પ્રતિપાદિત વિષય :
જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તેનાં લક્ષણો.
મુખ્ય મુદ્દો :
જેના હૃદયમાં સાચી ભક્તિ હોય અથવા એકાંતિકતા હોય તેના લક્ષણો.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ”…ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમજ મારે કરવું છે એમ તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલ્યે પણ ન કહે. વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમા શૂરવીરપણું રહે, પણ તેમા વિધ્નો આવે તો કાયર થઈને તેનો ત્યાગ કરી ન દે.”
અહીં મહારાજે એક તો ભકિતનો પ્રભાવ બતાવ્યો છે કે જેના હૃદયમાં ભગવાન પ્રત્યેની ભકિત પડી હોય કે તે ઉદય થાય તો તેની આંતર્વૃત્તિ કેવી હોય અને બીજું એ બતાવ્યું છે કે જેના હૃદયમાં ભક્તિ હોય તેને ભગવાનના વચનમાં અને સતના વચનમાં અચળ વિશ્વાસ હોય ને તેના વચનમાં ટુકટુક થઈ જવાની તૈયારી હોય છે. જેના પ્રત્યે સમર્પણ ભાવ જાગ્યો કે સાચા અર્થમાં પ્રીતિ જાગી તો આ વાત જરૂર આવે છે. પછી ભલે તે સંસારનો માર્ગ હોય તો પણ તેના વચનમાં કે મરજીમાં માણસ ટુકટુક થઈ જાય છે. આ સંસારમાં પણ એવું દેખાય છે કે જે સ્ત્રી–પુરુષોને ખૂબ ઘાટું હેત થઈ જાય તેની એક બીજા ખાતર મરવાની તૈયારી હોય છે. તો પછી અહીં તો ભગવાનનો માર્ગ છે. માટે સાચી પ્રીતિ કે ભકિતનો એ પરિચય છે. કેવળ માળા ફેરવવી કે બાહ્ય ચિહ્નો ધારણ કરવાં એટલી જ ભકિતની ઓળખાણ પૂરી નથી. આ સાચી ઓળખાણ છે. પછી સંજોગોવશાત્બહાર ન દેખાતી હોય પણ તે તેની મરજી કે વચનમાં ટુકટુક થઈ જવાને તૈયાર હોય છે.
બીજું કે ભગવાનની મૂર્તિ ધારવામાં કાયર ન થાય. ધ્યેયને પામવામાં વિધ્નથી ડરવુ એ સાધકના નિશ્ચયની કચાશ છે; પણ ગમે તેવા વિધ્ન આવે તો પણ સાધ્યનો કેડો ન મૂકવો એ પાકા નિર્ણયની ઓળખાણ છે. અને સાચી ભકિતનો એ પણ એક પ્રભાવ છે કે તે ભગવાનની મૂર્તિની સાચી ઓળખાણ કરાવે છે, તેના સ્વાદની ઝાંખી કરાવે છે. જો ભગવાનની મૂર્તિની ઓળખાણ કે મહિમા ન હોય તો કાયરતા આવી જવા સંભવ છે. જેના હૃદયમાં સાચી ભકિત છે તે ભકિત જ ભગવાનની મૂર્તિમાંથી ભકતને પાછો હટવા દેતી નથી. પછી મહારાજ કહે કે મૂર્તિ ધારતાં ધારતાં પાંચ વર્ષ, દસ વર્ષ, વીસ વર્ષ, પચીસ વર્ષ કે સો વર્ષ કે અનેક જન્મ થાય તો પણ પાછો ન પડે એવી દૃઢતા કે લગની એ ભકિતનો પ્રભાવ છે. ભકિતમાં કોમળતા છે તેટલી જ ઓળખાણ અને દૃઢતાની આંટી પણ હોય છે ને હોવી જોઈએ.
આ વચનામૃતમાં બીજો મુદ્દો જોઈએ તો એ છે કે એકાંતિકપણું શું છે ? વાત તો એક જ છે. તેને બીજી દૃષ્ટિએ જોવાની છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે કે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે. એકાંતિકના મુખ્ય અંગ છે. વચનામૃતમાં અનેક પાસાંઓ દ્વારા એકાંતિકપણું નિરૂપાયું છે. તેમા આ પણ એક એકાંતિકપણાનો ભાગ છે. એટલું જ નહીં પણ મુખ્ય બીજના રૂપમાં છે. મહારાજની આજ્ઞા અને મહારાજની મૂર્તિની ઉપાસના એ એકાંતિકની બે પાંખો છે. જેમ પક્ષીની બે પાંખો હોય છે. તે વિના આકાશમાં ગતિ ન થઈ શકે. તેમ આ બે વસ્તુ વિના એકાંતિકપણું આગળ ન વધી શકે અને ટકી પણ ન શકે. માટે અહીં પણ એ જ કહ્યુ કે જેને ભગવાન અને સંતના વચનમાં અચળ વિશ્વાસ હોય અને મહારાજની મૂર્તિ ધારવામાં કદી પણ કયારેય પાછો ન પડે તેને એકાંતિક ભકત કહેવાય છે.