પ્રતિપાદિત વિષય :
ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીતિ
મુખ્ય મુદ્દો :
દેહાત્મબુદ્ધિનો ત્યાગ કરીને આત્મભાવથી ભગવાનને ભજવા એ જ ભગવાનને ભજવાની સાચી, શ્રેષ્ઠ અને નિર્વિધ્ન રીતિ છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે વાસુદેવમાહાત્મ્ય નામે જે ગ્રથ છે તે અમને અતિશય પ્રિય છે. કેમજે ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની જે રીત તે સર્વે એ ગ્રંથમાં કહી છે. માટે અમને ખૂબ પ્રિય છે. પછી મહારાજ ભગવાનને ભજવાની રીતિ આ વચનામૃતમાં બતાવે છે. વાસુદેવમાહાત્મ્યમાં પણ ભકતોનું નિત્યકર્મ પણ ભકિતરૂપ કેમ બને તે બતાવ્યું છે. વળી ભગવાનની પ્રસન્નતા માટે કરેલું કર્મ પોતાની ઈચ્છાથી અધિક ફળને આપનારું થાય છે. વાસુદેવ પરમાત્માનો અપાર મહિમા કહ્યો છે. દેવોએ, મનુષ્યોએ, મુક્તોએ પણ તેની જ ઉપાસના કરવા યોગ્ય છે, તેવો અપાર મહિમા કહ્યો છે. તથા ભકિતને ઉત્પન્ન કરનાર સાધનો કહ્યાં છે. આ બધી સામગ્રી એકાંતિકપણાને પમાડનારી છે. તેથી મહારાજ કહે છે કે અમને અતિશય પ્રિય છે.
શ્રીજી મહારાજ પોતે જ ભકતોને ભગવાન કેવી રીતે ભજવા તેની રીત આ વચનામૃતમાં જણાવતાં વાત કરવા લાગ્યા કે બે પ્રકારના ભકત છે. તેમા એકને તો ભગવાનનો નિશ્ચય છે પણ દેહાત્મબુદ્ધિ સહિત ભગવાનનું ભજન કરે છે. અને બીજો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તેથી પર ને ચૈતન્યસ્વરૂપ એવું પોતાના સ્વરૂપને માનીને તે પોતાના સ્વરૂપને વિષે ભગવાનની મૂર્તિ ધારીને ભગવાનનું ભજન કરે છે. પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિષે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુકત ભાસે છે. એવી રીતની સ્થિતિ પ્રાપ્ત કરીને ભગવાનનું ભજન કરે.
વસ્તુતઃ મહારાજે ભગવાનને ભજનારા ભકતો બે પ્રકારના કહ્યા છે. તેમા એક છે તે દેહાત્મભાવ સહિત ભગવાનને ભજે છે અને બીજો આત્મભાવથી ભગવાનને ભજે છે. આત્મભાવથી જે ભગવાનને ભજે છે તે ભગવાનને માટે, ભકતને માટે અને સત્સંગને માટે બધું પોતે સહન કરી લે છે. પોતાની સેવા આ ત્રણને પહોંચાડે છે. જયારે દેહાત્મબુદ્ધિવાળો ભકત છે તેની રીત થોડી ફરી જાય છે. દેહાત્મભાવને લઈને તેની જે ખામીઓ હોય કે તેની નબળાઈની અસરનો ભોગ પેલા ત્રણેયને બનવું પડે છે. અથવા તો એમ કહીએ તો પણ ખોટું નથી કે તે નબળાઈ પૂરી કરવા માટે ભગવાનને (જો પ્રત્યક્ષ હોય તો) ભકતોને અને સત્સંગને થોડું સહન કરવું પડે છે. તે ભકતનું પણ જાણ્યે અજાણ્યે એવુ વલણ હોય છે કે તે બધા મારે ખાતર એમ કરે અને એમ તેણે કરવું જ જોઈએ. કારણ કે હું પણ એમને માટે જે જોઈએ તે કરું જ છું ને ! માટે એની પણ ફરજ છે જ. આમ આ દેહાત્મબુદ્ધિનું પરિણામ છે અને કયારેક આવું થતું પણ હોય છે.
ભગવાન, મોટા ભક્તો કે સત્સંગ તેને હસતે મોઢે નિભાવતા પણ હોય છે. પણ મહારાજનું કહેવું એવું થાય છે કે એક ભકતને માટે તે યોગ્ય નથી. તેના ઝાઝા હિતમાં પણ નથી. વળી તે ભક્તની અપેક્ષાઓ, વલણ તથા રીતભાત સાચી નથી. ભગવાનના ભકતને ભગવાનને ભજવાની રીત તો આત્મભાવવાળાની કહી તે સાચી રીત છે. તો એને આ વચનામૃતમાં કહી તેવી દિવ્ય અને ઊંચી સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેને હૃદયમાં પ્રકાશ અને ભગવાનમાં અચળતા અને નિર્વિધ્નતા પ્રાપ્ત થાય છે. એવી રીતે ભગવાનને ભજવા એ ભગવાનને ખૂબ પ્રિય છે અને તેથી જ તો વાસુદેવમાહાત્મ્ય ગ્રંથ મહારાજને પ્રિય છે.
