ગપ્ર–ર૬ : સાચા રસિક ભક્તનું – નિર્ગુણભાવનું

પ્રતિપાદિત વિષય :સાચી રસિકતા કઈ ?મુખ્ય મુદ્દા:૧. રસિક ભકતને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તે મોટી ખોટ્ય છે.ર. પરમાત્મામા રસિકતા જણાય તે જ સાચા અર્થમાં મોક્ષ પ્રદાન કરનારી રસિકતા છે.૩. પરમાત્મામાં પણ રસિકતા હોય અને જગતના વિષયોમાં પણ રસિકતા હોય તે રસિકતા ખોટી છે.વિવેચન :–આ વચનામૃત રસિક ભક્તોનું વચનામૃત છે. સાચી રસિકતા શું છે તે મહારાજે કહ્યું છે. રસના જ્ઞાતાને રસિક કહેવાય છે અથવા રસના સાચા ભક્તોને રસિક કહેવાય છે. તે રસ સાહિત્યમાં નવ પ્રકારના છે. શ્રૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાંત વગેરે. તો પણ રસિક શબ્દ સાહિત્યમાં અને ખાસ કરીને અધ્યાત્મમાં શ્રૃંગાર રસ માટે વધારે રૂઢ થયેલ છે. મહારાજે કહ્યું છે કે રસિક માર્ગે ઘણા પડી ગયા છે ને ઉગર્યો છે કોઈક જ.રસિક અટલે શ્રૃંગાર રસનો સાચો જ્ઞાતા અથવા ભક્તો. રસમાં થોડા અંદરના પાસાંઓ છે; પરિબળો છે. આલંબન, ઉદ્દીપન, સંચારીભાવ, સ્થાયીભાવ અને અંતે થતી રસ નિષ્પત્તિ. એ રસપાન કરનારો રસિક કહેવાય. તે રસિકતા લૌકિક નરનારી સંબંધી પણ હોઈ શકે અને અલૌકિક–દિવ્ય પરમાત્મા સંબંધી પણ હોઈ શકે. પરમાત્મા તમામ રસોના આશ્રય છે. પરમાત્મામાં જે શ્રૃંગાર રસ રહ્યો છે તે દિવ્ય છે ને ભકિત તથા મુકિત બન્ને આપનારો છે. માટે સાચો રસિક ભકત કોણ ? તેનો આ વચનામૃતમાં નિર્ણય કર્યો છે.રસિકતા બે પ્રકારની છે. એક મોક્ષપ્રદા રસિકતા અને બીજી નરકપ્રદા રસિકતા. જગત સંબંધી રસિકતા નરક પ્રાપ્ત કરાવનારી છે. જયારે ભગવાન સંબંધી રસિકતા મોક્ષને આપનારી છે. તે રસને પણ આપનારી છે. રસિકતા તો દેહધારી માત્રમાં પડી છે. એટલું જ નહિ પશુમાં પણ પડી છે; પરંતુ આલંબન, ઉદ્દીપન પ્રાપ્ત થતાં તે રસ રૂપે વહે છે. તેમાં વિવેક નથી કે આ રસિકતા મને ઘોર નરક પમાડશે કે ભગવાનની પ્રાપ્તિ કરાવશે. રસિકતામાં ખામી નથી, જે છે તે વિવેકની ખામી છે. પોતાની રસિકતા જ પોતાની ઘોર ખોદે છે. પોતાને ઘોર નરકમાં ઢસડી જાય છે. તો તેને સાચી ને સુખદાયક રસિકતા કેમ કહેવાય ? એટલે મહારાજ કહે તેને ભગવાનમાં રસ જણાય તો તે રસિક ભક્ત સાચો ને જગત સંબંધી રસ જણાય તો તે ખોટો. એવું શા માટે ? તે એના પરિણામ ઉપરથી જણાય છે. એટલે જેનું ફળ અથવા પરિણામ લાભદાયક હોય તે રસિકતા સાચી ગણવી જોઈએ અને જેનું ફળ દુઃખદાયક હોય તે રસિકતા ખોટી ગણવી જોઈએ.મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ગોપીઓએ ભગવાનમાં રસિકભાવે પ્રીતિ કરી હતી તો પણ ભગવાનની ગતિને પામી. કારણ કે તેનું આલંબન પાત્ર પરમાત્મા હતા. જયારે જગતભરની સ્ત્રીઓ પોત પોતાના પતિની સાથે શ્રૃંગાર ભાવથી જોડાયેલી છે, પણ તેને તો ઘોર નરક પ્રાપ્તિ કહી છે. માટે રસિકતા તો તે જ સાચી ગણાય કે રસ આસ્વાદન પણ કરાવે ને પરમાત્માની પ્રાપ્તિ પણ કરાવે. એવી રસિકતા તો એક પરમાત્માથી અન્યત્ર કયાંય પ્રાપ્ત થતી નથી.વળી મહારાજે ભગવાન સંબંધી રસિકતાની વિલક્ષણતા એ કહી કે તેને ભગવાન સંબંધી વિષયમાં રસ આવે એ તો બરાબર પણ જગત વિષયમાં પણ જો રસ આવતો હોય તો તે રસિકતા ખોટી થઈ જાય છે. ભગવાનમાં રસ આવવો એટલું જ પૂરતું નથી. ભગવાનમાં રસ આવ્યા પછી અન્ય રસની ઉલ્ટી કેટલી થઈ છે તે જ ભગવાનમાં રસ આવ્યો છે કે નહીં તેની ખાતરી કરાવી શકે છે. માટે ભગવાનમાં રસની સાથે અન્ય જગત સંબંધી વિષયનો અભાવ ન થાય અને તેનો પણ આદર રહે તો તેને ભગવાનમાં રસ છે નહીં એમ કહેવાય. જયારે જગતરસમાં એવું નથી. જગતરસની રસિકતા હોય અને તેને થોડો કદાચ ભગવાનમાં રસ પડે તો પેલી રસિકતા બધી જૂઠી નથી બની જતી. તે આ રસિકતાને ચલાવી શકે છે, પણ ભગવાન સંબંધી રસિકતામાં એવી શરત–સ્વભાવતા નથી.માટે વચનામૃતમાં મહારાજ કહે છે કે ભકતને ભગવાનના શબ્દમાં હેત થાય છે ને રસ જણાય છે તેમજ સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે માટે એ ભકતને અવિવેકી જાણવો. એ ભકત ખાલી રસને જાણે છે પણ કયા રસનું ફળ શું છે તે નથી જાણતો એ તેની મૂર્ખતા છે. એવી મૂર્ખતાનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું. એવી જાતનો જે રસિક ભકત છે તેને ખરો જાણવો. તેવી જ રીતે સ્પર્શ વિષયમાં પણ રસિકતા જાણવી. ભગવાનનો સ્પર્શ ઈચ્છે ને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો અનુભવે ત્યારે તે સાચો. અન્ય રૂપને નરકનો ઢગલો અને સડેલુ કૂતરું તેવું જાણે. તેમજ રસ અને ગંધ પણ અન્ય સંબંધમાં સુખ થાય જ નહિ ને રસ પડે જ નહીં ને રાજી થાય જ નહીં ત્યારે તેની રસિકતા વિવેકી રસિકતા છે અને સાચી છે ને મોક્ષને અપાવનારી છે.મહારાજ કહે છે કે ભકત ભગવાન સંબંધી વિષયમાં પણ આનંદ પામે ને વળી જગત સંબંધી વિષયમા પણ આનંદ પામે તો તે ખોટો રસિક ભકત છે. માટે એવા રસિકપણાને ને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાં જે એણે જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા. માટે તેનો ભાવ ખોટો છે ને જ્ઞાન પણ ખોટું છે.