ગી.અ-04, શ્લોક 01 to 18

સગુણ ભગવાનનો પ્રભાવ અને કર્મયોગનો વિષય

શ્રીભગવાન બોલ્યા

इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम्‌।
विवस्वान्‌मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत्‌।।१।।

અર્થઃ આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો.

અહીં इमम्‌योगम्‌ શબ્દથી કર્મયોગ કહ્યો છે. કારણ કે ભગવાને જે પરંપરાનો ઉલ્લેખ-સૂર્ય, મનુ, ઈક્ષ્વાકુ વગેરે રાજવીઓનો કર્યો છે, તે કર્મયોગીઓ હતા. ગૃહસ્થાશ્રમી પણ હતા. તેથી યોગને અહીં કર્મયોગ માનવાનો છે. ભગવાન નિત્ય છે અને જીવ પણ નિત્ય છે. તેઓ બન્ને વચ્ચેનો સંબંધ પણ નિત્ય જ છે. તેથી જ ભગવાનને પામવાના માર્ગો પણ નિત્ય છે. મુમુક્ષુને પોતાની અને પરમાત્માની વચ્ચે કયો (વ્યક્તિગત) સંબંધ છે એનું ભાન થવું એ જ કલ્યાણના માર્ગની ચાવી છે. એટલા માટે ગીતાના પ્રતિપાદિત વિષયમાં કર્મયોગ એ ભગવાનને મતે ભગવાનને પામવાનો સૌથી સહેલો અને સર્વથી સબળ ઉપાય છે. જેમ શ્રીજી મહારાજની દૃષ્ટિએ વચનામૃતને આધારે મહારાજને પામવાનો સૌથી સહેલો સુગમ અને સબળ માર્ગ મહારાજ અને તેના સાચા ભક્તોની સેવા કરવી અર્થાત્નિષ્કામ સેવાયોગ છે. આ ઉપાય અનાદિ છે. કારણ કે ભગવાન અને જીવ તથા તે બે વચ્ચેનો સંબંધ નિત્ય છે. તેથી તેનો ઉપાય પણ નિત્ય જ છે. તેથી ભગવાન કર્મયોગને અહીં अव्ययम्‌ કહે છે.

જીવ અને પરમાત્માનો સંબંધ નિત્ય છે. તેનો સંબંધ જોડવાની જરૂર નથી; પરંતુ જ્યારે જીવ ભગવાનથી વિમુખ થઈને અનિત્ય પદાર્થો-માયિક પદાર્થો સાથે પોતાનો સંબંધ નિત્ય માની લે છે ત્યારે પરમાત્માની સાથેનો પોતાનો નિત્ય સંબંધ અનુભૂતિનો વિષય રહેતો નથી અને લુપ્તપ્રાય થઈ જાય છે. આથી સંસારમાં ફસાયેલા જીવને અનિત્ય સંબંધથી છોડાવવા માટે કર્મયોગની કે નિષ્કામ સેવાયોગની જરૂર પડે છે. ભગવાનનો ભક્ત છે તે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, આવડત, અનુકૂળતા વગેરે મળેલી સમસ્ત વસ્તુઓ પરમાત્માની માને છે-પરમાત્માએ આપેલી છે એમ માને છે. તેને પરમાત્માની સેવામાં અથવા પરમાત્માના સાચા અનન્ય ભક્તોની સેવામાં જોડી દે છે. જેથી સામગ્રી અંગેનો ગાઢ મોહ છે તે નિવૃત્ત થાય છે. અનિત્યનો સંબંધ દૂર થાય છે અને તેની સાથે જ પરમાત્મા સાથેના નિત્યસંબંધની તેને અનુભૂતિ થાય છે. તેથી નિષ્કામ કર્મયોગમાં કર્મ સંસારમાં રહી જાય છે અને યોગ પરમાત્મામાં જોડે છે. નિષ્કામ સેવાયોગમાં ભક્તોમાં વિનિયોગ થાય છે અને યોગ શ્રીજી મહારાજમાં જોડે છે. તેથી જે શ્રીજીમહારાજનો નિત્યયોગ હોવા છતાં અનુભૂતિનો વિષય થતો ન હતો તે તેના અનુભવનો વિષય બનીને ભગવાનને પમાડવાનું સાધન બની જાય છે.

विवस्वते प्रोक्तवान्‌ શબ્દો વડે ભગવાન સાધકોનું એ ધ્યાન દોરવા માગે છે કે સૂર્ય ભગવાન કર્મયોગનું ઉત્તમ ઉદાહરણ છે. સૂર્ય વિષે એક સુંદર શ્લોક કહ્યો છે.

रथस्येकं चक्रं भुजगयमिता सप्त तुरगा:
निरालम्बोमार्गश्चरणरहित सारथीरपि:।
रवि गच्छत्यन्तं प्रतिदिनमपार नभस:
क्रियासिद्धि: सत्त्वे वसति महतां नोपकरणे।।

સૂર્યના રથને એક જ ચક્ર-પૈડું છે. તેને સાત અશ્વો છે પણ અશ્વોની લગામ સર્પોની છે. જે જરા પણ યોગ્ય નથી. વળી આધાર વિનાનો રસ્તો છે. તેમનો સારથિ જે અરુણ તેને ચરણ નથી; છતાં પણ સૂર્ય નિત્યે અપાર આકાશના અંતને લઈ લે છે. મહાપુરુષોના પુરુષાર્થમાં ઉપકરણોની ગણતરી નથી. તેમની પ્રચંડ પ્રતિભા જ કાર્યો સિદ્ધ કરે છે.

સૂર્યનો જે પરિસ્થિતિ અને ઉપકરણોની હાજરીમાં પ્રચંડ પુરુષાર્થ છે, તેવા પુરુષાર્થી પુરુષો જ કર્મયોગ કરી શકે છે. કર્મયોગને યોગ્ય બને છે. સૂર્ય તેનું એક માત્ર સર્વાંગ પૂર્ણ દૃષ્ટાંત છે. તેથી ભગવાને કર્મયોગના પ્રથમ અધિકારી જાણીને સૃષ્ટિના આદિમાં તેને ઉપદેશ આપ્યો છે. સૂર્ય સદા ચાલતા જ રહે છે. તેનો ફાયદો લેનારાને રાત્રીની વિશ્રાંતિ હોય છે, સૂર્યને નહિ. સર્વને પ્રકાશ આપતા જ રહે છે. સદા કર્મ કરતા જ રહે છે. વળી તે કર્મ કરવા બદલે કોઈ અપેક્ષા રાખતા નથી. ઊલટું જો લે છે, તો તેના કરતાં અનેકગણું આપે છે. अनेकगुणमुत्सृष्टुं आदत्ते हि रसं रवि:।। (रघुवंश) વળી ફળ માટે પોતે અતિશય નિસ્પૃહ રહે છે. તેવી જ રીતે સાધકોએ પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર પોતાનાં કર્તવ્યકર્મોનું પાલન પોતે કરતા રહેવું જોઈએ. (૩/૧૯) અથવા વચનામૃત પ્રમાણે ભગવાન અને તેના સાચા-અનન્ય ભક્તોની સેવા કરતાં કયારેય થાકવું કે વિશ્રાંતિ પામવું ન જોઈએ. જો તેને પરમાત્માને પામવું હોય તો બીજાઓને પણ કર્મયોગની અથવા સેવયોગની શિક્ષા દઈને લોકસંગ્રહ કરતા રહેવું જોઈએ અને એમ કરીને પણ પોતે તેનાથી નિર્લિપ્ત રહેવું જોઈએ. નિષ્કામ, મમતારહિત અને અનાસક્ત રહેવું જોઈએ. એ નિષ્કામ કર્મયોગીની સાચી રીતિ છે.

સૃષ્ટિમાં સૂર્ય સહુના આદિ છે. આ સૃષ્ટિની રચના સમયે પણ સૂર્ય જેવા પૂર્વકલ્પમાં હતા તેવા જ પ્રગટ થયા છે.सूर्या चन्द्रमसौ धाता यथापूर्वमकल्पयत्‌। તે સૂર્યને ભગવાને અવિનાશી કર્મયોગનો ઉપદેશ દીધો. આથી સિદ્ધ થયું કે કર્મયોગ અનાદિ મોક્ષનું સાધન છે. કોઈ કલ્પિત કે કોઈની બુદ્ધિની ઊપજ નથી. ભગવાન અર્જુનને એમ કહેવા માગે છે કે, હું તને કર્મયોગની વાત બતાવી રહ્યો છું, તે કોઈ આજકાલની નવી ઉપજાવી કાઢેલી વાત નથી બતાવતો. તે સૃષ્ટિના આદિકાળથી ચાલી આવતી અનાદિની વાત બતાવી રહ્યો છું.

અહીં એક શંકા એવી પણ ઊઠે કે ભગવાને સૃષ્ટિના આદિમાં સૂર્યને જ કર્મયોગનો ઉપદેશ કેમ દીધો? તો તેનું સમાધાન એ છે કે સૃષ્ટિના આદિમાં સૂર્ય જ કર્મયોગ માટે સૌથી વાસ્તવિક અધિકારી છે. જે આપણે આગળના (रथस्येकं…) શ્લોકમાં જોયું. બીજું સૃષ્ટિમાં સર્વ પ્રથમ સૂર્ય ઉત્પન્ન થયા પછી પ્રજા માટે પ્રજામાં કર્મયોગના ફેલાવા માટે સૂર્યને-કેન્દ્રને-પ્રથમ જ્ઞાન દેવું જરૂરી છે, માટે સૂર્યને પ્રથમ જ્ઞાન આપ્યું વળી સૂર્યને જોઈને કે સૂર્યને આધારે જગતમાત્ર કર્તવ્યમાં જોડાય છે. માટે સૂર્ય કર્તવ્યકર્મોના પ્રેરક છે. તેને જ કર્મયોગનું જ્ઞાન દેવાથી પ્રાણીઓમાં તે જલ્દી ફેલાય છે.

विवस्वान्‌मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत्‌।

कर्मयोग-પ્રવૃત્તિપરાયણ વિભૂતિઓની અને મહાપુરુષોની ખાસ વિદ્યા છે. મનુ, ઈક્ષ્વાકુ વગેરે ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં નિર્લેપ વિભૂતિઓ છે. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં-નિત્ય કર્મપરાયણ રહ્યા છતાં-નિત્ય યોગી છે અને તેથી ભગવાન અર્જુનને આ સંસારમાંથી નિર્લેપ થવા માટે પોતાનો સિદ્ધાંત કહેવડાવીને કર્મયોગનો ઉપદેશ આપે છે. જો કે કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કોઈ વ્યક્તિગત સિદ્ધાંત નથી. એ તો શાસ્ત્રો-ઉપનિષદનો અનાદિ સિદ્ધાંત છે તો પણ અર્જુનને શ્રીકૃષ્ણ પ્રત્યેની અપાર શ્રદ્ધા, આસ્થા ને નિષ્ઠા હોવાથી ભગવાન અર્જુનને ગળે ઉતારવા માટે પોતાને માથે લઈને અર્જુનને આપે છે. શ્રીજી મહારાજ આપણને ગળે ઉતારવા ‘અમારો અભિપ્રાય, મત કે સ્વભાવ આવો છે’ એમ કહે છે પણ વાસ્તવમાં તો તે શાસ્ત્રોનો અનાદિ સિદ્ધાંત છે.

જ્યારે અર્જુન યુદ્ધ પ્રાપ્ત કર્તવ્ય હોવા છતાં તેને છોડીને ભિક્ષાના અન્નથી આજીવિકા ચલાવવાનું શ્રેષ્ઠ માને છે. (૨/૫) અર્થાત્પોતાના કલ્યાણને માટે પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ (કેવળ દૈહિક)ને શ્રેષ્ઠ સમજે છે. ત્યારે ઉપરના શબ્દો વડે ભગવાન એમ બતાવે છે કે, તમારા શ્રેષ્ઠ પૂર્વજો કર્મયોગે કરીને પરમ શ્રેયને પામી ગયા છે માટે આ તો તમારા કુળ પરંપરાની વિદ્યા છે, માટે તેનું તમે પાલન કરો. ખરેખર તો કોઈપણ આશ્રમ નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગથી પરમ શ્રેયને પામી શકે છે. જરૂર માત્ર એટલી જ છે કે પ્રાપ્ત પરિસ્થિતિ કે સામગ્રીનો સદુપયોગ કરવો. તે જ કર્મયોગ છે અને તેનો ઉપયોગ ભગવાન કે તેના અનન્ય ભક્તને માટે કરવો તે નિષ્કામ સેવાયોગ છે. આથી કોઈપણ વર્ણ કે આશ્રમી આમ કરીને કલ્યાણને પામી શકે છે.

કોઈ વિદ્યામાં શ્રેષ્ઠ પુરુષોનું નામ જોડવાથી તે વિદ્યાનું મહત્ત્વ માણસોનાં હૃદયમાં વધી જાય છે. તેથી તેઓ એવું કરવા ઉત્સાહિત થઈ જાય છે. તેમાં પણ શ્રેષ્ઠ સત્તાધારીઓનું સંસારીઓનાં હૃદયમાં બહુ મહત્ત્વ હોય છે માટે તેમનું નામ લઈને ભગવાન અર્જુનને પ્રેરણા કરે છે. બાકી તો ભગવાન સ્વમુખે બતાવે એટલું જ મહિમા માટે તો પૂરતું ગણાય.

વિશેષ વાત એ છે કે ક્રિયાઓનો અહં અને રાગ તથા પદાર્થોનો મોહ અને તેમાં મહત્ત્વબુદ્ધિ હોવાથી કર્મયોગ કે સેવાયોગ થઈ શકતો નથી. એવા માણસો કદાપિ કર્મયોગ કે નિષ્કામ સેવા કરી શકતા નથી. જેની સેવા કરવી છે તે સેવાના આલંબન એવા ભગવાન કે તેમના સાચા અનન્ય ભક્તમાં મમત્ત્વ બુદ્ધિ થાય ત્યારે જ એ વસ્તુ શક્ય બને છે. ખરેખર તો ગૃહસ્થાશ્રમ પણ સંસારની અરુચિ કરવા માટે છે, વાસના વધારવા માટે નથી. કર્મયોગ કરતાં કરતાં તેવી સ્થિતિ શક્ય બને છે. કોઈપણ ભોગને ભોગવતાં ભોગવતાં તેની અરુચિ ઉત્પન્ન થાય છે, એવો નિયમ છે. આરંભમાં ભોગની રુચિ રહે છે પણ ભોગ ભોગવતા તેટલી રહેતી નથી. ક્રમશઃ ઘટતી જાય છે. છેવટે સમાપ્ત થઈ જાય છે. મીઠાઈ ખાવાના આરંભમાં જે રુચિ હોય છે તે તેને ખાવાની સાથે સાથે ઘટતી જાય છે અને અંતે અરુચિ થઈ જાય છે. હવે મનુષ્ય ત્યાં ભૂલ એ કરે છે કે એ અરુચિને મહત્ત્વ દઈને સ્થાયી બનાવતો નથી. તેથી તે અરુચિ ક્ષણિક બની રહે છે. મનુષ્ય તે ક્ષણિક અરુચિને તૃપ્તિ માની લે છે. પૂર્ણતાની અનુભૂતિ કરે છે. તેથી ભોગ પ્રત્યે તેની દૃષ્ટિ જ બદલી જાય છે ને ઊલટી ભૂખ વધે છે. ખરેખર તે ક્ષણિક સ્થિતિ વધારે ભોગ ભોગવવાની આસક્તિ છે. પૂર્ણતાની અનુભૂતિ કે તૃપ્તિ નથી યા તો ભોગ ભોગવવાનો થાક છે. જેમ કે ત્રણ કલાક ફિલ્મ જોઈ તો પછી આંખ, મન, મગજ વગેરે થાકી જાય. જેથી માણસ બંધ કરે છે પણ તૃપ્તિ થઈ નથી. જે રુચિ કે કામનાનો કોઈપણ સમયે અભાવ થાય તો તે રુચિ કે કામના પોતાની નથી હોતી. જેનાથી કયારેય પણ અરુચિ થાય છે. તેની સાથે આપણો વાસ્તવિક સંબંધ નથી હોતો. જેની સાથે આપણો વાસ્તવિક સંબંધ છે, એવા પરમાત્મા તરફ ચાલવામાં કદાપિ અરુચિ થતી નથી. ઊલટાની રુચિ વધતી જ જાય છે. જેમ કે મીરા, નરસિંહ કે આપણા નંદ સંતો. તેનાથી ઊલટું કુટુંબમાં બને છે. પરમાત્માની પ્રાપ્તિ થઈ ગયા પછી પણ તેમાં પ્રેમ વધતો જ રહે છે. ગોપીઓનો પ્રેમ રુચિ રૂપે બની ગયો છે. તેમાં તર્કને સ્થાન હોતું જ નથી. રુચિ એ પ્રેમાનુભૂતિમાં સ્થાયી ભાવ છે.

કર્મ, કરણ (શરીર, ઈન્દ્રિયો, મન વગેરે) તથા ઉપકરણ (પદાર્થ વગેરે કર્મની સામગ્રી) એ ત્રણેયથી સાધકે સંબંધ વિચ્છેદ કરવાનો છે અને તેમાંથી મોહને દૂર કરવાનો છે. તે ત્યારે જ શક્ય બને છે, જ્યારે એ બધાને ભગવાનની અને તેના સાચા ભક્તની સેવામાં લગાડી દેવામાં આવે. ભગવાનના ભજનમાં લગાડવામાં આવે ત્યારે જ તેનાથી સંબંધવિચ્છેદ થાય છે ને તેનો મોહ દૂર થઈ શકે છે.

