ધન્યાશ્રી
વળી કહું વાત એક અનુપજી, ભક્ત એક રત્નપુરીનો ભૂપજી;
નામ મયૂરધ્વજ સદાય સુખરુપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી. ૧
ઢાળ
હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભક્ત સત્યવાદી સઈ;
ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઈ. ૨
કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા, અર્જુન થયા તેના શિષ્ય;
યજ્ઞશાળામાં આવિયા, જ્યાં બેઠા હતા નરેશ. ૩
ત્યારે રાય ઉઠી ઉભા થયા, કર્યો દંડવત પ્રણામ;
ભલે પધાર્યા પ્રભુ મારા, માગો કાંઈક મન અતિ અભિરામ. ૪
ત્યારે બ્રાહ્મણ કહે ધન્યધન્ય રાજા, સત્યવાદી તું સાચો સહિ;
પણ મારે છે જે માગવું, તે તરત તને કે’વાય નહિ. ૫
ત્યારે નરેશ કહે નિઃશંક થઈ, માગો મનવાંછિત શંકા તજી;
રાજ સાજ સુખ સંપત્તિ, માગો વસ્તુ જે મન રજી. ૬
ત્યારે દ્વિજ કહે ધર્મપુરથી, હું પુત્ર પરણાવા ચાલિયો;
આવ્યો આ શહેરની સીમમાં, ત્યાં સુતને સિંહે ઝાલિયો. ૭
એકજ પુત્રને એમ થયું, ગયું મારું કુળ સમૂળું સહિ;
બુઢાપણમાં બાળક બીજો, આવવાની આશા નહિ. ૮
હરખ હૈયે નવ રહ્યો, ગયો આનંદ સર્વે ઉચળી;
મારી ને મારા સુતની, વાઘ ન જાણે પીડા વળી. ૯
ત્યારે મેં કહ્યું મેલ્ય પુત્ર મારો, એને સાટે ખાઈજા મુજને;
ત્યારે વાઘ કહે નિષ્કુળાનંદનો, નાથ ભજ્ય કહું તુજને. ૧૦
વિવેચન :
બીજું પણ એક સુંદર આખ્યાન છે. રત્નપુરી નગરીમાં મયૂરધ્વજ નામે રાજા હતો. તે પોતાની પ્રજા તથા બધાને ઘણાં સુખ આપનારો હતો. તે દરરોજ પોતાનું નિત્યકર્મ કરી યજ્ઞમાં-હોમમાં હવિષ્યાન્ન અને ઘી હોમી યજ્ઞ કરતો. વળી તે શ્રેષ્ઠ સત્યવાદી ભક્ત હતો. તેને ત્યાં એક સમયે પરીક્ષા કરવા તથા જગતને તે રાજાની નિષ્ઠા બતાવવા શ્રીકૃષ્ણ ભગવાન અને અર્જુન બન્ને બ્રાહ્મણનો વેશ લઇને આવ્યા. ભગવાને પોતાનું નામ કૃષ્ણશર્મા રાખ્યું. અને અર્જુન તેના શિષ્ય થયા. પછી રાજા યજ્ઞ શાળામાં બેઠો હતો ત્યાં બન્ને આવ્યા. તેમને જોઇને રાજાએ ઊભા થઇને આદરપૂર્વક દંડવત પ્રણામ કર્યા અને કહ્યું ‘હે મહારાજ, હે મહાપ્રભુ ! આપ ભલે પધાર્યા. આપને જેવી પ્રસન્નતા થાય એવું કાંઇક મારી પાસેથી માગો, જે માગશો તે હું આપીશ’ તે સાંભળી બ્રાહ્મણે કહ્યું કે ‘હે રાજન ! તને ઘણા ઘણા ધન્યવાદ છે, તું ખરેખરો સત્યવાદી છે, પરંતુ અમારે જે કાંઇ માગવું છે તે તત્કાળ તને કહેવાય તેમ નથી. રાજા કહે ‘મહારાજ, કોઇ હરકત નહિ આપ શંકા તજીને તમને જે ગમે તે માગી લો. આપની ઇચ્છા હોય તો રાજપાટ કે મનગમતી બીજી સુખસંપત્તિની હરકોઇ વસ્તુ માગી લો.’ આ સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે ‘હે રાજન હું ધર્મપુર નામના શહેરથી મારા પુત્રને પરણાવવા માટે નીકળ્યો છું. ચાલતાં ચાલતાં આ તમારા શહેરની સીમમાં આવ્યો ત્યાં એક સિંહ મળ્યો. તેણે છલાંગ મારી મારા પુત્રને પકડ્યો છે. મારે એ એકનો એક પુત્ર છે એ પુત્રના મૃત્યુથી તો મારો વંશ સમૂળો નાશ પામશે કેમ કે હું બૂઢ્ઢો થયો છું બીજો પુત્ર થવાની કોઇ આશા નથી. પુત્રને પરણાવવાની હોંશ તો હૈયામાં ને હૈયામાં રહી ગઇ, મારા જીવનનો આનંદ માત્ર ઓસરી ગયો છે. મારી અને મારા પુત્રની આ વેદના સિંહ સમજતો નથી. મેં તેને કહ્યું ‘ભાઇ, મારા પુત્રને છોડ અને તેને બદલે તું મારું ભક્ષણ કર’ સિંહે જવાબ દીધો કે ‘મહારાજ, એમ નહિ જ બને, તું ભગવાનનું નામ લે.’’