ગપ્ર–૧૩ : વડપીપળની ડાળી બીજે રોપ્યાનું

પ્રતિપાદિત વિષય :

દરેક દેહમાં ભિન્ન ભિન્ન જીવ રહેલો છે.

મુખ્ય મુદ્દો :

સંબંધીઓમાં ૠણાનુબંધ મુખ્ય છે. તેથી વધુ દુઃખિત થઈ ન જવું.

વિવેચન :–

આ વચનામૃતમાં સદ્‌. શ્રી નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે અનેક દેહોમાં એક જ જીવ છે કે જેટલા દેહ છે તેટલા અલગ અલગ જીવ છે ? ત્યારે સંભવિત ઉત્તરફ દરેક શરીર પ્રત્યે ભિન્ન ભિન્ન જીવાત્માઞ્છે એમ માનીને તુરંત બીજો પ્રશ્ન પણ પૂછયો છે કે જીવ કપાય છે ? કે કપાતો નથી ? અને તેનો પણ સંભવિત ઉત્તરફ કપાતો નથી, જીવ અખંડ છે. એમ માનીને ફરી આશંકા કરી કે વડ, પીપરની ડાળીને કાપીને બીજે રોપવામાં આવે છે ત્યારે તેવું ને તેવુ વૃક્ષ થાય છે તેનું કેમ સમજવું ? ત્યાં તો જીવાત્મા કપાયો હોય એવું દેખાય છે અને જો જીવાત્માને અછેદ્ય, અખંડ માનીએ તો બીજા વૃક્ષમાં જીવ કયાંથી આવ્યો? એટલે કે બીજા જીવે કયા માધ્યમથી તેમા પ્રવેશ કર્યો ?

સામાન્ય રીતે જગતમાં પ્રસિદ્ધ પ્રજનન પદ્ધતિઓ જુદી જુદી છે. માણસમાં માણસનું નવું શરીર નિર્માણ થાય ત્યારે માતાના ગર્ભમાં જીવનો પ્રવેશ થાય છે. પક્ષીઓમાં ઇંડામાં પ્રવેશ થાય છે. વનસ્પતિમાં પણ બીજમાં પ્રવેશ થાય છે. પરંતુ વડ,પીપરની ડાળીઓ એક જગ્યાએથી કાપીને બીજી જગ્યાએ રોપવામાં આવે છે ત્યારે તેમા ગર્ભ પ્રવેશ કે અડજ પદ્ધતિ કે બીજ રોપણ પદ્ધતિ જેવી કોઈ પ્રસિદ્ધ પદ્ધતિ જોવામાં આવતી નથી. એ આ પ્રશ્નના ઉદ્‌ભવનું કારણ છે. જો બીજો જીવ પ્રવેશ કરતો હોય તો ગર્ભના માધ્યમથી, ઇંડાના માધ્યમથી, બીજના માધ્યમથી વગેરે પદ્ધતિ હોવી જોઈએ. અહીં એવી કોઈ પદ્ધતિ દેખાતી નથી. તો જીવ પ્રવેશની કઈ પદ્ધતિ છે ? તેવો પ્રશ્નનો આશય છે. ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર પણ ઘણો જ વિસ્તાર કરીને કર્યો છે. વસ્તુતઃ ટૂંકો જવાબ એટલો જ છે કે વડની ડાળીમાં બીજા જીવે પ્રવેશ કર્યો છે. પણ મહારાજે પ્રથમ દૃષ્ટિએ ન સમજાય તેવો લાંબો ઉત્તર કર્યો છે અને તેનું કારણ એવું ભાસે છે કે તેની પૂર્વભૂમિકા સમજાવવા માટે મહારાજે તેવો ઉત્તર કર્યો હોય.