કર્મો અદલ કરવા છતાં કર્મયોગીની કર્મોમાં કામના, મમતા અને આસક્તિ હોતી નથી. નિષ્કામ કર્મયોગી બનવા માટે કર્મ કરીને એની આસપાસ છોડવાની છે. ત્યારે જ નિષ્કામ કર્મયોગી કે ભગવાનનો સાચો સેવક બની શકાય છે. તેમનામાં ભગવાનમાં પ્રીતિ અને તત્પરતા જરૂર હોય છે. તેથી જ ભગવાનને માટે થતાં કર્મોમાં પણ પ્રીતિ, તત્પરતા અને આદર જરૂર હોય છે. કામના, મમતા અને આસક્તિ નહિ. કામના, મમતા અને આસક્તિ એ તો સંસારનો કીચડ છે. તે ભક્તના અંતઃકરણને પણ અપવિત્ર કરવાવાળો છે. જ્યારે ભગવાન પ્રત્યે અથવા તેમના માટે થતાં કર્મો માટે પ્રીતિ, આદર અને તત્પરતા પવિત્રતા કરવાવાળાં છે. કામના વગેરે રાખીને કોઈપણ કર્મ કરવાથી સાધકનું પતન જ થાય છે. પછી ભલે તે ભક્ત હોય. કારણ કે તેમ કરવાથી તેને કર્મની વારંવાર યાદ આવે છે ને કર્મના ફળમાં રહેલી આસક્તિ-રાગ-ઉશ્કેરાય છે. તેથી માયિક પદાર્થો, વ્યક્તિઓ કે કર્મો સાથે તેનો સંબંધ ઘાટો-દૃઢ બનતો જાય છે. જ્યારે પ્રીતિ, આદર અને તત્પરતાપૂર્વક કોઈપણ સત્કર્મ કરવાથી તેની ઉન્નતિ અને પદાર્થનો સદુપયોગ થાય છે પણ નાશ નહિ. વળી તે કર્મ કે કર્મના ફળની યાદી આવતી નથી પણ જે ઉદ્દેશ્ય ને માટે કર્મ કરવામાં આવ્યું છે અથવા જેને લક્ષમાં રાખીને કરવામાં આવ્યું છે તેમાં ભગવાનની યાદી આવે છે. માટે કર્મની સાથે સંબંધ વિચ્છેદ કરાવનારું થાય છે અને તેથી હૃદયમાં ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનારું થાય છે.

કોઈપણ મનુષ્ય તે સુગમતાપૂર્વક સમજી શકે તેમ છે કે આ લોકનું જે કોઈ છે, તે મારું નથી; પરંતુ કોઈ બીજા પાસેથી પ્રાપ્ત થયું છે, શરીર મા-બાપ પાસેથી, વિદ્યા-યોગ્યતા ગુરુજનો પાસેથી વગેરે. છેવટે આ બધી વસ્તુનો સુયોગ કરી દેનાર પરમાત્મા તો છે જ. માટે જેણે આપ્યું છે તેને અર્થે પ્રામાણિકતાથી વાપરવું તે જ સાચો કર્મયોગ છે. તે હરકોઈ મનુષ્ય કરી શકે છે. કર્તવ્ય તેને કહેવાય જે હરકોઈ મનુષ્ય કરી શકે. તેને અવશ્ય કરવું જોઈએ અને તે કરવા જેવું હોય છે. જેને કરવાથી પોતાના ઉદ્દેશ્યની સિદ્ધિ થવી જોઈએ. જે નથી કરી શકાતું તે વસ્તુ કરવાની પ્રેરણા શાસ્ત્ર કે ભગવાન કરતા નથી.

કર્તવ્ય સદાને માટે નિષ્કામ ભાવથી અને બીજાની સેવાની દૃષ્ટિએ કરવામાં આવે છે. જ્યારે કામના પ્રેરિત ચેષ્ટાઓ હક અને અધિકાર માટે કરવામાં આવતી હોય છે. તેથી જ તે બંધન અને મમત્વ ઊભું કરનારી થાય છે. જ્યારે નિષ્કામભાવથી કરાયેલ કર્મ, ફળની કામનાથી રહિત હોય છે પણ ઉદ્દેશ્યથી રહિત કે ધ્યેયશૂન્ય હોતું નથી. કામના-ફળ અને ઉદ્દેશ્ય-ધ્યેય બન્ને સમાન દેખાતા હોવા છતાં બન્નેમાં અંતર હોય છે. ફળ નાશવાન હોય છે; ઉદ્દેશ્ય નિત્ય હોય છે. ઉદ્દેશ્ય પરમાત્માને પ્રાપ્ત કરવાનો અથવા પ્રસન્ન કરવાનો હોય છે. જેના માટે મનુષ્ય જન્મ મળ્યો છે. કામના પાછળનો પુરુષાર્થ થાક, શોક અને પસ્તાવો અનુભવ કરાવનાર બને છે. કર્તવ્યપાલન ન કરવાથી પરમાત્માનો અનુભવ થતો નથી. શ્રીજી મહારાજ કહે છે કે જો મનુષ્યો પરમાત્માની આજ્ઞામાં રહે તો જેવો પરમાત્માનો આનંદ છે તે તેને પ્રાપ્ત થાય છે. જે કોઈ વિક્ષેપ છે તે જાણ્યે અજાણ્યે આજ્ઞા લોપવાથી થાય છે. વાસ્તવમાં થાક ત્યારે લાગે છે જ્યારે અહંકાર, આસક્તિ, મમતા અને કામનાથી યુક્ત થઈને અર્થાત્પોતાના સ્વાર્થ માટે કર્મ કરવામાં આવે છે ત્યારે થાક લાગે છે. માટે જ ભગવાને રાજસ કર્મને પરિશ્રમયુક્ત કહ્યું છે. (૧૮/૨૪)

ભગવાન કલ્યાણૈકતાન છે. તેવી જ રીતે ભગવાનની શક્તિ પણ સદા પ્રાણીમાત્રના હિતમાં જ નિરંતર લાગેલી રહે છે. સાધક જ્યારે કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગને અંતરની પ્રામાણિકતાથી કરવા તૈયાર થાય છે ત્યારે ભગવાનની પરહિતકારી શક્તિને સજાતીય બને છે. તેથી તે પરમાત્માની શક્તિનું સાધકને પ્રબળ પીઠબળ મળે છે. તેથી કોઈ વિઘ્ન પણ આવતું નથી અને પરિશ્રમ પણ અનુભવાતો નથી. ભગવાનની શક્તિ દ્વારા જ અનેકનું હિત થાય છે.

કર્મયોગમાં પ્રાપ્ત પરિસ્થિતિનો જ સદુપયોગ કરવાનો છે. જે સહજપણે બીજાને પણ તેની જરૂર હોય છે. તેમાં પણ જાણીબૂઝીને, પોતાને મનમેળે નિમિત્ત ઊભું કરીને, ‘સેવા’ને બહાને ગોઠવાઈ જાય તો તે કર્મયોગ બની જતો નથી. તે કેવળ કર્મ જ રહે છે. કારણ તેનો ઉદ્દેશ્ય પારલૌકિક ન રહેતાં લૌકિક બની જાય છે. સેવા ત્યારે બને છે જ્યારે સામાને તેની સ્વાભાવિક જરૂરિયાત હોય. આપણને જરૂરત પ્રમાણે સામાને પૂતળા તરીકે ગોઠવી દઈએ તો તે સેવાયોગ નહિ બની શકે. તેથી ઉદ્દેશ્યની સિદ્ધિ થશે નહિ. અંદર પડેલા કોઈક લૌકિક ઈરાદાની જરૂર સિદ્ધિ થઈ શકશે.

एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदु:।
स कालेनेह महता योगो नष्ट: परंतप ।।२।।

અર્થઃ હે પરંતપ ! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો; પણ ત્યાર બાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં નષ્ટ થઈ ગયો.

સૂર્ય, મનુ, ઈક્ષ્વાકુ વગેરે રાજવીઓએ કર્મયોગને સારી રીતે જાણીને તેનું પોતે પણ આચરણ કર્યું. પ્રજામાં પ્રર્વતાવ્યું. એવી રીતે એ રાજર્ષિઓમાં આ કર્મયોગની પરંપરા ચાલી. એવી જ રીતે દરેક પરિવાર, સમાજ, ગામ, કોઈ યુનિટની મુખ્ય વ્યક્તિએ આ વિદ્યા અવશ્ય જાણવી જોઈએ. જેથી અનુસરના વ્યક્તિઓમાં આ કલ્યાણકારી માર્ગનું પ્રવર્તન થાય.

પ્રાચીન કાળમાં કર્મયોગને જાણવાવાળા રાજાઓ રાજ્યના ભોગોમાં આસક્ત થયા વિના રાજ્યનું સુચારુરૂપથી સંચાલન કરતા હતા. પ્રજાના હિતમાં તેમની સ્વાભાવિક પ્રવૃત્તિ રહેતી હતી.

प्रजानामेव भृत्यर्थं स ताभ्यो बलिमग्रहीत्‌।
सहस्रगुणमुत्सृष्टुम्‌ (રઘુ. ૧/૧૮)

તે રાજાઓ પ્રજા પાસેથી કર લઈને અનેકગણું આપતા હતા. તાત્પર્ય એ છે કે તેઓ સર્વ પ્રકારે પ્રજાના-બીજાના-હિતમાં પ્રર્વતેલા હતા. પોતાના સ્વાર્થ માટે થોડો પણ ખર્ચ કરતા ન હતા. પોતાના જીવનનિર્વાહ માટે અલગ વ્યવસ્થા કરી લેતા હતા. એવી રીતે નિષ્કામ કર્મયોગનું પાલન કરવાથી તે રાજાઓને પણ વિલક્ષણ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપમેળે પ્રાપ્ત થતાં હતાં અને તેમાં અંબરીષ અને જનક જેવા થતા હતા. તેથી મોટા મોટા ઋષિઓ પણ તેમની પાસે જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે જતા હતા. શુકદેવજી, નવ યોગેશ્વરો જેવા શ્રેષ્ઠ મહાત્માઓ જનક પાસે જતા હતા. ઉપનિષદ (છાં.ઉ.અ./૫)માં પણ આવે છે કે મહારાજા અશ્વપતિ પાસે છ ઋષિઓ સાથે મળીને બ્રહ્મવિદ્યા શીખવા ગયા હતા. માટે ભગવાન અર્જુનનું પણ એ તરફ ધ્યાન દોરે છે કે તું પણ મહા પરાક્રમી-શત્રુને ભય ઉપજાવનાર છો અને કર્મયોગનો ઉત્તમ અધિકારી છો. તારે તારા કર્તવ્યમાંથી અને કર્મયોગમાંથી પાછું પડવાની જરૂર નથી.

स कालेनेह महता योगो नष्ट: પરમાત્મા નિત્ય છે અને તેમની પ્રાપ્તિનાં સાધનો-કર્મયોગ, ભક્તિયોગ વગેરે સાધનો પણ પરમાત્મા દ્વારા નિશ્ચિત થયા છે, માટે નિત્ય છે. માટે અહીં नष्ट: શબ્દનો અર્થ લુપ્ત પ્રાય થઈ ગયો છે એમ જાણવું.अव्ययम्‌ કહ્યો છે તો પછી नष्ट: કેમ થાય. વળી ત્રીજા શ્લોકમાં ભગવાન તેને પ્રગટ કરવાની વાત કરે છે. માટે નષ્ટ થઈ ગયો હોય તો ફરી પ્રગટ થવાપણું રહે જ નહિ. માટે નષ્ટપ્રાય થઈ ગયો છે એવો અર્થ લેવાનો છે; નહિ તો ભગવાનનાં વચનમાં જ વિરોધ આવશે. છતાં તાત્પર્ય એ છે કે આ અવિનાશી કર્મયોગનું વર્ણન કરવાવાળા ગ્રંથોના પ્રવર્તનનો અભાવ તથા તેનાં તત્ત્વોને જાણવાવાળા અને તેને આચરણમાં મૂકવાવાળા શ્રેષ્ઠ પુરુષોનો આ લોકમાં અભાવ થઈ ગયો છે.

મૂળ કેન્દ્રથી જે વાત કહેવાણી હોય; પછી પરંપરા દૂર ચાલે તેમ તે વાતનું તત્ત્વ તેમાં ઓછું થતું જાય છે. પરંપરામાં ઘણે દૂર જતાં તો વાતની કવાયત રહે પણ તેમાંનું તત્ત્વ લુપ્ત થઈ ગયું હોય છે. તેવું જ કર્મયોગમાં બન્યું છે. મેં આદિકાળમાં સૂર્યને કર્મયોગ કહ્યો હતો તેને સમય અને પરંપરા ખૂબ લાંબા થઈ જવાથી આજે વર્તમાનમાં નિષ્કામ કર્મયોગની વાત સાંભળવામાં કે દેખવામાં આવતી નથી.

કર્મયોગની વાત લુપ્ત થવા છતાં પણ તેનો સિદ્ધાંતં (પોતાને માટે-પોતાના અંગત સ્વાર્થ માટે કાંઈ ન કરવું) સદૈવ રહે છે. તે કયારેય નાશ નથી પામતો. તેને અપનાવ્યા વિના કોઈપણ યોગ-જ્ઞાનયોગ-ભક્તિયોગ વગેરેનું નિરંતર સાધન નથી થઈ શકતું. વાસ્તવમાં કર્મયોગમાં ‘કર્મ’ લુપ્ત નથી થયાં. તેમાંથી ‘યોગ’ લુપ્ત થઈ ગયો છે. પોતાના સ્વાર્થ માટે કે પોતાનાં મન, ઈન્દ્રિયોને લાડ લડાવવા માટે કર્મ તો ઊલટાં વધ્યાં છે. વાસ્તવમાં લોકહિતાર્થે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી યોગ સિદ્ધ થાય છે અથવા ભગવાન અને તેના સાચા ભક્તને અર્થે કર્મ કરવાથી પણ યોગ સિદ્ધ થાય છે. આથી કર્મયોગમાં અથવા નિષ્કામ સેવાયોગમાં જે કાંઈ ‘કરવું’ છે તે વાસ્તવમાં ન કરવા માટે અર્થાત્‘કરવું’ (કર્મ) સમાપ્ત કરવા માટે છે. આ જીવના હૃદયમાં કર્મનો વેગ ચડી ગયો છે અને સ્વાર્થ કે રાગ તે વેગને ઉશ્કેરનારો છે. જ્યારે ભગવાન કે ભગવાનના ભક્તને માટે અથવા નિષ્કામ કર્મયોગમાં જે ‘કરવાનું’ છે તે જીવના હૃદયમાં કર્મનો વેગ નાશ કરીને ભક્તિનો વેગ વધારનારું બને છે. જેથી તત્કાળ ભગવાનની અનુભૂતિ થાય છે.

મનુષ્ય શરીર ભગવાન તથા તેના સાચા ભક્તની સેવા કરવા માટે અથવા નિષ્કામ કર્મયોગ કરવા માટે ભગવાને આપ્યું છે; પરંતુ આજે મનુષ્યો રાતદિવસ સુખ સુવિધા, સન્માન વગેરેની પ્રાપ્તિમાં જ લાગેલા રહે છે. અધ્યાત્મ માર્ગે ચાલેલા પણ તેમાં ડૂબેલા રહે છે, તો બીજાની વાત શી કહેવી ? સ્વાર્થ-પ્રપંચ વધી જવાને કારણે બીજાઓની સેવા તરફ તેનું ધ્યાન જ જતું નથી. આ રીતે જેને માટે મનુષ્ય શરીર મળ્યું છે, તેને ભૂલી જવું એને જ કર્મયોગનું લુપ્ત થવું અહીં કહ્યું છે. મનુષ્ય બીજાની સેવા દ્વારા પશુથી માંડીને પરમાત્મા સુધી બધાને વશ કરી શકે છે પણ સેવાભાવને ભૂલી જઈને પોતે જ ભોગને વશ થઈ ગયો છે. જેને પરિણામે નરક અને લખચોરાશીમાં જવાનું થાય છે. એ જ કર્મયોગનું અદૃશ્ય થવું ગણાય છે.

स एवायं मया तेऽद्य योग: प्रोक्त: पुरातन:।
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम्‌।।३।।

અર્થઃ તું મારો ભકત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે; કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય છે.

भक्तोऽसि मे सखा चेति અર્જુન ભગવાનને પોતાના પ્રિય સખા પહેલેથી જ માનતા હતા. (सखेति मत्वा… तत्क्षामये… (૧૧-૪૧/૪૨) પરંતુ ભક્ત હમણાં થયા છે. (शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्‌ ૨/૬) અર્થાત્અર્જુન સખાભક્ત તો પુરાણા છે પણ દાસભક્ત નવા છે. આદેશ અથવા ઉપદેશ દાસભક્તને અથવા શિષ્યને જ દેવામાં આવે છે, સખાને નહિ. અર્જુન જ્યારે ભગવાનને શરણે ગયા ત્યારે જ ઉપદેશ શરૂ થયો છે.

જે વાત સખાને નથી કહેવાતી તે વાત પણ શરણાગત શિષ્યને કહેવાઈ જાય છે. અર્જુન જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે, હું આપનો શિષ્ય છું. માટે આપને શરણે થયેલા મને ઉપદેશ આપો. શિક્ષા આપો. તેથી ભગવાન અર્જુન સામે પોતાનું રહસ્ય ખોલી દે છે. અર્જુનને ભગવાન પ્રત્યે ઘણો જ ભાવ હતો, અનન્ય નિષ્ઠા હતી. ત્યારે તો તેમણે વૈભવ અને અસ્ત્રશસ્ત્રોથી સુસજ્જિત નારાયણી સેનાનો ત્યાગ કરીને નિઃશસ્ત્ર ભગવાનનો પોતાના સારથિના રૂપમાં સ્વીકાર કર્યો છે. ‘‘एवमुक्तस्तु कृष्णेन कुंतिपुत्रो धनंजय:। (મહા.ઉદ્યોગ.૭/૨૧) સાધારણ લોકો ભગવાનની આપેલી વસ્તુઓને પોતાની માને છે; (જે ખરેખર પોતાની છે નહિ) પરંતુ ભગવાનને પોતાના નથી માનતા. (જે વાસ્તવમાં પોતાના છે) તે લોકો વૈભવને દેખીને લટ્ટુ થઈ જાય છે અને ભાન ભૂલીને પોતાનું બેલેન્સ ગુમાવી દે છે અને વૈભવને જ સુખ સગવડતા ને જ સાચી માનવાથી બુદ્ધિ એટલી બધી ભ્રષ્ટ થઈ જાય છે કે તે ભગવાનનો અભાવ જ માની બેસે છે અર્થાત્ભગવાન તરફ એની દૃષ્ટિ જ જતી નથી. કેટલાક લોકો વૈભવની પ્રાપ્તિ માટે જ ભગવાનનું ભજન કરે છે. ભગવાનને ચાહવાથી તો વૈભવ પણ પાછળ આવે છે; પરંતુ વૈભવને ચાહવાથી પાછળ પાછળ ભગવાન નથી આવી જતા. સાચા ભક્તો વૈભવને પામવા માટે ભગવાનનું ભજન નથી કરતા. તેઓ વૈભવ નથી ચાહતા પણ ભગવાનને ચાહે છે. વૈભવને ચાહવાવાળા ભક્તો વૈભવના ભક્ત (દાસ) હોય છે (દુર્યોધન અને તેવા) અને ભગવાનને ચાહવાવાળા મનુષ્યો ભગવાનના ભક્ત હોય છે. (અર્જુન અને તેવા) અર્જુને વૈભવ (નારાયણી સેના)નો ત્યાગ કરીને કેવળ ભગવાનને અપનાવ્યા છે. તો યુદ્ધક્ષેત્રમાં ભીષ્મ, દ્રોણ, યુધિષ્ઠિર જેવા મહાપુરુષો-વિભૂતિઓના રહેવા છતાં ગીતાનો દિવ્ય ઉપદેશ કેવળ અર્જુનને પ્રાપ્ત થયો. પાછળથી રાજ્ય પણ તેને મળી ગયું.