શ્રીજી મહારાજ કહે એવી રીતની સ્થિતિ જયાં સુધી થઈ નથી ને દેહબુદ્ધિ રાખીને ભગવાન ભજે છે તો તેને માથે વિધ્નો આવે છે. મહારાજને ગમતી રીત તો પ્રથમ કહી તેવી રીતે ભજવા તે છે. મહારાજ કહે જેમ એવી સ્થિતિમાં શિવજી નહોતા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા અને એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા અને એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પરણ્યાનું મન થયું ને ઈન્દ્ર તથા ચંદ્રાદિક એવી સ્થિતિમાં નહોતા વર્તતા તો કલંક લાગ્યા અને ભગવાનનો ભકત હોય તો પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિષે પણ પ્રાકૃતભાવ પરઠાય જાય છે. જેમ રાજા પરીક્ષિત એવા ભકત ન હતા તો રાસક્રીડા સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે સંશય થયો. જયારે શુકજી આત્મનિષ્ઠ ભકત હતા તો તેમને કોઈ જાતનો સંશય થયો જ નહીં.
આ બધા દૃષ્ટાંતો આધુનિક ભકતોના ઉપદેશ માટે છે. મહારાજ કહે છે કે એ પૂર્વે થયા તેને વિધ્નો લાગ્યા છે તો પણ તેની મોટાઈ ગઈ નથી, માટે તે પ્રાકૃત જીવોના ઉપદેશને માટે છે. તેમા :
બ્રહ્મસ્વરૂપ એવા શિવજીના દૃષ્ટાંતથી યોગીઓએ પણ સાવધાન રહેવું એ બતાવે છે.
શ્રી બ્રહ્માજીનું દૃષ્ટાંત વૃદ્ધોની સાવધાની માટે છે.
નારદજીનું દૃષ્ટાંત સમર્થ ભકતોની પણ સાવધાની માટે છે.
ઈન્દ્રનું દૃષ્ટાંત સમૃદ્ધ અને ભોગસામગ્રીની સગવડતાવાળા ભકતોની સાવધાની માટે છે.
ચંદ્રનું દૃષ્ટાંત નિર્મળ અને ઉજજવલ જીવનવાળાની સાવધાની માટે છે.
પરીક્ષિતનું દૃષ્ટાંત ગરજુ ભકતોની સાવધાની માટે છે.
માટે કોઈ રીતે પણ પોતાને આ વાતથી ભૂલમાં બાકાત ન સમજી લેવો તે માટે છે.
શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનનો ભકત છે તે ભગવાનની મૂર્તિને વિષે જયારે વૃત્તિ રાખે છે ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે. એટલે કે આપણા હૃદયમાં ઊઠતી વૃત્તિઓ ઉપર સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરવું અને તેનું વિભાગીકરણ કરવું. એક તો ભગવાનની મૂર્તિમાં પ્રેમ વધારે તેવી પણ વૃત્તિઓ આપણા હૃદયમાં ઊઠતી હોય છે. તેને ઓળખીને તેનું વિભાગીકરણ કરવું અને કેટલીક દેહાત્મભાવપ્રધાન વૃત્તિઓ આપણા હૃદયમાં ઊઠતી હોય છે. તેને વિચારે કરીને ખોટી કરતી જવી. જેથી દેહબુદ્ધિ ઓછી થતી જાય.
મહારાજ કહે એમ કરતે કરતે એની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે ને આત્મભાવ પણ અખંડ રહે છે અને આવી સાધના સાવધાન થઈને સતત કર્યા કરવી. તો એને એવી સ્થિતિ બંધાય છે. મહારાજ કહે જો સતત અભ્યાસ ન કરે ને ઘડીવાર બેસીને એકાગ્ર ચિત્તે ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂંથતો ફરે એટલે કે દેહભાવની પુષ્ટિ થાય તેવું વર્તન કરે તો તેને એવી સ્થિતિ થતી નથી. જેમ પાણીનો ઘડો એક ઠેકાણે ઢોળીને વળી બીજે દિવસે ત્યાં ઘડો ઢોળે તેણે કરીને ધરો ન ભરાય પણ આંગળી જેવી નાની પાણીની સેર્ય અખંડ વહેતી હોય તો ધરો ભરાઈ જાય છે. તેમ ખાતાં–પીતાં, હાલતાં–ચાલતાં તથા શુભ–અશુભ ક્રિયાને વિષે સર્વકાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો અને દેહબુદ્ધિ છોડવાનો અભ્યાસ કરવો. તો એને વચનામૃતમાં કહી તેવી દૃઢ સ્થિતિ થાય છે.