શ્રીજી મહારાજે કહ્યું કે પુરુષ અને પ્રકૃતિ રૂપ ભગવાનની બે શકિતઓ છે. જે જગતની ઉત્પત્તિ કરે છે એટલે કે સર્વ જીવોના દેહને સૃજે છે; પરંતુ તે સ્વતંત્ર રીતે પોતાના મનસ્વીપણે દેહોનું સર્જન કરતા નથી. તે તે જીવના પૂર્વ કર્મને અનુસારે તે દેહોનું સર્જન કરે છે અને એક દેહ થકી બીજો દેહ સર્જાવાની રીત બધી જાતિઓમાં સરખી નથી. માણસમાં એક દેહ થકી બીજો દેહ જુદી રીતે સર્જાય છે. પક્ષીમાં જુદી રીતે. વનસ્પતિમાં જુદી રીતે. તેમા પણ તમામ વનસ્પતિઓની એક રીત નથી. કોઈ બીજથી ઊગે છે, કોઈ થડથી ઊગે છે, કોઈ પાનથી પણ ઊગે છે અને કોઈ એક અથવા એકથી વધારે રીતે નવીન દેહનું સર્જન કરતા હોય છે. એવી જ રીતે જીવજન્તુમાં પણ હોય છે. જેમકે જૂ, માંકડ વગેરે માતા–પિતાથી પણ જન્મે છે અને પરસેવાના કોહવાણથી પણ જન્મે છે. એવી તો અનેક રીતિ છે. માટે અહીં વડ,પીપરની ડાળીના માધ્યમથી તેનો બીજો દેહ સર્જાય તેવી ભગવાને અનાદિની રીત ગોઠવી છે અને કયારે તેમા બીજા જીવનો પ્રવેશ કરાવવો તે પણ પરમાત્માએ સંકેત નિર્માણ કરી રાખ્યો છે. કોઈ પદ્ધતિ પ્રસિદ્ધ હોય અને કોઈ પદ્ધતિ અપ્રસિદ્ધ હોય. તેથી આપણને તેનું આશ્ચર્ય કે સશય થાય છે પણ તેમા સંશય કરવાનું કોઈ કારણ નથી.

તેમા પણ મહારાજે લખ્યું કે એક દેહથી બીજા દેહનું સર્જન થાય છે. તે બન્ને જીવોના પૂર્વ કર્માનુસારે થાય છે ને વિખૂટા પડે છે તે પણ કર્મના અનુસારે વિખૂટા પડે છે. જયારે કર્મના હિસાબો ચૂકતે થઈ જાય ત્યારે બન્ને જીવ જુદા પડે છે. તેથી કવિઓએ કહ્યું છે કે…

શ્રાવણ મહિનાની વાદળીઓ વાયુથી વેરાય રે…

તે રીતે સગા સહોદર થાએ ને વળી જાએ રે…

એક દેહને બીજા દેહ સાથે સંબંધ થાય છે તે ૠણાનુબંધે જ થાય છે. તેમા બીજો કોઈ વિકલ્પ નથી. સંબંધની પદ્ધતિઓ જુદી જુદી છે. આ જ વચનામૃતનો ટૂંકો સાર છે. આ સંસાર છે તે ‘CLEARING HOUSE’ છે. જે CLEARING HOUSE માં એક બીજાને લેણ–દેણની લેવડ દેવડ થઈને ચોખ્ખું થાય છે. તેમ સંસારમાં પણ એવું છે.

શાસ્ત્રમાં સંબંધો પાંચ પ્રકારના બતાવ્યા છે. તેમા પુત્રને ઉદાહરણ તરીકે લઈને અહીં તેને બતાવ્યા છે.

(૧) ન્યાસાનુબંધી : આગલા કોઈ જન્મમાં કોઈની થાપણ આપણે ઓળવી હોય તો નરકાદિક દુઃખને ભોગવીને પછી જેની થાપણ ઓળવી હોય તે આપણે ત્યાં દીકરો થાય ને ખૂબ દુઃખી કરી કરીને વસૂલ કરે, પછી મરી જાય. ‘દુઃખં દત્વા પ્રત્યયાત્યેવં ભૂત્વા ભૂત્વા પુનઃ પુનઃ।’

એવો દીકરો હોય તે ખૂબ સુંદર હોય, બધી રીતે સારો દેખાતો હોય એટલે આસક્તિ થાય. માબાપ તેને પેટે પાટા બાંધીને ઉછેરીને મોટો કરે ને ઉંમરલાયક થતાં મૃત્યુ પામે અથવા અવળો થઈને માબાપને હેરાન કરે. તેને ન્યાસાનુબંધી પુત્ર કહેવાય.

(ર) ૠણાનુંબધી : ૠણ લે પછી સમર્થ હોય છતાં કુટીલ થઈને ન આપે તો બીજે જન્મે પેલો આનો દીકરો થાય.