स एवायं मया तेऽद्य योग: प्रोक्त: पुरातन: સૃષ્ટિના આદિમાં જે કર્મયોગ મેં સૂર્યને કહ્યો હતો તે જ કર્મયોગ આજે તને કહ્યો છે. આ શબ્દોનું તાત્પર્ય એમ નથી કે મેં તને પૂર્ણ કર્મયોગ કહી દીધો છે પણ એટલું તાત્પર્ય તો જરૂર છે કે જે મેં તને કહ્યું છે તે કર્મયોગને માટે અતિ રહસ્ય છે. તેના અર્થમાં પૂર્ણ મુદ્દાઓ છે. વચ્ચે ભગવાનના જન્મસંબંધી પ્રશ્નનો ઉત્તર દઈને ફરી આગળ ભગવાન કર્મયોગના વર્ણનનો આરંભ કરે છે. ભગવાન કહે છે કે ઘણો સમય વીતી જવાથી તે યોગ અપ્રગટ જેવો થઈ ગયો હતો. હું પણ પૃથ્વી ઉપર અપ્રગટ હતો. હવે હું પણ અવતાર લઈને પ્રગટ થયો છું. યોગને પણ ફરીવાર પ્રગટ કર્યો છે. આથી અનાદિ કાળથી જે કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ મનુષ્યોને કર્મબંધનથી મુક્ત કરતો આવ્યો છે, તે આજે પણ અપનાવનારાને મુક્ત કરી દેશે.

रहस्यं ह्येतदुत्तमम्‌-જેવી રીતે અઢારમા અધ્યાયમાં (૬૪ થી ૬૬) सर्वगुह्यतमं… माशुच:। વાત કરી કે એવી જ રીતે ‘इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम्’ ઉત્તમ રહસ્ય પ્રગટ અહીં કરે છે કે, મેં જ સૃષ્ટિના આદિમાં સૂર્યને કર્મયોગનો ઉપદેશ દીધો હતો તે જ હું આજે તને ઉપદેશ દઈ રહ્યો છું. અત્યારે ગુપ્ત રીતે અવતાર લઈને મનુષ્ય સરખો થઈને રહ્યો છું. છું તો તે જ. આ રહસ્ય હું તારા આગળ ખુલ્લુ કરું છું. બીજા કોઈ જાણતા હોય તો તે અનુમાનથી જાણતા હોય કે, આવા લક્ષણ તો નારાયણનાં છે. માટે કદાચ ‘આ’ ‘તે’ હોઈ શકે. અહીં તો હું પોતે જ તને સ્પષ્ટ કહું છું કે ‘હું તે છું.’ આ રહસ્ય કહેવાનું કારણ એ છે કે તું મારો ભક્ત છો અને પ્રિય મિત્ર છો. સાધારણ મનુષ્યની વાત તો જવા દો પણ સાધકની દૃષ્ટિ પણ વાત (ઉપદેશ) ઉપર વધારે જાય છે કે કેવો સરસ ઉપદેશ આપે છે !!! પણ ઉપદેષ્ટાના વ્યક્તિત્વ સામું તેનું ધ્યાન જતું નથી. જો ઉપદેષ્ટાના વ્યક્તિત્વ સામી દૃષ્ટિ જાય તો તેની વિવેકની દૃષ્ટિ ખુલી જાય છે. પછી તે વ્યક્તિમાં જેટલી ગરિમા હશે તેટલું ઉપદેશમાં કૌવત આવશે અને ઉપદેશ પણ સરસ હશે. જો વ્યક્તિત્વ બેકાર હશે તો પણ એ રહસ્યની જ વાત રહેશે. તેનાથી તે વ્યક્તિ તો પ્રભાવિત નહિ થાય. કારણ કે તે રહસ્યને જાણે છે માટે ઉપદેશ સાથે ઉપદેષ્ટાના વ્યક્તિત્વની ગરિમા ઓળખવી તે રહસ્ય છે. એમ ભગવાન ઈશારો કરે છે.

અહીં ‘યોગવિદ્યા’ પર તો સાધક સમાજની દૃષ્ટિ જરૂર જશે પણ તેના ઉપદેષ્ટા કોણ છે? તે વાત બધાની પકડમાં આવતી નથી. માટે ભગવાન કહે છે કે, रहस्यं ह्येत्तदुतमम्‌ એ વડે પોતાના પરિચયનો ઈશારો કરે છે. તાત્પર્ય એ છે કે સાધકની દૃષ્ટિ સર્વથા ભગવાન તરફ રહેવી જોઈએ. નાટક ભજવતી વખતે મનુષ્ય પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ નથી કરતો પણ જો કોઈ ત્યારે જ અતિ અંગત માણસ આવી જાય તો જરા કોરે ખસીને પોતાના મૂળ સ્વરૂપને અનુસંધાને વાત કરવા લાગી જાય છે. એટલે કે અસલી સ્વરૂપને પ્રગટ કરી દે છે. ભગવાન મનુષ્યનાટક કરતાં કરતાં પણ અર્જુનને પોતાનો ઈશ્વરભાવ કહી દે છે કે ‘હું’ ‘તે’ છું. એ જ ઉત્તમ રહસ્ય છે. વળી કર્મયોગને પણ ઉત્તમ રહસ્ય માની શકાય છે. કારણ કે જે કર્મો વડે જીવ બંધાય છે (कर्मणा बध्यते जन्तु:) તે જ કર્મો વડે મુક્તિ થઈ જાય છે. એ જ ઉત્તમ રહસ્ય છે. સામગ્રી કે ગુણને પોતાના નહિ માનીને ભગવાનને પ્રસન્ન કરવા માટે અને ભગવાનના ભક્તની સેવામાં વાપરતા તેની મુક્તિ થાય છે. સાધક પ્રત્યેક પરિસ્થિતિનો એવો ઉપયોગ કરી શકે છે. કર્મયોગ કે સેવાયોગમાં કર્મ કે સેવા બીજાના લાભ માટે કરવાના હોય છે, ત્યારે જ ‘યોગ’ પોતાને પ્રાપ્ત થાય છે. અર્થાત્ભગવાનની અનુભૂતિ પોતાને થાય છે. જો શરૂઆતથી જ કર્મ કે સેવાના પ્રવાહ ઉપર અધિકાર જમાવવાની ચેષ્ટા કરે તો તેને માટે ‘યોગ’ રહેતો નથી અને ભગવાનની અનુભૂતિ થતી નથી. પછી ભલે તે વિશુદ્ધ ભક્તિની જ ક્રિયા કરી રહ્યો હોય પણ અહંકારથી અટંટ થઈને પોતાના અહંને જ પ્રદક્ષિણા દેતો હોય તો તેના હૃદયમાં ભગવાનનું સુખ કયારેય આવતું નથી. યોગનો અનુભવ ત્યારે જ સાધકને થાય કે જ્યારે કર્મ કે સેવાનો પ્રવાહ પૂરો ને પૂરો ભગવાન તરફ કે તેના સાચા ભક્તો તરફ વહે. તેને માટે આપણી પાસે રહેલાં શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ, ધન, સંપત્તિ વગેરે જે કાંઈ છે તેનો સઘળો પ્રવાહ પરમાત્મા અને તેના સાચા સેવકની સેવામાં જોડવામાં આવશે. ઉપરની સામગ્રી પોતાની અને પોતાને માટે માની લે તો તેનાથી થતાં કર્મો અવશ્ય તેને બંધન કરે છે.

નિયત કર્મનો કોઈપણ અવસ્થામાં ત્યાગ ન કરવો જોઈએ અને નિયત સમયે કરવા તે તત્પર થઈને રહેવું જોઈએ. સૂર્ય પોતાની ફરજ અદલ રીતે નિયત સમય પ્રમાણે તત્પરતાથી કરે છે. તેમ જ કર્મયોગીએ કે નિષ્કામ સેવાયોગીએ સેવા કરવા નિયત સમયે તત્પર રહેવું જોઈએ. તો જ ભગવાનને રાજી કરવાનો તેનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય, નહિ તો પુરુષાર્થ કરવા છતાં જોઈએ તેવું પરિણામ આવતું નથી.

કર્મયોગનું કે સેવાયોગનું બરાબર પાલન કરવામાં આવે તો જો સાધકમાં જ્ઞાનના સંસ્કાર હોય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ભક્તિના સંસ્કાર હોય તો તેને ભક્તિની પ્રાપ્તિ આપમેળે થાય છે. (कालेनात्मनि विन्दति) તેમને જોઈને બીજાને સારી પ્રેરણા મળે તેથી તેની પણ સેવા થઈ જાય છે.

વિશેષ વાત એ છે કે કામનાથી વિવેક ઢંકાઈ જાય છે (धूमेनाव्रियते वह्नि:… ૩/૩૮, ૩૯) સ્વાર્થબુદ્ધિ, ભોગબુદ્ધિ અને સંગ્રહબુદ્ધિ રાખવાથી મનુષ્ય પોતાનાં કર્તવ્યનો બરાબર નિર્ણય નથી કરી શકતો. તેથી વિભ્રાંતિ વધતી જ જાય છે. પછી વર્તમાન પરિસ્થિતિ બદલવાનો ઉદ્યોગ કરે છે પણ પોતાનો નિર્ણય કે વર્તાવમાં બદલાવ લાવતો નથી. પરિસ્થિતિને બદલવી તે પોતાના વશની વાત નથી. તેથી વિભ્રાંતિ વિશેષ વધે છે. વિવેક જાગ્રત થાય તો સ્વાર્થબુદ્ધિ વગેરે દૂર થતાં તેને સ્પષ્ટ કર્તવ્ય દેખાય છે. વિભ્રાંતિનો ઉકેલ થાય છે.

બહારની પરિસ્થિતિનું નિર્માણ કર્મોને અનુસારે થાય છે અર્થાત્તે કર્મોનું ફળ છે તે કોઈનું ફેરવ્યું ફરતું નથી. શ્રીમંતાઈ-ગરીબાઈ, નિંદા-સ્તુતિ, આદર-અનાદર, યશ-અપયશ, લાભ-હાનિ, સ્વસ્થતા-રોગીપણું વગેરે બધી પરિસ્થિતિઓ પૂર્વ કર્મોને આધીન છે. આપણાં જ કર્મે તેનું નિર્માણ થયું છે. શુભ અને અશુભ કર્મોના ફળસ્વરૂપે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવતી રહે છે; પરંતુ એ પરિસ્થિતિ સાથે સંબંધ જોડીને તેને પોતાની માનીને સુખી દુઃખી થવું એ કર્માધીન નથી. એ વિવેકહીનતાને આધીન છે. અર્થાત્મૂર્ખતાનું ફળ છે, મૂર્ખતાને આધીન છે. તાત્પર્ય એ છે કે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિનું આવવું એ તો કર્મનું ફળ છે. જ્યારે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે સુખી દુઃખી થઈ જવું ફરજિયાત નથી. એ કર્મોનું ફળ નથી. એ તો પોતાની અજ્ઞાનતા-મૂર્ખતાનું ફળ છે. કર્મોનું ફળ દૂર કરવાનું આપણા હાથની વાત નથી; પરંતુ મૂર્ખતાને દૂર કરવાનું તો બિલકુલ આપણા હાથની વાત છે. જો સાધક ધારે તો તેને દૂર કરી શકે છે; પરંતુ વિચિત્રતા એ છે કે સાધકો પણ તે મૂર્ખતાને દૂર કરતા નથી અને પરિસ્થિતિ બદલાવવાના ઉદ્યમમાં (મૂર્ખતા વધારવામાં) લાગી જાય છે. આ મોટી ભૂલ થાય છે. તેથી ભગવાને આપેલ વિવેકબુદ્ધિને થોડું મહત્ત્વ આપીને મૂર્ખતાને દૂર કરી દેવી જોઈએ અને અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિનો સદુપયોગ કરીને અર્થાત્ભગવાનના માર્ગમાં સદુપયોગ કરીને બીજાની સેવા કરે છે તો તુરત સુખદુઃખથી પર થઈને મુક્તભાવને પામી જાય છે.

કર્મયોગી કે નિષ્કામ સેવાયોગીમાં વિવેકની પૂર્ણ જાગૃતિ ન હોવા છતાં તેમાં એક નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોય છે કે ‘‘મારી કહેવાતી સામગ્રી મારે ભગવાન અને તેના અનન્ય ભક્તની સેવામાં જોડવી છે.’’ તે નિશ્ચયાત્મિકા બુદ્ધિ વિવેકપૂર્ણ ન હોવા છતાં વિવેકનું કાર્ય કરી દે છે. કારણ કે પૂર્ણ વિવેક જ્ઞાનયોગ (જ્ઞાન) સિદ્ધ થયા પછી થાય છે. કર્મયોગી તો હજુ આરંભનો સાધક છે; છતાં નિશ્ચતબુદ્ધિ તેને કયાંય ભૂલો પડવા દેતી નથી. તેથી સાધકે પ્રાથમિક ભૂમિકામાં ઓછામાં ઓછો એવો નિશ્ચય તો દૃઢ કરી રાખવો જોઈએ કે ‘આ દેહથી પરમાત્મા પાસે પહોંચવું છે’ અત્યારે મળેલ સામગ્રી ભગવાન તથા તેના સાચા ભક્તની સેવામાં જ વાપરવી છે. આવો નિશ્ચય કરવામાં કોઈ કર્મની પરાધીનતા નડતી નથી. આમાં બધા સ્વાધીન છે અને એમાં બીજાની સહાયની પણ જરૂર પડતી નથી.

અર્જુન બોલ્યા

अपरं भवतो जन्म परं जन्म विवस्वत:।
कथमेतद्‌विजानीयां त्वमादौ प्रोक्तवानिति।।४।।

અર્થઃ આપનો જન્મ તો અર્વાચીન-હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો અગાઉ પહેલાંનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે; તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો?

अपरं.. આપનો જન્મ તો અત્યારે કેટલાક વર્ષો પૂર્વે વસુદેવજીને ઘેર થયો છે જે અમને સમકાલીન છે. સૂર્યનો જન્મ તો સૃષ્ટિના આદિમાં થયો હતો. તેથી કેવી રીતે આપે સૂર્યને ઉપદેશ આપ્યો એમ કહી શકાય? કદાચ તમે ભગવાન છો તે અત્યારે પણ સૂર્યને ઉપદેશ આપી શકો પણ એમ તો નથી કર્યું. તેમાં તો સૂર્યવંશની પરંપરા પણ બતાવી છે. માટે કલ્પના આદિમાં તમે સૂર્યને ઉપદેશ આપ્યો છે એમ જણાય છે. અહીં અર્જુનના પ્રશ્નમાં તર્ક કે આક્ષેપ નથી; પરંતુ ભગવાનના જન્મ સંબંધી જિજ્ઞાસા થયેલી છે. શાસ્ત્રથી તો સાંભળ્યું હશે પણ સાક્ષાત્ભગવાનના મુખથી જ તેનું સાચું અને સ્પષ્ટ રહસ્ય ખુલ્લું થાય, એવી જિજ્ઞાસાથી અર્જુનનો પ્રશ્ન છે. અર્જુન શ્રીકૃષ્ણને ભગવાન જાણે છે. પછી તમે કેવી રીતે સૂર્યને યોગ કહ્યો તેવો પ્રશ્ન જ રહેતો નથી, આગળ-દસમા અધ્યાયમાં પણ અર્જુન ભગવાન પ્રત્યે કહે છે કે‘परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान्’ તથા ભીષ્મજી વગેરે પાસેથી સાંભળ્યું પણ છે કે વસુદેવજીના પુત્ર શ્રીકૃષ્ણ સાક્ષાત્પરબ્રહ્મ પરમાત્મા છે. આમ અર્જુન શ્રીકૃષ્ણને સાક્ષાત્પરમાત્મા જાણે છે. જાણવા છતાં અજ્ઞાનીની માફક પૂછવાનો આશય એ છે કે, તે ભગવાનના જન્મ સંબંધી વિશેષ જાણકારી મેળવવા પૂછે છે. શું ભગવાન જન્મ લે છે ત્યારે પરમેશ્વરત્વનો ત્યાગ કરીને જન્મ લે છે કે પારમેશ્વર ભાવ સહિત ? જન્મ ધારણ કરે છે ત્યારે ભગવાનનું શરીર ત્રિગુણાત્મક હોય છે કે અપ્રાકૃત ? શું ભગવાનન પોતાની ઈચ્છા માત્રથી જ અવતાર લે છે કે પોતાની ઈચ્છાથી પુણ્ય પાપ ગ્રહણ કરે છે? વળી તે ભગવાન પોતે ગ્રહણ કરેલ પુણ્ય પાપના વિપાક સમયે શરીર ગ્રહણ કરે છે કે ધર્મની ગ્લાનિ સમયે શરીર ધારે છે? શું ભગવાન સુખદુઃખ ભોગવવા અવતાર ધારે છે કે સાધુ પુરુષોના પરિત્રાણ માટે? આવી અનેક જિજ્ઞાસાઓ અર્જુનના હૃદયમાં પડી છે અથવા કહો કે લોકસંગ્રહ માટે બીજા સાધકો-મુમુક્ષુના જ્ઞાન માટે અર્જુને પ્રશ્ન પૂછયો છે. ત્યારે કોઈને શંકા થાય કે અર્જુનના હૃદયમાં આવા પ્રશ્નો ઊઠ્યા છે તેનો આધાર શો છે? કે તમે તમારી કલ્પનાથી ગોઠવી કાઢ્યા ? તો તેનું સમાધાન એ છે કે ખરેખર અર્જુનના હૃદયમાં આ જિજ્ઞાસાઓ ઊઠેલી છે. નહિ તો ભગવાન-અંતર્યામી છે તેણે પ્રશ્નનો પરિહાર એવી રીતે કર્યો છે તે ન ઘટે. ભગવાન સામાની જિજ્ઞાસા પ્રમાણે જ પરિહાર કરે. જો અર્જુનના હૃદયમાં પ્રશ્ન અલગ ઊઠયા હોય ને ભગવાને કાંઈક બીજા જ જવાબ આપ્યા હોય તો તે જવાબ આપનારાની અજ્ઞાનતા સાબિત થાય પણ તે શક્ય નથી. માટે જવાબ ઉપરથી આ જ પ્રશ્નો તે સાબિત થાય છે.

