂંબી કે ગળીના રંગ જેવો હોય તેની પેઠે જેના રહેણી કરણી અને વચન એક સ્વરૂપે રહેતાં નથી. તેવાં મનુષ્યોનો સ્વભાવ વહેતાં પાણી જેવો અસ્થિર જાણવો. પૂર્વે જે જે સાચા ભક્તો થઇ ગયા છે તે બધાના ઇતિહાસ જોઇએ તો વિચારી જુઓ કે કસોટીમાં (દુઃખ, પ્રતિકૂળતામાં) પાર ઉતર્યા વિના કોણ એવા થયા છે? શેરડીનો રસ મોંઘી કિંમત ક્યારે મેળવે છે? જ્યારે પ્રથમ શેરડી સિચોડામાં પીલાય, પછી તે રસ તાવડામાં ઉકળે છે ત્યારે તેના ગોળ, ખાંડ, સાકર બને છે તેમ કસણી વિના કોઇ વસ્તુ ખરા ખપની અને કિંમતી બની શક્તી નથી. આમ સમજીને ભગવાન ભજતાં જે સંકટો આવે તે દૃઢતાથી સહન કરીએ તો જ ભક્તિનો રંગ રહી જાય, તો જ ભક્તિમાં કાંઇક રંગ-તેજ આવે પણ પગમાં જરાય તાકાત ન હોય અને પર્વત ઉપર ચઢવાની હોંશ કોઇ કરે તો તે કેમ બની શકે? એમાં તો છેવટ નકામો અફસોસ જ થવાનો.