તે જન્મથી નિષ્ઠુર અને નિર્દયી હોય, ભયંકર વાણી બોલે, માબાપને ખૂબ હેરાન કરે, ચોરી લૂંટફાટ કરે, માબાપને મારે, ખર્ચ બહુ કરે. માબાપ મૃત્યુ પામ્યા પછી પણ શ્રાદ્ધ વગેરે ન કરે. આ રીતે આગલા જન્મનું ૠણ વસૂલ કરે. ‘એવં વિધાશ્ચ વૈ પુત્રાઃ પ્રભવન્તિ મહીતલે ।’

(૩) વૈરાનુબંધી : પૂર્વજન્મમાં વેર ભાવથી કોઈને હેરાન કર્યો હોય ને દુઃખી કર્યો હોય તેનો બદલો લેવા તે દીકરો થઈને આવે.

નાનપણથી જ જાણે માબાપનો વેરી હોય તેવું આચરણ કરે. રમત રમતમાં જ ખૂબ મારે ને દાંત કાઢતો ભાગી જાય. માબાપ ને બળતરા થાય તેવું બોલે, શાંતિ ન લેવા દે. જીવે ત્યાં સુધી વેરીની જેમ માબાપ પ્રત્યે લાગણી રહિત જીવે. છેવટે માતાપિતાને મારીને જતો રહે.

પિતરં મારયિત્વા ચ માતરં ચ તતઃ પુનઃ।

પ્રત્યાત્યેવં સ દુષ્ટાત્મા પૂર્વ વૈરાનુભાવતઃ।।

(૪) ઉપકારાનુબંધી : પૂર્વજન્મમાં કોઈએ સકામભાવથી બીજાના ઉપર ઉપકાર કર્યો હોય ત્યારે ઉપકાર લેનારો તેનો બદલો દેવા પુત્ર રૂપે થાય છે. બધી રીતે માબાપને સુખી કરે છે, માબાપની સેવા કરે છે. પ્રિય કરે, મીઠું બોલે, કામ પણ સંતોષ થાય તેવું કરે. મર્યા પછી પણ શ્રાદ્ધ વગેરે કરે. પિતાની કીર્તિ વધારે. ‘પુત્રો ભૂત્વા મહાપ્રાજ્ઞ અનેન વિધિના કિલ ।’

(પ) ઉદાસીન : કાંઈ લેવા દેવાનું ન હોય. એનું પોતાનું અધૂરુ કામ પૂરું કરવા કોઈક એવા પૂર્વ કર્મ સંબંધે પુત્રરૂપે આવ્યો હોય. એ સુખી પણ ન કરે અને દુઃખી પણ ન કરે. ઉદાસીન ભાવે રહે. ‘ઉદાસીનેન ભાવેન સદૈવ પરિવર્તતે ।’ જે પુત્રો થાય તેમજ બદલો ચુકવવા બીજા સંબંધી પણ થાય.

યથા પુત્રસ્તથા ભાર્યા પિતા માતા ચ બાંધવાઃ ।

ભૃત્યાશ્ચાન્યે સમાખ્યાતાઃ પશવસ્તુરગાસ્તથા ।।

ગજાઃ મહિષ્યો દાસાશ્ચ… ।।

આ પ્રમાણે પુત્ર વગેરેની જેમ પશુઓમાં રહેલા જીવ સાથે પણ લેણદાર દેણદાર સંબંધી ૠણ ગોઠવાયેલા હોય છે. ઘણી વખત ભેંસ ચાર્ય ખાઈ જાય, કપાસિયા, ખાણ ખાઈ જાય તો પણ દૂધ દોહવા ન દે તેવા પશુઓ પણ મળતા હોય છે અને તેથી ઉલ્ટું સૂકું ઘાસ ખાઈને પણ પોતાની શકિત ઉપરાંત દૂધ આપનારાં પશુઓ પણ હોય છે. તેનું કારણ ૠણાનુબંધ છે.

મહારાજે વચનામૃતમાં એ જ વસ્તુ કહી કે એક દેહથી બીજો દેહ સર્જાય છે. તે પણ ૠણાનુબંધને કરીને સર્જાય છે. છતા સર્જન પ્રક્રિયા ભિન્ન ભિન્ન હોય છે. એવો પરમાત્માનો નિયમ છે.