શ્રીભગવાન બોલ્યા

बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परंतप।।५।।

અર્થઃ હે પરંતપ અર્જુન ! મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂકયા છે; એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું.

અહીં ભગવાન પોતાનું અવતાર રહસ્ય પ્રગટ કરતાં પહેલાં પોતાની સર્વજ્ઞતાનું દિગ્દર્શન કરાવે છે. પરમાત્મા અને સંત મહાત્માઓ મોટે ભાગે પોતાની જાતને છુપાવવાના સ્વભાવવાળા હોય છે. તેથી જ તો આપણા નંદ સંતોનાં જીવનની વિગત ઘણી જ ઓછી જાણીએ છીએ; પરંતુ તેઓને કોઈ સાચો નિખાલસ જિજ્ઞાસુ અથવા શરણાગત મળે તો પોતાની જાતને પ્રગટ કરે છે અથવા સંત પુરુષોનું શરીર છૂટવાનું થાય ત્યારે પણ કયારેક મહાત્મા પુરુષો પોતા સંબંધી રહસ્ય પ્રગટ કરતા હોય છે. તેવી જ રીતે ભગવાન અહીં પોતાના અત્યંત પ્રિય સખા, ભક્ત અને શરણાગત એવા અર્જુન સમક્ષ પોતાની જાતનું પૂર્ણ રહસ્ય પ્રગટ કરે છે.

बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ભગવાન કહે છે કે, મારા અને તારા ઘણા જ જન્મ થઈ ચૂકયા છે; પરંતુ મારો જન્મ જુદા પ્રકારનો છે અને તારો (જીવનો) જન્મ જુદા પ્રકારનો છે. આગળ પણ ભગવાને અર્જુનને કહ્યું હતું કે હું અને તું તથા આ રાજાઓ (જીવો) પહેલાં ન હતા ને પછી નહિ રહે, એમ નથી. તાત્પર્ય એ છે કે ભગવાન અને જીવ અનાદિ છે પણ બન્ને અત્યંત ભિન્ન પ્રકારના છે.

तान्यहं वेद सर्वाणि-ભગવાન કહે છે, તે બધાને હું જાણું છું. કેટલાક સાધકો-યોગીઓ સાધના કરીને પોતાના પૂર્વ ભવનું જ્ઞાન મેળવી શકે છે પણ ભગવાનને તો તે પણ જરૂર નથી. ભગવાન તો નિત્ય યોગી છે અને તેનું જ્ઞાન પણ નિત્ય છે. તેમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન એવું પણ નથી ‘यो वेत्ति युगपत्सर्वं प्रत्यक्षेण सदा स्वत:’ એવું ભગવાનનું જ્ઞાન છે. આ વાક્યથી ભગવાન પોતાની સર્વજ્ઞતાનું રહસ્ય અર્જુનને કહે છે.

न त्वं वेत्थ परंतप–તું (જીવ) તેને જાણતો નથી. પોતાના પણ આગળના જન્મોને ન જાણવામાં મુખ્ય કારણ છે-અંતકરણમાં નાશવંત પદાર્થોનું આકર્ષણ, રાગ અને મહત્ત્વ હોવું. એના કારણે મનુષ્યનું ધર્મભૂત જ્ઞાન વિકસિત થતું નથી. ઊલટું સંકુચિત થતું જાય છે. અર્જુનના હૃદયમાં પણ નાશવંત પદાર્થોનું જ મહત્ત્વ હતું તેથી તો તેઓએ કહ્યું કે જેને માટે અમારે રાજ્ય, ભોગ અને સુખની ઈચ્છા છે તે બધા તો મરવા તૈયાર થયા છે. આથી એમ સ્પષ્ટ થાય છે કે તેના હૃદયમાં આ કામનાઓ પડી છે. તેથી તેઓને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન નથી. પરિગ્રહનો ત્યાગ કરવાથી પૂર્વ જન્મનું જ્ઞાન થાય છે.अपरिग्रह स्थैर्ये जन्मकथन्तासंबोध: (પા.યો. ૨/૩૯) નાશવંત સંસાર (ક્રિયા અને પદાર્થો)માં રાગ-આસક્તિ થવાથી હૃદયમાં કામના ઊભી થાય છે તેને પૂરી કરવા જીવ બેબાકળો બની જાય છે, તો પણ તે તો પૂરી અને સ્થિર થનારી નથી. તેથી વધુ બેબાકળો બનતો જાય છે. તેથી પૂર્વજન્મની તો વાત કયાં ! પણ વર્તમાન પરિસ્થિતિમાં હું શું કરી રહ્યો છું ને મારે શું કરવું જોઈએ તેનું પણ ભાન ભૂલી ગયો છે. તો પૂર્વ જન્મનું ભાન કયાંથી થાય?

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन्‌।
प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया।।६।।

અર્થઃ હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ, તેમજ બધાંય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું.

હવે ભગવાન પોતાના જન્મની (અવતારની) વિલક્ષણતા બતાવે છે.

अजोऽपि सन्नव्ययात्मा-આ પદથી ભગવાન બતાવે છે કે સાધારણ મનુષ્યની જેમ મારો જન્મ પણ નથી અને મારું મૃત્યુ (અંતર્ધાન થવાનું) પણ નથી. મનુષ્યો જન્મ લે છે ને મરણ પામે છે. હું સદા અજન્મા હોવા છતાં જન્મ લઉં છું. અર્થાત્અવતાર ધારણ કરું છું અને અવિનાશી હોવા છતાં અંતર્ધાન થાઉં છું. પ્રગટ થવું ને અંતર્ધાન થવું બન્ને મારી અલૌકિક લીલા છે.

બીજા પ્રાણીઓ જેવી રીતે કર્મોને પરતંત્ર થઈને જન્મ લે છે, ભગવાનનો જન્મ તેવી રીતે નથી થતો. કર્મોની પરતંત્રતાથી જન્મ લેવામાં આ બે વાતનું નિયંત્રણ હોય છે. એક તો આયુષ્ય અને બીજું સુખદુઃખનો ભોગ. ભગવાનને માટે આ બન્ને વાતનું કોઈ નિયંત્રણ હોતું નથી.

બીજા લોકો જન્મે છે ત્યારે શરીર પ્રથમ બાળક થાય છે, પછી મોટું થઈને યુવાન થાય છે. પછી વૃદ્ધ થઈને પછી મરી જાય છે. ભગવાનના અવતારોમાં આવું હોતું નથી. તેઓ અવતાર લઈને બાળલીલા કરે છે અને કિશોર અવસ્થા (૧૫-૧૬ વર્ષની અવસ્થા) સુધી વધવાની લીલા કરે છે. કિશોર અવસ્થા સુધી પહોંચ્યા બાદ પછી તેઓ નિત્ય કિશોર જ રહે છે. તેઓ કયારેય વૃદ્ધ થતા જ નથી. પછી સેંકડો વર્ષો જાય તો પણ ભગવાન સદા કિશોર અવસ્થાવાળા જ રહે છે. એટલા માટે ભગવાનના જેટલા ચિત્રસ્વરૂપ બનાવવામાં આવે છે. તેમાં તેને દાઢી મૂછ નથી હોતી. વળી ધોળા વાળ નથી હોતા. મહાભારતના યુદ્ધ સમયે ભગવાન સો વર્ષ કરતાં વધારે વયના હતા, તો પણ તેમનાં સ્વરૂપો આપણે કિશોર જ જોઈએ છીએ. કાળા વાંકડિયા સુંદર કેશ જોઈએ છીએ, નહિ તો સો વર્ષે તો સફેદ વાળ થઈ જવા જોઈએ ને ? પણ ભગવાનને એવું હોતું નથી. માટે ભગવાનનો જન્મ બીજા જન્મ જેવો નથી. ભગવાનનો દેહ બીજાના દેહ જેવો નથી અને બીજાની જેમ ભગવાનનું મૃત્યુ નથી હોતું એટલો ફેર છે.

भूतानामीश्वरोऽपि सन्‌-ભૂત પ્રાણીમાત્રના એક માત્ર शासक-નિયામક હોતા થકા જ ભગવાન અવતાર સમયે નાનકડા બાળક બને છે. બાળકની લીલાઓ-ચેષ્ટાઓ કરે છે. બાળક બની જવા છતાં તેમનો જે ઈશ્વરભાવ-ભૂતપ્રાણીમાત્રનું જે નિયંત્રણ કરવું, તેમાં જરાય ઊણપ નથી આવતી. જેમ શ્રીકૃષ્ણ ભગવાને છઠ્ઠીને દિવસે જ પૂતના રાક્ષસીને મારી નાખી. પૂતનાનું શરીર મરતી વખતે અઢી યોજનનું ને મહાભયંકર હતું. જો તેમનામાં ઈશ્વરભાવ ન હોત તો છઠ્ઠીને દિવસે પૂતનાને કેમ મારી શકે ? ભગવાને અતિ નાની, બાળવયમાં જ સદા બળવાન એવા શકટાસુર, તૃણાવર્ત, અઘાસુર, બકાસુર વગેરે અસુરોને મારી નાખ્યા. ગોવર્ધન પર્વતને આંગળી ઉપર ઊઠાવ્યો વગેરે ઈશ્વરત્વ વિના શક્ય નથી. શ્રીજી મહારાજે પણ છઠ્ઠીને દિવસે કોટરા વગેરે રાક્ષસીઓનો પરાજય કર્યો. કાલીદત માર્યો. બાળકોને સમાધિઓ કરાવી વગેરે લીલાઓ-ચેષ્ટાઓ ઈશ્વરભાવ વિના કેમ શકય બને ? માટે સઘળાં પ્રાણીઓના ઈશ્વર, નિયંતા હોવા છતાં પણ ભગવાન અવતારને સમયે નાનામાં નાના બની જાય છે. નાનામાં નાનું કામ પણ કરે છે. વાસ્તવમાં એ જ ભગવાનની ભગવત્તા ને મહાનતા છે. ભગવાન અર્જુનના સારથિ બનીને ઘોડા હાંકે છે. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણીરૂપે લોજમાં છાણ ભેળું કરતા હોય કે કાવડ માગતા હોય પણ તેમનો ઈશ્વરભાવ ત્યારે પણ સર્વ પ્રાણીઓ ઉપર તેવો ને તેવો જ હોય છે. ભગવાન રામ, પિતા દશરથની આજ્ઞા માથે ચડાવીને વનમાં જાય છે પણ પોતાનો ઈશ્વરભાવ જગત ઉપર તથા દશરથજી ઉપર જેમનો તેમ જ હોય છે.

प्रकृतिं स्वामधिष्ठाय-અહીં પ્રકૃતિ શબ્દથી સત્ત્વ, રજ અને તમ એ ત્રિગુણાત્મક એવી પ્રકૃતિ તે નહિ. તેને માટે અહીં પ્રકૃતિ શબ્દ પ્રયોજાયો નથી.કારણ કે અવતાર દશામાં પણ ભગવાનનું શરીર ત્રિગુણ પ્રકૃતિ રચિત હોતું નથી. તે ભાગવતમાં કહ્યું છે‘न भूत सङ्घसंस्थानो देहोऽस्य परमात्मन: न तस्त प्राकृता मूर्तिमांसमेदोऽस्थिसंभवा (ભા.પ. ૩૦/૪૦) માટે ભગવાનમાં ત્રિગુણા પ્રકૃતિ છે જ નહિ. માટે પ્રકૃતિ શબ્દનો અહીં અર્થ છે પોતાનો અસાધરણ કલ્યાણકારી અને હેયપ્રતિભટ્ટ સ્વભાવ. તેમને અજહત્જાળવીને પરમાત્મા પૃથ્વી પર પધારે છે. ભગવાન પૃથ્વી પર પધારે તો પણ સચ્ચિદાનંદઘન સ્વરૂપ જ છે. વળી પ્રકૃતિને ભગવાનની શક્તિ પણ કહેવાય છે. ભગવાન પૃથ્વી પર આવે છે તો પણ પોતાની પૂર્ણ તાકાત સહિત જ આવે છે.

संभवाम्यात्ममायया-ભગવાન આત્મમાયયા એટલે પોતાના સ્વયં સંકલ્પથી અવતાર ધારણ કરે છે. ભગવાનને અવતાર લેવામાં કર્માધીનતા કે પ્રારબ્ધાધીનતા નથી પણ ભગવાન પોતાના સ્વતંત્ર સંકલ્પથી સાધુ પુરુષોના રક્ષણ માટે કરુણાથી અને ધર્મના સ્થાપન માટે સ્વેચ્છાધીન આવે છે. જીવની જેમ કર્માધીનપણે મજબૂરીથી નથી આવતા.

અવતાર શબ્દનો અર્થ છે-નીચે ઊતરવું. પોતાના દિવ્ય ધામમાં સદા નિવાસ કરવાવાળા પરમાત્મા પોતાના અનન્ય ભક્તોની ઈચ્છા પૂરી કરવા ને અસાધારણ પ્રેમી ભક્તોને લાડ લડાવવા અત્યધિક કૃપાથી સ્થાન વિશેષમાં અવતાર લે છે. મનુષ્ય જેવા નાના બની જાય છે. બીજા લોકોનો પ્રભાવ કે મહત્ત્વ મોટા બનવાથી થાય છે; પરંતુ ભગવાનનો પ્રભાવ ઊલટો નાના બની જવાથી વધે છે. કારણ કે અનંત, અપાર પરમાત્મા નાના સરખા બની જાય છે. એ જ એમની વિલક્ષણતા છે. જેમ કે ભગવાન અનંત કોટિ બ્રહ્માંડોને તો સદાકાળ ધારણ કરે જ છે, તો પણ એક ગિરિરાજ પર્વતને ધારણ કરવાથી ‘ગિરિધારી’નું બિરુદ પામી ગયા ને મહાન બની ગયા. અનંત બ્રહ્માંડો જેના રોમમાં ઊડતા ફરે છે એ ભગવાન એક પર્વત ઉઠાવી લે તે વાત કાંઈ મોટી નથી. ઊલટાની નાની વાત છે. આ નાની વાતમાં જ ભગવાનની મોટાઈ હોય છે. એ જ રીતે અવતાર લેવાથી ભગવાનની વધારે વિશેષતા સિદ્ધ થાય છે.

સાધારણ આદમી જે ભૂમિકા ઉપર હોય છે તે જ ભૂમિકા ઉપર આવીને ભગવાન તેવી જ લીલા કરે છે. ગ્વાલ બાળકો સાથે રમતી વખતે તેઓ બીજા બાળકોથી હારી જાય છે. જે બાળકો જીતી જાય તે સવાર બને છે. ભગવાન ઘોડો બની જાય છે. આ એમની વિશેષ મહત્તા છે. ભક્તોને એમની ભલી, ભોળી લીલા બહુ વિચિત્ર અને મીઠી લાગે છે. ત્યાં જ્ઞાનીઓનું જ્ઞાન નથી ચાલતું. બ્રહ્માજી પણ ભ્રમિત થઈને ભૂલા પડી જાય છે. મોટા-મોટા ઋષિમુનિઓ, યોગી, તપસ્વીઓ, સંત, મહાત્માઓ પણ એમની લીલાઓના રહસ્યને જાણી નથી શકતા. બાળ લીલાઓ કરતી વખતે પણ ભગવાન મોટા મોટા રાક્ષસોનો નાશ કરી નાખે છે. બાળક બનવા છતાં એમનો પ્રભાવ તેવો ને તેવો જ રહે છે. એમની અલૌકિક વિચિત્ર લીલાઓનું શ્રવણ, પઠન અને ગાન કરવાથી પણ લોકોનો ઉદ્ધાર થઈ જાય છે.

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्‌।।७।।

અર્થઃ હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સજુર્ં છું એટલે કે સાકારરૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું.

यदा यदा हि… अभ्युत्थान। ભગવત્પ્રેમી, ધર્માત્મા, સદાચારી, નિરાપરાધ અને નિર્બળ મનુષ્યો ઉપર નાસ્તિક, પાપી, દુરાચારી અને બળવાન અધર્મીઓના અત્યાચાર તથા લોકોમાં સદ્ગુણ અને સદાચારની ઊણપ તેમજ દુર્ગુણ અને દુરાચાર વધી જાય ત્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિનું સ્વરૂપ ગણાય.