બીજી વિશેષ વાત મહારાજે એ કહી કે જેમ જાગ્રત અવસ્થામાં રસિકતાનો ને ભાવનાનો વિવેક છે તેમ સ્વપ્નમાં પણ પંચવિષય છે ને રસિકતા છે. તે જયારે સ્વપ્નમાં ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દાદિકે કરીને જેવો આનંદ પમાય તેવો જ આનંદ અન્ય પંચવિષયથી આવતો હોય તો રસિકપણું ખોટું છે. સ્વપ્નમાં પણ ભગવાન સંબંધી પંચવિષયથી આનંદ પામે ને અન્ય વિષયનો ઉલ્ટા અન્નની પેઠે અભાવ રહે તો તે ભકત સાચો છે. કેમજે સ્વપ્નમાં ભગવાન દેખાયા તે તો સાચા છે, પણ ભકતની સમજણ ખોટી છે. એક ભગવાનમાં જ લોભાય ને બીજા વિષયમાં ન લોભાઈ તે સમજણ સાચી છે.અહીં સમજણનો એક સુંદર વિવેક અથવા રહસ્ય કહ્યું છે. ભગવાન જાગ્રતમા દેખાય અથવા સ્વપ્નમાં દેખાય, સાક્ષાત્દર્શન કરો કે માનસિક ચિત્રમાં દર્શન કરો તો પણ ભગવાન સાચા છે. તેમાં કાલ્પનિકતા આવતી નથી. તેમાં સત્ય જ રણકે છે. જયારે જગત સંબંધી પદાર્થ સાક્ષાત્ભોગવો તો પણ તેમાં ક્ષણિકતા, નશ્વરતા અને તુચ્છતા જવાની જ નથી અને સ્વપ્નમા ભોગવો તો પણ તેવા જ રહેવાના છે.બીજી વાત અગત્યની એ છે કે ભગવાનની મૂર્તિની સાક્ષાત્–પ્રત્યક્ષ રીતે ભક્તિપૂર્વક પૂજા કરીએ કે માનસિકભાવથી મૂર્ત થયેલી મૂર્તિને ભાવવિભોર થઈને ભક્તિ અર્પણ કરીએ તો પણ ફળ તો થવાનું જ. એટલું જ નહિ, પ્રત્યક્ષ જેટલું જ મળવાનું. જયારે તેનાથી ઉલ્ટું સ્વપ્નમાં જગત વિષય તો બિલકુલ જૂઠા છે. તો પણ ત્યાં સ્વપ્નમાં માનસિક રીતે ભોગવ્યા હોય તો પણ તેનું પાપ મૂર્તિમાન અને સાચુ થાય છે. જેમ પેલામાં પુણ્ય સાચુ તેમ આમાં પાપ સાચુ છે, પાપનું પ્રાધાન્ય છે. જયાં જાવ ત્યાં પાપ જ સાચું, જાગ્રતમા કે સ્વપ્નમાં.માટે મહારાજ કહે છે ભગવાન તો સ્વપ્નમાં દેખાય તોય કલ્યાણકારી છે ને જગત તો સ્વપ્ન કે પ્રત્યક્ષ દેખાય તો પણ અધોગતિ જ છે. એવી સમજણ કે એવો વિવેક એ જ રસિકતા સાચી છે, બીજી ખોટી છે. મહારાજ કહે તમે કીર્તન ગાઓ છો ત્યારે અમે આંખ્યો મીંચીને વિચારીએ છીએ. તે આટલું જ વિચારીએ છીએ. તેમાં ભગવાન વિના બીજુ કાંઈ આવે તો તેનું માથું ઊડી જાય એવો અમારો જોરદાર વિચાર છે એટલે કે વિવેક છે. જગતભાવ બિલકુલ સહન જ થઈ શકતો નથી.અમે થોડું વિચારીએ છીએ પણ આવું વિચારીએ છીએ. અને અમે તો મનમાં આવું વાત રૂપી કીર્તન જોડી રાખ્યું છે તે તમને કહ્યુ. વળી મહારાજે કહ્યું કે એક ભગવાનમાં જ રસ પડે અને બીજે રસ ન પડે એમ કરતા કરતા એક ભગવાનનું જ ચિંતવન થાય છે અને એમ ચિંતવન કરતા કરતા જગત શૂન્ય થઈ જાય છે. એટલે કે કયારેય ચિંતવનમાં આવતું નથી ત્યારે એક ભગવાનની મૂર્તિ જ રહે છે. ત્યારે પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. એમ ભગવાનની મૂર્તિ જોતાં જોતાં પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં મૂર્તિ દેખાય છે ને કેવળ ભગવાનમાં પ્રીતિ રહે છે એ પતિવ્રતાની ભકિત છે, રસિકતાની ભકિત છે–ઉપાસના છે. જે સાચી છે. તે વિના બીજી ખોટી છે.