यदा यदा નું તાત્પર્ય એ છે કે જ્યારે જ્યારે આવશ્યકતા પડે છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે. ભગવાન ૧૦ અથવા ૨૪ જ અવતાર લે છે એવું નથી. ‘अवतारा असंख्येया’ જેની ગણતરી પણ ન કરી શકાય, એટલા અવતારો ભગવાન લે છે. વળી સત્યુગમાં જ અવતાર લે છે અને કલિયુગમાં ન લે એવું પણ નથી. જ્યારે જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે. સમુદ્રમંથન વખતે એકી સાથે અનેક અવતાર-અજીતસ્વરૂપે, મોહિનીરૂપે, ધનવંતરીરૂપે, કચ્છાવતારરૂપે પણ આવી શકે છે. અધર્મની વૃદ્ધિ અને ધર્મનો હ્રાસ થવાનું મુખ્ય કારણ છે-નાશવાન પદાર્થો તરફનું આકર્ષણ. જ્યારે જીવ અનિત્ય, ઉત્પત્તિ, વિનાશશીલ પ્રાકૃત પદાર્થો વડે સુખ મેળવવાની ઈચ્છા કરવા લાગે છે અને તેમની પ્રાપ્તિમાં સુખ માનવા લાગે છે, ત્યારે તેનું પતન થવા લાગે છે. લોકોની સાંસારિક ભોગ અને સંગ્રહમાં જેમ જેમ આસક્તિ વધે છે, તેમ તેમ જ સમાજમાં અધર્મ વધે છે. જેમ જેમ અધર્મ વધે છે તેમ તેમ જ સમાજમાં પાપનું આચરણ, ક્લેશ, વિદ્રોહ વગેરે દોષો વધે છે. જ્યારે યુગની મર્યાદા કરતાં પણ ધર્મનો વધારે હ્રાસ થઈ જાય છે, ત્યારે ભગવાન ધર્મની સ્થાપના કરવા ફરીથી અવતાર લે છે.

तदात्मानं सृजाम्यहम्‌-ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થતાં લોકોની પ્રવૃત્તિ અધર્મમાં થઈ જાય છે. કર્મોમાં સકામભાવ (વ્યક્તિગત-સ્વાર્થ) ઉત્પન્ન થવો એ જ ધર્મની હાનિ છે. તેને દૂર કરવા ભગવાનને અહીં આવવું પડે છે. પોતપોતાના કર્તવ્યથી-ફરજથી ચ્યુત થઈને, નિષિદ્ધ આચરણ કરવું એ જ અધર્મનું અભ્યુત્થાન છે. કામનાથી સઘળાં અધર્મો, પાપો, અન્યાય વગેરે પાંગરે છે. (૩/૩૭) માટે એ કામનાનો (વ્યક્તિગત સ્વાર્થ) નાશ કરવા માટે અને નિષ્કામ ભાવનું વિસ્તરણ કરવા માટે ભગવાન અવતાર લે છે.

કોઈને શંકા થાય કે અત્યારે તો ધર્મનો હ્રાસ અને અધર્મની વૃદ્ધિ બહુ જ થઈ રહી છે તો પછી ભગવાન અવતાર કેમ લેતા નથી? એનું સમાધાન એ છે કે યુગને અનુરૂપ અધર્મ તો હોય શકે પણ યુગમર્યાદા વટીને વધે ત્યારે પણ ભક્તની પીડા નિવારવા ભગવાન આવે છે; નહિ કે ખાલી ધર્મસ્થાપન માટે. અહીં ભગવાનની દૃષ્ટિએ, કાંઈક જરૂર ઓછી હશે.

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।।८।।

અર્થઃ સાધુપુરુષોનું રક્ષણ કરવા માટે, પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા અને ભાગવત ધર્મની સમ્યક્રીતે સ્થાપના કરવા હું યુગે યુગે પ્રગટ થાઉં છું.

परित्राणाय साधूनाम्‌-જેનો એક માત્ર પરમાત્મપ્રાપ્તિનો જ ઉદ્દેશ્ય છે તે સાધુ છે. જેનો એક માત્ર નાશવંત સાંસારિક અર્થનો ઉદ્દેશ્ય છે, તેઓ અસાધુ છે. એવા સાધુ પુરુષોનાં પરિત્રાણ માટે, રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. પરિવર્તનશીલ -નાશવાન વસ્તુમાં સદ્ભાવ કરવાથી અને તેને મહત્ત્વ દેવાથી કામનાઓ પેદા થાય છે. જેમ જેમ કામનાઓ પેદા થાય છે તેમ તેમ સાધુતા લુપ્ત થાય છે. અસાધુતા વધે કારણ કે અસાધુતાનો મૂળ હેતુ સાંસારિક કામના જ છે. તે કામના જેમ જેમ નષ્ટ થાય, તેમ તેમ સાધુતા આવે છે. તે ભગવાન સંબંધી ઈચ્છાઓ કરવાથી જગત સંબંધી કામનાઓ ઘટતી જાય છે ને છેવટે નષ્ટ થઈ જાય છે. જેમ જેમ સાધુતા આવતી જાય છે તેમ પોતાનો અને બીજા લોકોનો પણ આપમેળે ઉદ્ધાર થતો જણાય છે.

અહીં એક શંકા એવી થાય છે કે ભગવાન સાધુઓની રક્ષા માટે અવતાર લે છે તો પણ સાધુ પુરુષો સંસારમાં કષ્ટ પામતા હોવાનું કેમ જોવામાં આવે છે ? તો એનું સમાધાન એ છે કે સાધુઓની રક્ષા એ શરીર, માન, બડાઈ ધનસંપત્તિ તેની રક્ષા નથી. એ રક્ષાને સાધુ પુરુષો રક્ષા જ માનતા નથી. એવી રક્ષા ઈચ્છનારા સાચા સાધુ-પુરુષો ગણાતા નથી. તે પ્રહ્લાદજીએ નૃસિંહ ભગવાન પ્રત્યે કહ્યું છે જે ‘‘હે ભગવાન ! તમે મારી દૈહિક રક્ષા કરી તેને હું રક્ષા માનતો નથી. જ્યારે મારા ઈન્દ્રિયો-અંતઃકરણથી (તેમાં રહેલા દોષ ભાવોથી) રક્ષા કરશો, ત્યારે હું રક્ષા માનીશ.’’ માટે સાધુના અંતરની દુર્ભાવનાઓની રક્ષા તે જ સાચી રક્ષા છે. જેઓ ભગવાન વિના પોતાના પ્રાણ ધારવા પણ સમર્થ થતા નથી. તેના વિરહાગ્નિને દર્શન આપીને શાંત કરવો તથા જગતની કામનાઓ નષ્ટ કરીને એકાંતિક ધર્મની રક્ષા કરવી તે જ સાધુઓનું સાચું રક્ષણ કહેવાય છે. ભગવાન અવતાર લઈને તે કરે છે. તે જ તેનું મુખ્ય પ્રયોજન છે. ભક્તો-સાધુઓમાં સાંસારિક પદાર્થોનું મહત્ત્વ અને ઉદ્દેશ્ય હોતું નથી. તેથી જ તો તેઓ ભક્ત છે. સાધુઓ અને ભક્તો પ્રતિકૂળતામાં (દુઃખદાયી પરિસ્થિતિમાં) વધારે પ્રસન્ન થાય છે કારણ કે પ્રતિકૂળતાથી જેટલો આધ્યાત્મિક લાભ થાય છે-પરમાત્માની નજીક થવામાં જેટલો લાભ થાય છે, એટલો અનુકૂળતા ગોઠવવાથી થતો નથી. વાસ્તવમાં ભક્તિ કે પરમાત્મા પ્રત્યે સાચી નિષ્ઠાનો નિખાર પણ જેટલો પ્રતિકૂળતામાં (દુઃખદાયી પરિસ્થિતિમાં) આવે છે, તેવો અનુકૂળતામાં નથી આવતો. સાંસારિક રાગ અને આસક્તિથી સાધકનું પતન થાય છે. પ્રતિકૂળતાથી તે રાગ ઓછો થાય છે-તૂટે છે. એટલા માટે ભગવાન મોટે ભાગે પોતાના અંતરંગ ભક્તોને પ્રતિકૂળતા મોકલે છે. વાસ્તવમાં આવી પ્રતિકૂળતા મોકલવી એ પણ તેની રક્ષા છે. સાચા સાધુઓ પણ તેવું માનતા હોય છે.

विनाशाय च दुष्कृताम्‌-ભગવાનને અવતાર ધરવા માટે બીજા નંબરનું પ્રયોજન દુષ્ટોનો નાશ કરવા માટેનું છે. દુષ્ટ મનુષ્યો અધર્મનો પ્રચાર અને ધર્મનો નાશ કરે છે. એટલા માટે તેમનો વિનાશ કરવા માટે ભગવાન આવે છે. જે મનુષ્યો કામનાઓના અત્યધિક વધવાને કારણે જૂઠ, છળ, કપટ, અપ્રામાણિકતા વગેરે દુર્ગુણ દુરાચારોમાં લાગેલા રહે છે. જેઓ નિરપરાધી, સદ્ગુણી અને સદાચારી મનુષ્યો-સાધુઓ ઉપર અત્યાચાર કરે છે. જેઓ બીજાનું અહિત કરવામાં જ લાગ્યા રહે છે. જેઓ પ્રવૃત્તિ-નિવૃત્તિને નથી જાણતા. ભગવાન અને વેદો-શાસ્ત્રોનો વિરોધ કરવાનો જ જેનો સ્વભાવ છે, એવા આસુરી સંપત્તિમાં રચ્ચા-પચ્યા રહેનારા માટે અહીં दुष्कृताम्‌ શબ્દ વપરાયો છે. ભગવાન અવતાર લઈને તેવાનો નાશ કરે છે.

અહીં એક શંકા થાય છે કે ભગવાનને માટે તો બધાં પ્રાણીઓ સમાન છે. તેને કોઈ વેરી નથી ‘समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय:। (૯/૨૯) તો પછી દુષ્ટોનો વિનાશ કેમ કરે છે? તેનું સમાધાન એ છે કે ભગવાન સઘળાં પ્રાણીઓના સૃહૃદ હોવાને કારણે ભગવાનનો કોઈ વેરી નથી. જે મનુષ્યો ભક્તોનો અપરાધ કરે છે તે ભગવાનના વેરી થાય છે. આથી ભક્તોને કષ્ટ દેવાવાળા દુષ્ટોનો વિનાશ ભગવાન જાતે જ કરે છે. પાપનો વિનાશ તો ભક્તો જ કરે છે પણ પાપીનો વિનાશ ભક્તો કરતા નથી જ્યારે પાપીનો વિનાશ ભગવાન પોતે કરે છે; છતાં પણ સાધુઓનું સંરક્ષણ કરવામાં ભગવાનની જેટલી કૃપા છે તેટલી જ કૃપા દુષ્ટોનો વિનાશ કરવામાં પણ રહેલી છે. ભગવાન તેનો નાશ નથી કરતા, ભગવાન તેનો ઉદ્ધાર કરે છે. ભગવાનના ક્રોધમાં પણ કૃપા જ રહેલી હોય છે. વિનાશ કરીને ભગવાન તેને શુદ્ધ અને પવિત્ર બનાવે છે.

સંત મહાત્મા ધર્મની સ્થાપના તો કરે છે પણ દુષ્ટોના વિનાશનું કાર્ય તેઓ નથી કરતા. દુષ્ટોનો વિનાશ કરવાનું કાર્ય ભગવાન પોતાના હાથમાં રાખે છે. જેમ સાધારણ મલમ પટ્ટી કરવાનું કામ તો કમ્પાઉન્ડર કરી દે છે પણ મોટું ઓપરેશન કરવાનું કામ મુખ્ય સજર્ન જાતે કરે છે, બીજા નહિ.

માતા અને પિતા બન્ને સમાનરૂપથી બાળકનું હિત ચાહે છે. બાળક ભણતો ન હોય ને ઉદ્ધતાઈ કરતો હોય તો તેને માતા પણ સમજાવે છે ને પિતા પણ સમજાવે છે. બાળક પોતાની ઉદ્ધતાઈ ન છોડે તો પિતા એને મારે-ધમકાવે છે; પરંતુ બાળક જ્યારે વધારે ગભરાઈ જાય, ત્યારે માતા બાળકના પિતાને મારવાથી રોકે છે. જો કે માતા પતિવ્રતા છે. પતિનું અનુસરણ કરવું તેનો ધર્મ છે તો પણ એનો અર્થ એવો નથી કે પતિ બાળકને મારે તો તે પણ દંડો લઈને પહોંચી જાય ને બાળકને મારવામાં મદદમાં લાગી જાય ! જો એવું કરે તો બાળક જીવી કેમ શકે? બાળકની રક્ષા કરવામાં તેનો પતિવ્રતા ધર્મ નષ્ટ નથી થતો કારણ કે વાસ્તવમાં પિતા પણ બાળકને મારવાનું નથી ઈચ્છતો. ઊલટાનું તેના દુર્ગુણ-દુરાચારોને દૂર કરવા ઈચ્છે છે. એવી જ રીતે ભગવાન જગતના પિતા સમાન છે અને સંત મહાત્મા જગતની માતા સમાન છે. ભગવાન અને સંત-મહાત્મા મનુષ્યોને સમજાવે છે. પછી પણ મનુષ્યો પોતાની દુષ્ટતા ન છોડે તો પછી તેમનો વિનાશ કરવા માટે ભગવાનને અવતાર લઈને જાતે આવવું પડે છે. જો તેઓ દુષ્ટતા છોડી દે તો તેમને મારવાની આવશ્યકતા જ ન રહે.

ભગવાનને દુષ્ટ પુરુષો સાથે વિરોધ નથી; પરંતુ તેનાં દુષ્કર્મો સાથે વિરોધ હોય છે. કારણ કે તે દુષ્ટ કર્મો સંસારનું અને તે દુષ્ટોનું પણ અહિત કરવાવાળા હોય છે. ભગવાન સર્વના સૃહૃદ છે. આથી તેઓ સંસારનું તેમ જ દુષ્ટોનું પણ હિત કરવા માટે જ દુષ્ટોનો વિનાશ કરે છે. તેમના દ્વારા જે દુષ્ટો માર્યા જાય છે, તેમને ભગવાન પોતાના સ્વરૂપમાં જ સમાવી લે છે. તે તેમની કેટલી વિલક્ષણ ઉદારતા છે.

धर्मसंस्थापनार्थाय… નિષ્કામભાવનાનો ઉપદેશ, આદેશ અને પ્રચાર જ ધર્મની સ્થાપના છે. કારણ કે નિષ્કામભાવની ઊણપથી અને અસત પદાર્થોને વધારે મહત્તા આપવાથી જ અધર્મ વૃદ્ધિ પામે છે અને તેનાથી મનુષ્યો દુષ્ટ સ્વભાવવાળા થઈ જાય છે. એટલા માટે ભગવાન અવતાર લઈને નિષ્કામ ભાવનાનું આચરણ કરીને-આચરણ દ્વારા નિષ્કામ ભાવનાનો પ્રચાર કરે છે. નિષ્કામ ભાવનાના પ્રચારથી ધર્મની સ્થાપના આપોઆપ થઈ જાય છે.

ધર્મનો આશ્રય ભગવાન પોતે છે. (૧૪/૨૭) વળી શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે કે ધર્મના ધરતલ અને ધર્મના બખ્તરરૂપ પરમાત્મા અંતર્ધાન થયા પછી ધર્મ કોને શરણે જઈને રહ્યો ? માટે ધર્મ ભગવાનની મૂર્તિના આશ્રયે રહે છે. તેથી શાશ્વત ધર્મની સ્થાપના કરવા માટે ભગવાનને આવવું પડે છે. સંસ્થાપન કરવાનો અર્થ એ છે કે તેનો પુનરોદ્ધાર કરવો. ધર્મ શાશ્વત છે. તેનો કદી નાશ થતો નથી પણ તેનો હ્રાસ થઈ જાય છે. ધર્મનો હ્રાસ થાય તો ફરી વખત ભગવાન તેનો ઉદ્ધાર, સંસ્થાપન કરે છે.

संभवामि युगे युगे-જરૂર પડતા ભગવાન પ્રત્યેક યુગમાં આવતાર લે છે. સત્યુગમાં લે છે ને કલિયુગમાં નથી આવતા એવું નથી. યુગે યુગે અર્થાત્પ્રત્યેક યુગમાં અવતાર લઈ શકે છે. વળી એક યુગમાં પણ જેટલી વાર જરૂર પડે, તેટલીવાર અવતાર લે છે. જેવું કાર્ય હોય તે પ્રમાણે કયારેક પોતે અને કયારેક કળા, અંશ, આવેશથી અવતરે છે.

અહીં એક શંકા થાય છે કે ભગવાન તો સર્વ સમર્થ છે તો તેને માટે સંતોની રક્ષા કરવી, દુષ્ટોનો વિનાશ કરવો અને ધર્મની સ્થાપના કરવી. એ બધું પોતાના ધામમાં બેઠા-બેઠા અવતાર લીધા સિવાય શું ન કરી શકે? અને જો ન કરી શકે તો એટલી ભગવાનમાં ખામી (અસમર્થતા) ગણાય પણ ભગવાનમાં તો ખામીનો સંભવ નથી. તેનું સમાધાન એ છે કે ભગવાનનું મુખ્ય પ્રયોજન છે સાધુઓનું પરિત્રાણ. સાધુઓનું પરિત્રાણ એટલે કોઈ દૈહિક કે ઈહલૌકિક રક્ષણને સાધુઓ ઈચ્છતા નથી. તેઓ પરમાત્માની મૂર્તિના એટલા પ્યાસી હોય છે કે તેના વિના પ્રાણ ધારવા સમર્થ નથી; માટે તે ભક્તો સ્થૂળ દેહધારી છે માટે ભગવાન તેવા થઈને આવે છે અને પોતાની મૂર્તિનું સુખ આપે છે. તેનો વિરહાગ્નિ શાંત કરે છે ને તેને લલિત લીલાઓ કરી, દર્શન, સ્પર્શ, વાર્તાલાપ કરીને લાડ લડાવે છે. માટે પરિત્રાણનું તાત્પર્ય વિરહી ભક્તોને લાડ લડાવવા તે છે. અને તે પોતે આવ્યા વિના બની શકતું નથી. માટે અહીં ‘अहं संभवामि’ ‘હું આવું છું.’ એવું ભગવાને કહ્યું છે અને પછી અવાંતર ધર્મસ્થાપન, દુષ્ટ વિનાશ વગેરે કાર્યો પણ કરે છે. પોતાની દિવ્ય લીલાઓનો વિસ્તાર કરે છે. જેને ગાઈને, સાંભળીને તથા ઉપદેશ સાંભળી-આચરીને ભવિષ્યના જીવોનો પણ ઉદ્ધાર થાય છે. માટે મુખ્ય પ્રયોજન તો સાધુઓને-વિરહી ભક્તોને લાડ લડાવવા, તે છે.

આથી ચોથા શ્લોકમાં અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને મનુષ્યોના જન્મ અને પોતાના જન્મમાં નીચેના મોટા તફાવત બતાવ્યા છે.

(૧) જાણવામાં અંતર-મનુષ્યોના અને ભગવાનના ઘણાય જન્મો થઈ ચૂકયા છે એ બધા જન્મોને મનુષ્યો જાણતા નથી પણ ભગવાન બધાને જાણે છે.

(૨) જન્મમાં અંતર-મનુષ્યને કર્માધીન-કર્મને વશ થઈને પોતે કરેલાં કર્મને ભોગવવા માટે જન્મ લેવો પડે છે અને પ્રકૃતિને આધીન થઈને રહે છે. જ્યારે ભગવાન પોતાની સ્વતંત્ર ઈચ્છાથી અવતરી, પ્રકૃતિને પોતાને આધીન કરીને વર્તે છે.

(૩) કાર્યમાં અંતર-સાધારણ રીતે મનુષ્ય પોતાની કામનાઓની પૂર્તિને માટે કાર્ય કરે છે. જે મનુષ્ય જન્મનું ધ્યેય નથી. જ્યારે ભગવાન કેવળ જીવમાત્રના કલ્યાણને અર્થે જ કાર્ય કરે છે.

जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वत:।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन।।९।।

અર્થઃ હે અર્જુન ! મારાં જન્મ અને કર્મ દિવ્ય અર્થાત્નિર્મળ અને અલૌકિક છે- એમ જે માણસ તત્ત્વથી જાણી લે છે, તે દેહ છોડીને પુનજર્ન્મ નથી પામતો, પણ મને જ પામે છે.

ચોથા શ્લોકમાં અર્જુનના પ્રશ્નથી ભગવાને પોતાના જન્મની દિવ્યતાને કહેવાનો આરંભ કર્યો. છઠ્ઠા શ્લોકમાં પોતાના જન્મની ખાસ દિવ્યતા બતાવી. હવે કર્મની બાબતનો અર્જુનનો પ્રશ્ન ન હોવા છતાં નિષ્કામ કર્મયોગ-નિષ્કામ સેવાયોગનું તત્વ બતાવવાના ઉદ્દેશ્યથી પોતાના જન્મની દિવ્યતાની સાથે કર્મની દિવ્યતાને જાણવાનું માહાત્મ્ય બતાવે છે.

जन्म कर्म च मे दिव्यम्‌ ભગવાનને મનુષ્યની જેમ જન્મ-મૃત્યુ નથી. તેઓ સર્વથા જન્મ-મૃત્યુથી અતીત છે. તેઓ અજન્મા અને અવિનાશી છે. તેમનો મનુષ્યરૂપમાં અવતાર સાધારણ મનુષ્યોની જેમ નથી થતો. તેઓ કેવળ કરુણાથી પ્રેરાઈને કૃપાપૂર્વક જીવમાત્રનું હિત કરવા, સ્વતંત્રતાપૂર્વક મનુષ્ય વગેરેના રૂપમાં જન્મધારણની લીલા કરે છે. તેમનો જન્મ કર્મોને પરવશ નથી થતો. તેઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી જ શરીર ધારણ કરે છે.

ભગવાનનું શરીર જીવોનાં શરીરોની જેમ હાડમાંસથી નિર્મિત નથી હોતું. જીવોનાં શરીર પાપ પુણ્યમય, અનિત્ય, રોગોથી પીડિત, લૌકિક, વિકારી, પંચભૌતિક અને રજવીર્યથી ઉત્પન્ન થવાવાળાં હોય છે. જ્યારે ભગવાનનું શરીર પુણ્યપાપથી રહિત, નિત્ય, અનામય, અલૌકિક, વિકારરહિત, પરમ દિવ્ય અને પ્રગટ થવાવાળો હોય છે. અન્ય જીવોની અપેક્ષાએ તો દેવતાઓનાં શરીરો પણ દિવ્ય હોય છે; પરંતુ ભગવાનનું શરીર તેમનાથી પણ અત્યંત વિલક્ષણ હોય છે. જેનું દેવતા લોકો પણ સદાય દર્શન ઈચ્છતા રહે છે. (૧૧/૫૨) જેનાં ‘દેવતાને દર્શન થાતાં નથી થોડી વાતમાં રે…’ (ચોસઠ પદી) ભગવાન કેમ પ્રગટ થાય છે ! તેમાં પણ મોટા મોટા બ્રહ્માદિક દેવતાઓને કે ઋષિઓ કે મુક્તોને પણ યથાર્થ કળ પડતી નથી. તેથી મોટા ભાગે અવતારમાં પ્રાગટ્ય વખતે શાસ્ત્રોમાં વર્ણવ્યું હોય છે કે પ્રથમ તેજ પ્રગટ થાય છે જે તેજમાં દેવતા, ઋષિઓ કે મુક્તો-સુદ્ધાંની બુદ્ધિ કામ કરતી નથી અને ભગવાન અવતાર ગ્રહણ કરી લે છે. કેમ અને કેવી રીતે ગ્રહણ કર્યો તેની કોઈને ગમ પડતી નથી. ભગવાન જ્યારે શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીજી મહારાજ રૂપે આવ્યા ત્યારે તેઓ માતાના ગર્ભથી ઉત્પન્ન નથી થયા. તે તો ખાલી બતાવે છે પણ તેજ પ્રગટ કરીને ભગવાન પોતે સ્વયં પ્રગટ થઈ જાય છે. દરેક વખતે તેજ પ્રગટ કરીને શંખ, ચક્ર આદિ આયુધો સહિત દિવ્ય દર્શન આપે છે. પછી માતાઓની પ્રાર્થનાથી બાળકરૂપે બની જાય છે અને લીલા કરવા લાગે છે. ભગવાન રામ માટે તુલસીદાસજી લખે છે કે

भये प्रगट कृपाला, दीनदयाला कौशल्या हितकारी
हरषित महतारी मुनि मन हारी अद्‌भुत रुप विचारी
लोचन अभिरामा तनु घनश्यामा निज आयुध भूजचारी
भूषन बनमाला नयन विशाला शोभासिंधु खरारी…
माता पुनि बोली सो मति डोली तजहु तात यह रूपा
कीजै सिसुलीला अतिप्रियसीला यह सुख परमअनूपा
सुनि वचन सुजाना रोदन ठाना होई बालक सूर भूपा
लछहमि र्ष्ीर्ङस्त्रनमै वतिै यन अहिै ठै ङै
उपसंहर विश्वात्मन्‌अदोरू पमलौकिकम्‌।
शफचक्रगदापद्म श्रिया जुष्टं चतुर्भुजम्‌।। (ભાગ.૧૦/૩/૩૦)

માતા દેવકીએ પ્રાર્થના કરી છે કે ‘‘હે ભગવાન ! તમારું આ અલૌકિક ચતુર્ભુજ રૂપ સંકેલીને બાળકરૂપે અમને સુખ આપો.’’ ત્યારે ભગવાન માતા-પિતાના દેખતા જ એ બાળક જેવા બની ગયા. શ્રીજી મહારાજને વિષે પણ તે જ વાત આવે છે.

તેવી જ રીતે ભગવાનનું આ લોકથી અંતર્ધાન થવાનું હોય છે. કયારેક ભગવાન પોતાના શરીર સહિત અંતર્ધાન થઈ જાય છે અને કયારેક તો શરીર પડયું રહે છે ને અંતર્ધાન થઈ જાય છે માટે ભગવાનને શરીર છોડવાની રીત પણ અલૌકિક હોય છે.

ભગવાનના શ્રીવિગ્રહ (દિવ્ય શરીર) માટે પણ કહેવામાં આવ્યું છે કે

चिदानंदमय देह तुम्हारि। विगत विकार जान अधिकारी।

नर तनु धरेहू संत सुर काजा कहहु करहु जस प्राकृत राजा।। માનસ. ૨/૧૨૭/૩

ભગવાનનું શરીર ચિદાનંદ છે; દિવ્ય છે તેમાં વિકૃતિ નથી.

એકવાર સનકાદિક વગેરે ઋષિ વૈકુંઠ ધામમાં જઈ રહ્યા હતા. ત્યાં ભગવાનના દ્વારપાલોએ તેમને અંદર જતા રોકયા, ત્યારે સનક વગેરેએ તેમને શાપ દીધો. પોતાના અનુચરોનું સનકાદિકો વડે અપમાન થયું જાણીને ભગવાન પોતે ત્યાં પધાર્યા. તે સમયે        ભગવાનનું દર્શન કરવાથી તેમની ભારે વિલક્ષણ દશા થઈ. તેમણે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા.

तस्यारविन्दनयनस्य पदारविन्दकिञ्जल्कमिश्रतुलसीमकरन्दवायु:।

अन्तर्गत: स्वविवरेण चकार तेषां संक्षोभमक्षरजुषामपि चित्ततन्वो:।। (ભા.૩/૧૫/૪૩)

પ્રમાણ કરવાથી તે કમલનેત્ર ભગવાનનાં ચરણકમળનાં પરાગ સાથે મળેલી તુલસી મંજરીના વાયુએ તેમના નાસિકા છિદ્રોમાં પ્રવેશ કરીને તે અક્ષર પરમાત્મામાં નિત્ય સ્થિત રહેવાળા જ્ઞાની મહાત્માઓનાં ચિત્ત અને શરીરને ક્ષોભ કરી દીધા.

શબ્દ વગેરે વિષયોમાં ગંધ કોઈ એટલી વિલક્ષણ ચીજ નથી કે જેથી મનુષ્ય તેને પામીને વિહ્વળ થઈ જાય. તેમાં મન આકૃષ્ટ થઈ જાય. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવત્વિગ્રહની સર્વ કરતાં વિલક્ષણતા છે. ભગવાનનાં ચરણકમળોની ગંધથી નિત્ય નિરંતર પરમાત્માના સ્વરૂપમાં મગ્ન રહેનારા, શાંત રહેનારા સનકાદિકોના ચિત્તમાં પણ ખળભળાટ મચી ગયો. કારણ કે તે પૃથ્વીના વિકારરૂપ ગંધની જેવી ગંધ ન હતી. તે તો પરમાત્માના શ્રીવિગ્રહની ગંધ હતી, દિવ્ય ગંધ હતી. એવી જ રીતે ભગવાનના વિગ્રહની પ્રત્યેક વસ્તુ-દર્શન, સ્પર્શ, શ્રવણ તથા વસ્ત્ર, આભૂષણ, આયુધ વગેરે દિવ્ય, ચિન્મય અને પ્રાકૃત ચીજો કરતાં અત્યંત વિલક્ષણ હોય છે. આ ભગવાનની દિવ્યતા છે.

ભગવાનની લીલાઓને સાંભળવા, વાંચવા, યાદ કરવા વગેરેથી લોકોનું અંતઃકરણ નિર્મળ અને પવિત્ર બની જાય છે તથા તેમનું અજ્ઞાન દૂર થઈ જાય છે. આ ભગવાનનાં કર્મોની દિવ્યતા છે. ભગવાન શંકર, બ્રહ્મા, સનકાદિકો, દેવર્ષિ નારદ વગેરે પણ તેમની લીલા સાંભળીને તથા ગાઈને મગ્ન બની જાય છે. ભગવાનના અવતારનાં જે લીલા સ્થળો તે સ્થાનોમાં આસ્તિક ભાવથી, શ્રદ્ધા, પ્રેમપૂર્વક નિવાસ કરવાથી તેમજ તેમનું દર્શન કરવાથી પણ મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે ભગવાન જીવમાત્રના કલ્યાણ કરવાના ઉદ્દેશ્યથી જ અવતાર લે છે અને લીલાઓ કરે છે. આથી તેમની લીલાઓને વાંચવા, સાંભળવાથી, તેમનું મનન, ચિંતન કરવાથી, સ્વાભાવિક જ એ ઉદ્દેશ્યની સિદ્ધિ થઈ જાય છે.

ચોથા શ્લોકમાં અર્જુને ભગવાનને કેવળ તેમના ‘જન્મ’ના વિષયમાં પૂછયું હતું; પરંતુ અહીં ભગવાને અર્જુનના પૂછયા વિના પોતાના તરફથી ‘કર્મ’ના વિષયમાં કહેવાનો આરંભ કરી દીધો ! તેમાં ભગવાનનો એવો અભિપ્રાય પ્રતીત થાય છે કે જેવી રીતે મારાં કર્મો દિવ્ય છે, તેવી જ રીતે મનુષ્યોનાં-સાધકોનાં કર્મો પણ દિવ્ય બની શકે છે અને હોવાં જોઈએ. જો કે મનુષ્યનો જન્મ દિવ્ય નથી હોઈ શકતો પણ તેનાં કર્મો અવશ્ય દિવ્ય થઈ શકે છે; કારણ કે એટલા માટે જ મનુષ્યનો જન્મ ભગવાને આપ્યો છે, નહિ કે કેવળ વિષય ભોગવવા. કર્મો દિવ્ય કેમ થાય? તો કર્મોમાં દિવ્યતા યોગથી આવે છે. સેવા તો પ્રાકૃત ક્રિયારૂપ જ હોય છે પણ તેમાં દિવ્યતા યોગથી આવે છે. તે યોગનું બીજ ઉદ્દેશ્યમાં રહ્યું છે તે કર્મો કે સેવા શા હેતુ માટે કરવામાં આવે છે? જો તેના ઉદ્દેશ્યમાં ભગવાનની પ્રસન્નતા અને પરમાત્માના પરમ ભક્તની પ્રસન્નતા કરવા માટે હોય તો તે યોગ બની જશે અને તે કર્મ કે તે સેવા દિવ્ય બની જશે. જે કર્મો બાંધવાવાળાં છે, તેમાં યોગ ભળી જવાથી તે જ કર્મો મુક્તિ દેનારાં બની જશે. એ જ તેની દિવ્યતા ગણાશે. કર્મ દિવ્ય (ફલેચ્છા, મમતા, રાગથી રહિત) થતાં કર્તા એક તો તે કર્મોથી બંધાતો નથી. બીજું તેને જૂનાં કર્મો પણ બંધન કરી શકતા નથી. તે મુક્ત થઈ જાય છે. ત્રીજું તેના દ્વારા થતાં કર્મો વડે બીજા અનેકનું પણ કલ્યાણ-હિત થાય છે.

ઊંડું વિચારીને જોઈએ તો નાશવાન વસ્તુઓની સાથે પોતાનો સંબંધ માનવાથી જ કર્મોમાં મલિનતા આવે છે. તે બંધન કરનારાં બને છે. નાશવંત પદાર્થો સાથે પોતાનો સંબંધ માનવાથી અંતઃકરણ, કર્મ અને પદાર્થ એ ત્રણેમાં મલિનતા આવે છે. તેની સાથેનો સંબંધ છૂટવાથી એ ત્રણે આપમેળે પવિત્ર બની જાય છે. આથી તે एवं यो वेत्ति तत्त्वत: આ શ્લોકમાં તથા છઠ્ઠા શ્લોકમાં બતાવ્યા મુજબ જાણવું; અર્થાત્દૃઢતાપૂર્વક માનવું એને ભગવાનના જન્મોની દિવ્યતાને જાણવી એમ કહેવાય.

ભગવાન સઘળી ક્રિયાઓ કરતા હોઈને-મારું તારું, પારકું, પોતાનું, સ્વાર્થ, વેર, વિરોધ વગેરે લૌકિક જેવી ક્રિયાઓ કરે. કામ ક્રોધ, લોભાદિકની પ્રવૃત્તિ કરે તો પણ ભગવાન અકર્તા જ છે.. અર્થાત્એમનામાં એવું કરવાનું અભિમાન નથી. (૪/૧૩) કોઈપણ કર્મફળમાં એને સ્પૃહા નથી. (૪/૧૪) આ તત્ત્વને જાણવું અર્થાત્ દૃઢતાપૂર્વક માનવું. તેને ભગવાનનાં કર્મોની દિવ્યતા જાણવી એમ કહેવાય છે.

જેવી રીતે ભગવાનના જન્મમાં સ્વાભાવિક જ જીવમાત્રનું હિતકારીપણું અને કર્મમાં નિર્લિપ્તતા છે. એવી જ રીતે મનુષ્યમાં પણ ઝાઝા જીવોની હિતૈષિતા અને કર્મમાં અતિ નિર્લિપ્તતા આવવી એને જ ભગવાનના જન્મ-કર્મને દિવ્ય જાણ્યા ગણાય.

त्यक्त्वा देहं पुर्नजन्म नैति।ભગવાનની સર્વજનહિતાય અને સર્વજનસુખાય-એવી જનમંગલકારી નાની મોટી તમામ ચેષ્ટાઓ તથા લીલાઓને દિવ્ય ભાવસહિત ગાવાથી, સાંભળવાથી, વાંચવાથી અને તેનું ચિંતવન કરવાથી ભગવાનની સાથે સંબંધ જોડાય છે અને સંસારનો સંબંધ છૂટે છે. તેથી તે મુક્ત બની જાય છે. તેથી તેનો પુર્નજન્મ થતો નથી. વાસ્તવમાં કર્મો બંધનકારક નથી હોતાં. કર્મોમાં જે બાંધવાની શક્તિ છે તે મનુષ્યે પોતે ઊભી કરેલી છે. કર્મમાં રાગ, અહં, કામના વગેરે ભાવો કર્મને બંધક બનાવે છે. કામનાની પૂર્તિ માટે રાગપૂર્વક પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કર્મો કરવાથી જ મનુષ્યો કર્મોમાં બંધાઈ જાય છે. પછી જેમ જેમ રાગ વધે, તેમ તેમ કામનાઓ વધે છે. જેમ જેમ કામનાઓ વધે છે તેમ તેમ પાપની પ્રવૃત્તિ વધતી જાય છે. આથી તેનાં કર્મો મલિન થતાં જાય છે અને પછી તેને નરકમાં અને નીચ યોનિમાં લઈ જાય છે. જ્યારે સાધક કેવળ ભગવાનને અર્થે અથવા ભગવાનના સાચા ભક્તોને અર્થે અને બીજાઓના હિતને માટે નિષ્કામભાવથી કર્મો કરે, સેવા કરે-ત્યારે તેનાં કર્મોમાં વિલક્ષણતા અને દિવ્યતા આવી જાય છે. ત્યારે તેને પુનજર્ન્મનો પ્રશ્ન જ નથી રહેતો.

मामेति सोऽर्जुन-નાશવંત પદાર્થો અને કર્મોમાં રાગ, અહંકાર આસક્તિ કરવાથી અને તેની સાથે પોતાનો અંતરંગ સંબંધ સ્થાપિત થવાથી નિત્ય પ્રાપ્ત પરમાત્માનો આપણી સાથે જે સંબંધ છે તે વીસરાઈ જાય છે. તેની સ્મૃતિ રહેતી નથી. જો નિષ્કામ ભાવનાપૂર્વક ક્રિયાઓ થાય તો તે કર્મો તેને પરમાત્મા તરફ લઈ જાય છે અને પરમાત્માને પ્રાપ્ત કરાવે છે.

ભગવાનનાં જન્મ લેવામાં કેવળ જીવો ઉપર મહાન કરુણા, કૃપા જ કારણ છે. એવી માન્યતા થાય તો ભગવાનનાં કર્મો દિવ્ય પ્રતીત થાય. જો ભગવાનનાં કર્મો દિવ્ય પ્રતીત થાય તો તેને ભગવાનમાં ભક્તિ થઈ જાય છે. ભગવાનનાં કર્મોને દિવ્ય જાણવાથી મનુષ્યોનાં કર્મો પણ દિવ્ય બની જાય છે. જ્યારે ભગવાનનાં કર્મોને મોઢેથી દિવ્ય દિવ્ય કરે છે પણ પોતાનાં કર્મોની મલિનતા છૂટતી નથી તો તેનો અર્થ એ છે કે તે મોઢેથી બોલે છે પણ ભગવાનનાં કર્મોમાં તેને દિવ્યતા દેખાણી નથી કે અનુભવાતી નથી. કેવળ દેખાદેખીથી કહે છે.

કર્મોને બરાબર કરવા છતાં તેમાં રાગ, અહં કે ફળકામના ન થવા દેવી-ન કરવી તે જ કર્મયોગનું સત્ત્વ છે. એ જ કર્મયોગ છે. એવું જ સેવામાં છે. સેવાને અદલપણે કરવા છતાં ક્રિયામાં રાગ કે પોતે અહં અને કોઈ પ્રકારની લાલચ ન ઊઠવા દેવી ત્યારે સેવા તે યોગ બની જાય છે. એને સેવાયોગ કહેવાય છે. પ્રકૃતિની સાથે એકાત્મ્ય થવાને કારણે મનુષ્યમાત્રમાં કેવળ કર્મો કરવાનો વેગ ચડી જાય છે અથવા તો દેહાભિમાનથી ક્રિયામાત્રનો ત્યાગ કરીને બેસી જાય છે. છતાં ગીતામાં કહ્યું છે કે જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી કર્મ કર્યા વિના કોઈ પણ ક્ષણ માત્ર રહી શકતો નથી. (૩/૫) આમ પ્રકૃતિની સાથે અર્થાત્દેહભાવને પામીને કર્મ કરે છે અથવા છોડી દે છે તો પણ કર્મ સાથેનો તેનો સંબંધ વિચ્છેદ થતો નથી. ત્યાં સુધી પરમાત્મા સાથે સાચો સંબંધ અનુભવાતો નથી. કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ કર્મયોગમાં જ્ઞાનની અપેક્ષાએ પણ સરળતાથી થઈ જાય છે. એવું ભગવાને બતાવ્યું છે. અહીં माम्‌एति પદોથી ભગવાન એમ કહેવા માગે છે કે તેને મારી પ્રાપ્તિ અથવા મારા સાંનિધ્યની અનુભૂતિ જલ્દીથી થઈ જાય છે. એક ઉત્પત્તિ હોય છે અને એક શોધખોળ હોય છે. ઉત્પત્તિ તેની થાય છે, જેની સ્વતંત્ર સત્તા નથી. જેનો પહેલાં અભાવ હોય છે અને પછીથી તેનો વિનાશ પણ થાય છે. શોધ તેની હોય છે તેની સ્વતંત્ર સત્તા હોય છે. જે પ્રથમથી જ વિદ્યમાન હોય છે અને નિત્યપણે રહે છે; પરંતુ જે ક્રિયા (ખાસ કરીને પોતાની) અને પદાર્થનું મહત્ત્વ માની લેવાથી અહંની આડે ઢંકાઈ ગયું છે. જ્યારે સાધક ક્રિયાઓ અને પદાર્થોથી નોખો પડીને (માનીને) તે ક્રિયાઓ અને પદાર્થોને કેવળ પરમાત્માની અથવા તેના સાચા ભક્તોની સેવામાં લગાડી દે છે. ત્યારે તે સંસારથી આપોઆપ અલગ થઈને પરમાત્માનો સાક્ષાત્અનુભવ કરી લે છે. એને જ શોધખોળ કહેવામાં આવે છે. જો સાધક ક્રિયાઓ અને પદાર્થોથી મનન દ્વારા પોતાને અલગ માની લે અને ક્રિયાઓ-પદાર્થોને ભગવાન અને તેના ભક્તોની સેવામાં ન જોડે તો પણ તે દેહભાવથી મુક્ત તો થાય છે પણ લાંબે કાળે થાય છે અથવા કહો કે ક્રિયા અને પદાર્થનો સંગ તેને વારંવાર કોઈ ને કોઈ માધ્યમથી પકડી લે છે. જો તેને પરમાત્માની કે તેમના સાચા ભક્તોની સેવામાં જોડાય તો તેમના અનુગ્રહ ભળતાં તત્કાળ શુદ્ધ થઈ પરમાત્મામાં જોડાય છે. એટલો ફેર છે.

કર્તવ્યકર્મો નહિ કરીને આળસ-પ્રમાદ કે દેહભાવમાં ભરાઈ રહેવું અને કર્તવ્યકર્મો આદર્શ રીતે કરીને તેના ફળની ઈચ્છા રાખવી-આ બન્ને કારણોથી સાધકને પરમાત્મા સાથે જોડાવામાં અંતરાય રહી જાય છે. આ વિઘ્નને દૂર કરવાનો ઉપાય છે સેવાયોગ કે નિષ્કામ કર્મયોગ. ફળની ઈચ્છા નહિ રાખીને ભગવદ્અર્થે અથવા ભગવાનના ભક્તોના અર્થે કર્મો કરવાં. જેથી તત્કાળ જગત-સંબંધ વિચ્છેદ થઈને પરમાત્માના સંબંધની જીવતાં જ અનુભૂતિ થઈ જાય છે.

वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिता:।
बहवो ज्ञानतपसा पूता मद्‌भावमागता:।।१०।।

અર્થઃ જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂકયા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભકતો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂકયા છે.

वीतरागभयक्रोधा-ભગવાનને દિવ્ય જાણીને અર્થાત્ભગવાનનાં જન્મ, કર્મ દિવ્ય જાણીને કર્મયોગ-સેવાયોગ કરનારા ભક્તો-મહાત્માઓ કેવા હોય તે હવે કહે છે. પરમાત્માથી વિમુખ થતાં અર્થાત્પરમાત્માનો સાચો સંબંધ વિસ્મૃત થતાં નાશવંત સંસારમાં ‘રાગ’ થઈ જાય છે. રાગ થવાથી પ્રાપ્તિમાં ‘મમતા’ અને અપ્રાપ્તમાં ‘કામના’ ઉત્પન્ન થાય છે. રાગવાળા પ્રિય પદાર્થોની પ્રાપ્તિ થતાં ‘લોભ’ ઉત્પન્ન થાય છે; પરંતુ તેમની પ્રાપ્તિમાં વિઘ્ન થવાથી વિઘ્ન પહોંચાડનારા ઉપર-આડખીલી રૂપ થનારા ઉપર ‘ક્રોધ’ થાય છે. જો વિઘ્ન પહોંચાડવાવાળી વ્યક્તિ વધારે બળવાન હોય અને તેના ઉપર પોતાનો અધિકાર ન ચાલી શકતો હોય, સમય આવતા તે પોતાનું અનિષ્ટ જરૂર કરી દેશે. એવી સંભાવના હોય તો ભય ઉત્પન્ન થાય છે. આ રીતે નાશવંત પદાર્થોના રાગમાંથી જ ભય, ક્રોધ, લોભ, મમતા વગેરે તમામ દોષોની ઉત્પત્તિ થાય છે. જો તે ‘રાગ’ દૂર થઈ જાય તો તે બધા દોષો દૂર થઈ જાય છે. પદાર્થોને પોતાના માટે નહિ માનીને, તેનાથી પોતાને અલગ માનીને તે પદાર્થોને ભગવાન અને ભગવાનના સાચા ભક્તોની સેવામાં જોડવાથી આ જીવને અનંતકાળના રાગ ચોટયા છે તે દૂર થાય છે (વચ.ગ.પ્ર.પ્ર.૮) અને તેને વૈરાગ્ય થાય છે ને ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય છે.

પોતાનું કોઈ પ્રયોજન-સ્વાર્થ નહિ હોવા છતાં પણ ભગવાન કેવળ આપણા કલ્યાણને માટે જ અવતાર લે છે. કારણ કે તેઓ પ્રાણધારી માટેના પરમ હિતકારી છે અને તેમની સઘળી ક્રિયાઓ જીવમાત્રના ઉદ્ધારને માટે જ હોય છે. આ રીતે ભગવાનની નિર્હેતુક કરુણા ઉપર વિશ્વાસ આવી જવાથી ભગવાનમાં આકર્ષણ થાય છે. ભગવાનમાં આકર્ષણ થવાથી સંસારનું આકર્ષણ ઓછું થઈ જાય છે અને ધીરે ધીરે તે રાગ દૂર થઈ જાય છે. જેમ કે બચપણમાં બાળકોને કાંકરા-પથરામાં આકર્ષણ થાય છે ને તેને માટે ઝઘડી પડે છે. તેમાં મારું-તારું કરે છે. કારણ કે શેરીના કાંકરા-પથરાની તેને મહત્તા છે માટે મમતા છે. જ્યારે મોટો થતાં રૂપિયામાં મહત્તા સમજાય, ત્યારે કાંકરા-પથરાનું આકર્ષણ આપમેળે જ દૂર થઈ જાય છે. તેમ પરમાત્માનું મહત્ત્વ સમજાતાં સંસારનું આકર્ષણ દૂર થઈ, ક્રોધ-ભય પણ દૂર થઈ જાય છે.

मन्मया ભગવાનનાં જન્મ, કર્મની દિવ્યતાને જાણવાથી અર્થાત્ભગવાનનો મહિમા સમજવાથી તેમાં પ્રીતિ થઈ જાય છે. અતિ પ્રીતિ થવાથી તેમાં ગોપીઓની જેમ તન્મય થઈ જવાય છે. સંસારમાં આસક્ત મનુષ્યો ભોગોમાં અને કામનાઓમાં તન્મય બની જાય છે. कामात्मान: (૨/૪૩) અને ભગવાનમાં આસક્તિવાળા મનુષ્યો ભગવાનમાં તન્મય બની જાય છે. तन्मया: (ના.ભ.સૂ.-૭૦) જાણે પોતાની કોઈ અલગ સત્તા જ ન હોય તેવા તન્મય બની જાય છે.

मामुपाश्रिता:-કોઈને કોઈનો આશ્રય લીધા વિના મનુષ્ય રહી શકતો નથી. ભગવાનથી વિમુખ થઈને જીવ બીજા ઘણાનો આશ્રય લે છે પણ તે અંતે કાયમ ટકતો નથી અને દૂર થતો જાય છે. ધન વગેરે નાશવાન પદાર્થોનો આશ્રય ઊલટો પતન કરવાવાળો હોય છે. એટલું જ નહિ પણ શુભ કાર્યો કરતાં કરતાં પણ બુદ્ધિનો, ભગવત્પ્રાપ્તિનાં સાધનોનો, ભોગ અને સંગ્રહના ત્યાગનો આશ્રય લેવાથી પણ ભગવત્પ્રાપ્તિમાં વિલંબ લાગે છે. જ્યાં સુધી સાધક તમામ આધાર છોડીને ભગવાનનો આશ્રિત નથી બની જતો ત્યાં સુધી તેની પરાધીનતા અને દુઃખ દૂર થતાં નથી અને સતત દુઃખ પામતો રહે છે.

સંસારના પદાર્થોમાં મનુષ્યનું આકર્ષણ અને આશ્રય અલગ અલગ હોય છે. જેમ કે આકર્ષણ સ્ત્રી, પુત્ર વગેરેમાં હોય છે. જ્યારે આશ્રય મોટાઓનો હોય છે. જ્યારે ભગવાનમાં લાગેલા સાધકનું આકર્ષણ ભગવાનમાં હોય છે અને આશ્રય પણ ભગવાનનો જ હોય છે. કારણ કે પ્રિયમાં પ્રિય પણ ભગવાન છે અને મોટામાં મોટા પણ ભગવાન છે.

बहवो ज्ञान तपसा पूता मद्‌भावमागता:-જો કે જ્ઞાનયોગથી પણ મનુષ્ય પવિત્ર થઈ શકે છે તો પણ અહીં ભગવાનના જન્મ અને કર્મને તત્ત્વથી જાણવાને ‘જ્ઞાન’ કહેવામાં આવ્યું છે. આ જ્ઞાનથી મનુષ્ય પવિત્ર બની જાય છે. કારણ કે ભગવાન પવિત્રોથી પણ પવિત્ર છે. पवित्राणां पवित्रं य:। જીવ પણ સ્વરૂપથી તો પવિત્ર જ છે; પરંતુ નાશવંત પદાર્થોને મહત્ત્વ દેવાથી તે હલકો અને અપવિત્ર બની જાય છે. નાશવંત પદાર્થોની મમતા જ આત્માનો મળ છે. (અપવિત્રતા છે) ભગવાનનાં જન્મ-કર્મને તત્ત્વથી દિવ્ય જાણવાથી જીવને તેમાં ભક્તિ થઈ જાય છે અને જગતની મમતા હટી જાય છે ત્યારે સઘળી મલિનતા નષ્ટ થઈ જાય છે. પોતે પરમ પવિત્ર બની જાય છે.

અહીં સોંસરો કર્મયોગનો પ્રસંગ ચાલતો હોવાથી ઉપર્યુક્ત પદોમાં ‘જ્ઞાન’ શબ્દનો અર્થ કર્મયોગનું જ્ઞાન પણ લઈ શકાય છે. કર્મયોગનું જ્ઞાન છે-શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પદ, યોગ્યતા, અધિકાર, ધન વગેરે પ્રાપ્ત થયેલી સામગ્રીને નિષ્કામ ભાવથી પરમાત્મા અને તેના ભક્તની સેવામાં તથા બીજાના હિતમાં વાપરવી. તેનો સદુપયોગ કરવો. તેને પરમાત્માની આપેલી છે એમ માનવી. તેને પોતાની ન માનવી અને પોતાના વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવામાં ન વાપરવી તેનો સદુપયોગ કરવાનો જ આપણો અધિકાર છે. તેને પોતાની અને પોતાના માટે માનવી તથા વાપરવાથી જીવને બંધન થાય છે ને એ જ અપવિત્રતા છે.

આ રીતે નાશવંત વસ્તુઓને પોતાની અને પોતાને માટે ન માનવી એ ‘જ્ઞાનતપ’ છે. ફળની ઈચ્છા નહિ રાખીને બીજાઓનું હિત કરવું એ ‘જ્ઞાનમયતા’ છે. આદર્શપણે ભગવાન ને ભગવાનના ભક્તોની સેવા કરવી અને અહંશૂન્ય રહેવું તથા બદલામાં લાલચ ન રાખવી તે ‘જ્ઞાનમય તપ’ છે. ભગવાન અને ભગવાનના ભક્તોની સેવાની ક્રિયા કરતો જાય અને મને કરીને પોતાને દેહાદિક સર્વથી અને ક્રિયાથી જુદો માનીને નોખો પડતો જાય, એ ‘જ્ઞાનતપ’ છે. (સ્વામીની વાતો) અદલ સજર્ન કરવું અને તેમાં બંધાવું નહિ, નિર્લિપ્ત રહેવું એ ‘જ્ઞાનમયતપ’ છે. પરમાત્મા સૃષ્ટિ સર્જીને તેવું કરે છે. પુરુષાર્થ દ્વારા સજર્ન જ ન થઈ શકે તે નમાલિયત છે. સજર્ન કરીને તેમાં રાગ કે તે અંગેનો અહં ન મૂકી શકે તે બીજી નમાલિયત છે. કરીને ન બંધાવું તે તપ છે. એવી રીતે સેવાયોગ કે કર્મયોગ કરવો તે પરમાત્માની રીત છે. (ये मे मतमिदम्‌ ૩/૩૧) જો સાધક તે પ્રમાણે કરતા શીખે તો ‘तपसापूता मद् (तद्) भावमागता: ગણાય. જેનાથી મનુષ્ય પરમ પવિત્ર બની જાય છે. જેટલાં કાંઈ તપ છે, તે બધાંથી વધીને ‘જ્ઞાનમય તપ’ છે. જેટલો આ જડ અને નાશવંત સંસારથી આ તપ સંબંધ તોડાવે છે, એટલો બીજી કોઈ તપશ્ચર્યા તોડાવી શકતી નથી. સ્થૂળ તપસ્યાનું ફળ ‘दोषतनुकरण’ છે.(યોગસૂત્ર) આ તપસ્યાનું ફળ मद्‌भावमागता: છે. ભગવાનના ભાવને પામી જવું એટલે શું?

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि।। (૩/૨૨)

મારે કાંઈ કરવાનું નથી ને હું કાંઈ કરવાનો નથી. મારે કાંઈ મેળવવા મહેનત કરવાની નથી ને મહેનત વિના હાથમાં આવી ગયું તે કોઈને દેવાનો નથી. એમ માની લે એટલે मद्‌भावमागता: થઈ ગયાને ! આ ભગવાને કહેલી તપશ્ચર્યાનું ફળ मद्‌भावमागता: છે અર્થાત્ભગવાન કહે છે કે, મારે કાંઈ મેળવવાનું નથી કે કર્તવ્ય શેષ નથી. તો પણ હું બીજાના હિત માટે કરું છું; વળી સાવધાન થઈને કરું છું. તો પણ તેમાં સાંગોપાંગ નિર્લિપ્ત રહું છું. પ્રચંડ પુરુષાર્થ કરીને પણ ન બંધાવું એ ભગવાનનો ભાવ છે. સૃષ્ટિ કરીને ભગવાન એ બતાવે છે કે, સાધક પણ ભગવાનને સાથે રાખીને નિષ્કામ સેવા યોગ કરે તો ભગવાન તો નથી થઈ શકતો પણ તેના ભાવને તો પામી જાય છે અર્થાત્જગતના બંધનથી નિર્લિપ્ત તો રહી શકે છે, ને થઈ શકે છે. પહેલાં પણ ઘણાય ભક્તો ‘જ્ઞાનતપ’ થી પવિત્ર બનીને ભગવાનને પ્રાપ્ત થઈ ચૂકયા છે. कर्मणैव हि संसिद्धिमास्थिता: जनकादय: (૩/૨૦) સંપ્રદાયમાં પણ નિષ્કામભાવે સેવા કરીને અનેક સંત-ભક્તો મહારાજને પામી ગયા છે. માટે વર્તમાન સાધકોએ પણ આ તપશ્ચર્યા કરવા જેવી છે ને ભગવાનને પામી જવા જેવું છે. ભગવાને માનવ શરીર ભગવાનને પામવા માટે આપ્યું છે.

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्‌।
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश:।।११।।

અર્થઃ હે પાર્થ ! જે ભકતો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું; કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગને અનુસરે છે.

ये यथा मां… भजाम्यहम्‌-ભક્ત ભગવાનનું જે ભાવથી, જે સંબંધથી, જે રીતે શરણ લે છે. ભગવાન પણ તેને અનુરૂપ ભાવથી, સંબંધથી તેને આશ્રય આપે છે. જેવી રીતે ભક્ત ભગવાનને પોતાના ગુરુ માને છે તો તેઓ શ્રેષ્ઠ ગુરુ બની જાય છે. શિષ્ય માને છે તો તેઓ શ્રેષ્ઠ શિષ્ય બની જાય છે. પુત્ર માને તો આદર્શ પુત્ર બની જાય છે. ભાઈ માને તો શ્રેષ્ઠ ભાઈ બની જાય છે. સખા માને તો શ્રેષ્ઠ સખા બની જાય છે. નોકર માને તો શ્રેષ્ઠ નોકર બની જાય છે. ભકત ભગવાન વિના વ્યાકુળ બની જાય તો ભગવાન પણ ભક્ત વિના વ્યાકુળ બની જાય છે. અર્જુનનો ભગવાન પ્રત્યે સખાભાવ હતો અને પોતે તેને સારથિ બનાવવા ચાહતા હતા તો ભગવાન સખાભાવથી તેના સારથિ બની ગયા. વિશ્વામિત્ર ઋષિએ પોતાના શિષ્ય માન્યા તો ભગવાન રામ તેના શિષ્ય બની ગયા. આ રીતે ભક્તોના શ્રદ્ધાભાવ અનુસાર ભગવાનનો તેવા જ બનવાનો સ્વભાવ છે. અનંત બ્રહ્માંડોના સ્વામી એક સાધારણ મનુષ્યોના ભાવો અનુસાર વર્તાવ કરે એ એમની અમાપ કરુણા છે. ખરેખર તો ભગવાન ભક્તો માટે જ અવતાર ધરે છે. બીજાં કાર્યો તો અવાંતર છે. તે જ મુખ્ય પ્રયોજન છે. ભક્તો જે ભાવથી ભગવાનની સેવા કરવા ઈચ્છે છે, ભગવાનને તેમને માટે એવા રૂપમાં જ આવવું પડે છે.

અહીં આવેલા ‘યથા’ અને ‘તથા’ આ પ્રકારવાચક શબ્દો સંબંધ ‘ભાવ’ અને ‘લગની’ પરક છે. અર્થાત્ભક્ત જેવા સંબંધથી મારામાં જોડાણ ઈચ્છે છે, તેને અનુરૂપ હું સંબંધ સ્વીકારીને, જે સમર્પિત ભાવ ઉરમાં ધારીને મારી સામે આવે છે તો તેના જેવી જ ભાવના રાખીને અને જેટલી લગનીથી મારી સામે ચાલે છે, તેટલી જ લગની રાખીને વર્તું છું. ભગવાન તો સર્વ શક્તિમાન, સર્વજ્ઞ, પરમ સૃહૃદ અને સત્ય સંકલ્પ છે. જરૂર તો ભક્તને કેવળ પોતાની પૂરી શક્તિ લગાડી દેવાની છે. પછી ભગવાન પણ પોતાની પૂરી શક્તિથી ભક્તને અનુભાવ આપે છે. ભગવાનની પ્રાપ્તિમાં વિલંબ અને વિઘ્ન સાધક પોતે જ ઊભું કરે છે. કેમ કે ભગવાનની પ્રાપ્તિને માટે તે સમજણ, સામગ્રી, સમય અને સામર્થીને પોતાની માનીને ભગવાનથી પણ સઘંરી રાખે છે. પોતાના અંગત માનીને ભગવાનની તરફેણમાં (પ્રત્યે) યોજતો નથી; પરંતુ પોતાની પાસે બચાવીને રાખી મૂકે છે. જે મૃત્યુ થાય તો વ્યર્થ જાય છે અથવા વાપરે તો ભગવાન સિવાય ઈતર દેહ, કુટુંબ ભોગમાં વાપરીને મોટો ભાર ભેળો કરે છે. જો તેમને પોતાની નહિ માનીને, તેનાથી અલગ પડીને તેમને ભગવાન માટે યોજી દે તો તુરત પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. કારણ કે આ બધી સામગ્રી તેની પોતાની નથી. તેને ભગવાન પાસેથી પ્રાપ્ત થઈ છે. તેના સાચા માલિક પરમાત્મા છે. સાધકે પોતે અલગાવ ઊભો કર્યો છે, ભગવાને નહિ.

શરણાગતિ સર્વ ભક્તિમાં શ્રેષ્ઠ છે. સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે. અહીં ભગવાન આપણને એ કહી રહ્યા છે કે તમે પોતાનું સર્વ કાંઈ મને સોંપી દો તો હું પણ મારું સર્વ કાંઈ તમને દઈ દઈશ. તમે પોતાની જાતને મને દઈ દેશો તો હું પણ પોતાની જાતને તમને દઈ દઈશ. જુઓ ભગવાનની પ્રાપ્તિનો કેટલો સરળ અને સસ્તો સોદો છે. એવો સોદો દુનિયામાં કયાંય શક્ય નથી. એક ભગવાન જ આવો સોદો કરી શકે છે. આપણી જાતને ભગવત્ચારણોમાં સમર્પિત કર્યા બાદ ભગવાન ભક્તની પુરાણી ત્રુટિઓને યાદ સુદ્ધાં કરતા નથી. તેઓ તે સાધકના હૃદયના વર્તમાન ભાવોને જ જુએ છે. આ શ્લોકમાં કોઈ શાસ્ત્રીય વિષયોનું વર્ણન નથી. કેવળ ‘‘ભગવાન મારા છે ને હું ભગવાનનો છું, અને બીજું કોઈ મારું નથી અને હું બીજા કોઈનો નથી’’-આટલું ભગવાનમાં પોતાપણું હૃદયથી કરે તો તેને સંપૂર્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. આથી સાધકે કેવળ ભગવાનમાં જ પોતાપણું માનવું જોઈએ. (જે વાસ્તવમાં છે) ચાહે સમજમાં આવે કે ન આવે પણ જો માની લે તો ધીરે ધીરે તેની અનુભૂતિ થઈ જશે. જે વાસ્તવિક નથી. તેને પણ માની લેવાથી સંસારના જૂઠા સંબંધો સાચા જેવા ભાસવા લાગે છે તો જે સંબંધ અનાદિનો છે, નિત્ય છે તે કેમ ન અનુભવાય? જરૂર અનુભવાશે. આ શ્લોકમાં પોતાની ઉપાસના જીવને સુલભ છે. એ તો આગળ બતાવ્યું હતું પણ અહીં તેથી આગળ જઈને એક એકના ઈચ્છિત ભાવો પણ પૂરા કરે છે. તે ભગવાનની સુલભતાની પારાકાષ્ઠા ગણાય. तांस्तथैव भजाम्यहम्‌ અર્થાત્સેવકોને પ્રતિ સેવ્ય પરમાત્માનું ભજવું એટલે તેની ઈચ્છાધીન પોતાનું સુલભ દર્શન, સ્પર્શ, સંબંધ વગેરે ‘‘ભક્તોની ઈચ્છાનુસાર આપવું.’’ તે છે.

ममवर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: –

ममवर्त्मानुवर्तन्ते અર્થાત્મારા માર્ગને મનુષ્યો અનુસરે છે. એવો અર્થ નહિ લઈ શકીએ. કારણ પ્રથમ ભાગમાં બતાવ્યું કે ભક્તોની ઈચ્છાને પોતે અનુસરે છે. તો પછી પોતાના માર્ગને ભક્તો અનુસરે છે, એવું એ જ શ્લોકમાં કેમ કહી શકાય? માટે અહીં પોતે પસંદ કરેલો માર્ગ, પોતાનો આચાર કે પોતે સ્થાપિત કરેલી મર્યાદા એવો અર્થ લઈ શકાતો નથી. સુલભતા પ્રકરણ હોવાથી वर्त्म-શબ્દનો અર્થ પોતાનું સ્વરૂપ-સ્વભાવ એવો લેવામાં આવે. (તા.ચં. તથા રામા.ભાષ્ય) अनुवर्तन्ते એટલે અનુભવમાં આવે છે એવો અર્થ લેવામાં આવે તો પ્રકરણને અનુરૂપ અર્થ થશે. અર્થાત્ભગવાનનું કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમ ભક્ત જે ભાવથી મારામાં જોડાય છે તેને અનુરૂપ ભાવથી સંબંધથી અને તેવી જ લગનથી હું તેને સાનુકૂળ બનું છું. જેથી યોગીઓને પણ મન, વાણીથી અગોચર એવું મારું જે સ્વરૂપ, સ્વભાવ છે તેને સામાન્ય (સર્વશઃ) એટલે કે સ્ત્રી -બાલ-વૃદ્ધ સુદ્ધાં અનુભૂતિ કરી શકે છે. તે પણ સ્વઅપેક્ષિત ભાવથી તેની અનુભૂતિ કરી શકે છે.

અહંકાર રહિત થઈને, સ્વાર્થનો ત્યાગ કરીને ભગવાનમાં કરેલો પ્રેમ તો ભગવાન માની જ લે છે; પરંતુ તે જ ભાવથી ભક્તોમાં કરેલ પ્રેમને પણ પોતે જ સ્વીકારી લે છે. તેથી પણ આગળ ભગવાનની આરાધનાના શુદ્ધ આશયથી સંસારના કોઈપણ શુભ પદાર્થ કે શુભ વિષયમાં કરેલો પ્રેમ પણ ઠેઠ પરમાત્મા સુધી પહોંચી શકે છે. પરમાત્મા સ્વીકારે પણ છે. તેમાં મુખ્ય વિઘ્ન તો પોતાનો અહંકાર છે. સ્વભાવ જેટલો ઘાતક બીજો કોઈ પદાર્થ છે જ નહિ. અહંકારી અથવા સ્વાર્થી (મતલબી) માણસ દુનિયામાં પોતાના સંબંધી કે નજીકના વર્તુળને પણ પ્રેમ કે સમર્પણ આપી શકતો નથી તો ભગવાનને કયાંથી પ્રેમ કરી શકે ? અહંકાર અને સ્વાર્થ પોતાના પ્રેમને પણ સીમિત બનાવી દે છે અને ભગવાનને માર્ગે ચાલેલા સાધકોને પણ સંસારમાં ધકેલી દે છે. જો કે સાધકો ત્યારે પણ એવું માનવા તૈયાર થતા નથી કે આપણે સંસારમાં ધકેલાઈ ગયા છીએ. તેઓ તો પોતાને જ સાચા માનીને આગળ વધી રહ્યા હોય છે પણ જોઈએ તેવું પરિણામ આવતું નથી.

काङ्‌क्षन्त: कर्मणां सिद्धिं यजन्त इह देवता:।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा।।१२।।

અર્થઃ આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે; કેમ કે એમને કર્મોર્થી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે.

काङ्‌क्षन्त: कर्मणां सिद्धिं यजन्त इह देवता:। અવતાર સંબંધી ચર્ચા પૂરી કરીને હવે ફરી પાછો કર્મયોગનો વિષય ભગવાન શરૂ કરે છે. પ્રથમ કર્મયોગના અધિકારીની દુર્લભતા કહે છે. સર્વે મનુષ્યો કર્મ કરીને તેના ફળની પ્રબળ ઈચ્છા હોવાથી મોટે ભાગે દેવતાઓની જ આરાધના પસંદ કરે છે અર્થાત્આદરે છે પણ કોઈ એવો વિરલો જડતો નથી કે કર્મ આદર્શરૂપે કરીને તેનું ફળ પરમાત્માને સમર્પણ કરે. નિષ્કામ કર્મયોગ કરે એવો કોઈ વિરલ જ હોય છે .જે પોતાને મુમુક્ષુ તરીકે ને સાધક તરીકે ગણાવે છે તે પણ કેવળ ભગવાનને ખાતર અર્થાત્મહારાજને ખાતર નથી કરી શકતા. કંઈક આ લોકનો સ્વાર્થ ઊભો કરે તો જ કર્મનું પેટ્રોલીંગ થાય છે. કેવળ પરમાત્માને માટે કરવામાં કોઈને ઉત્સાહ રહેતો નથી. ત્યારે શંકા થાય છે કે મહાન ફળનો ત્યાગ કરીને આ લોકના ક્ષુદ્ર ફળની માણસોને કેમ ઈચ્છા થાય છે? તો તેના ઉત્તરમાં કહે છે કે

क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा।

ક્ષુદ્ર ફળવાળું હોવા છતાં મહાન ફળનો ત્યાગ કરીને શા માટે ઈચ્છે છે? તેના કારણમાં ભગવાન બે શબ્દો બતાવે છે કે क्षिप्रं मानुषे-એક તો આ લોકની માણસને આસક્તિ દેખાય છે. ‘‘પરલોકમાં ઝાઝું સુખ અમારે નથી જોઈતું. આ લોકનું થોડું હોય તો પણ તે આપી દો.’’ તેવી રીતે ફલાસક્તિ છે. क्षिप्रं-હમણાં જ. આ આંખોએ દેખાય એવું આપો. તેને માટે કર્મયોગથી ફલત્યાગથી–त्यागात्‌ शान्तिरनन्तरम्‌ (१२/१२) અનંત શાંતિ મળે છે. સદાને માટે દુઃખોથી મુક્તિ મળે છે. પરમાત્માનો અનંત આનંદ મળે છે પણ તે હમણાં નથી મળતો. વધારે તો મૃત્યુ પછી જ મળે છે. તેટલી વાટ જોવાની ધીરજ સાધકમાં પણ નથી. હમણાં અને અહીં જેટલું મળતું હોય એટલું અમને આપી દો. એને માટે તેને દેવતાની આરાધના કરવી પડે છે. દેવતા મોક્ષનું સુખ નથી આપતા. એ તો આ લોક-સ્વર્ગ વગેરે સુખ આપી શકે છે. પરમાત્માનું ધામ તો પરમાત્મા જ આપી શકે છે પણ પરમાત્મા આ લોકની આસક્તિ છોડાવવા આ લોકનું જલદી આપતા નથી. માટે કર્મયોગથી પરમાત્માની આરાધના કરવાવાળા કોઈ મળતા નથી. યજ્ઞાદિકથી દેવતાની આરાધના અર્થાત્ઈહલૌકિક ફળ જ્યાંથી મળે તેવી આરાધના કરવા સૌ સાધકો પણ લાગી જાય છે. તેમાં મુખ્ય કારણ ભોગોની કામના છે.

ભગવાન પિતા સમાન છે અને દેવતા દુકાનદાર સમાન છે. જો દુકાનદાર વસ્તુ ન આપે તો તેને પૈસા લેવાનો અધિકાર નથી; પરંતુ પિતાનો પૈસા લેવાનો પણ અધિકાર છે અને વગર પૈસે વસ્તુ આપવાનો પણ અધિકાર છે. બાળકને પિતા પાસેથી કોઈ વસ્તુ લેવા માટે કોઈ કિંમત આપવી પડતી નથી. જ્યારે દુકાનદાર પાસેથી વસ્તુ લેવા માટે કિંમત આપવી પડે છે. એવી જ રીતે ભગવાન પાસેથી કોઈ વસ્તુ લેવામાં કોઈ મૂલ્ય આપવું પડતું નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ-હવા, પાણી, ખોરાક વગેરે પરમાત્મા પૂરી પાડે છે. તે માટે કોઈ આરાધના પણ કરવી પડતી નથી. જ્યારે દેવતાઓ પાસેથી કાંઈ વસ્તુ મેળવવા વિધિપૂર્વક કર્મો કરવાં પડે છે. દુકાનદાર પાસેથી બાળક દિવાસળી, ચાકુ, ગુટખા વગેરે હાનિકારક વસ્તુઓ પણ પૈસા આપીને ખરીદી શકે છે; પરંતુ જો પિતા પાસેથી એવી હાનિકારક વસ્તુઓ માગે તો પિતા આપશે નહિ ને પૈસા પણ લઈ લેશે. પિતા એ જ વસ્તુ આપશે જેમાં બાળકનું હિત હોય. દેવતા લોકો પોતાની ઉપાસના કરનારાને તેમનું હિત-અહિતનો વિચાર કર્યા વિના તેમની ઈચ્છિત વસ્તુઓ આપી દે છે. પરમપિતા ભગવાન પોતાના ભક્તોને પોતાની ઈચ્છાથી તે જ વસ્તુઓ આપે છે, જેમાં તેમનું પરમ હિત હોય. આમ હોવા છતાં પણ નાશવંત પદાર્થોની આસક્તિ, મમતા અને કામનાને કારણે અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો ભગવાનની મહત્તા અને કરુણાને નથી જાણતા. એટલા માટે તેઓ અજ્ઞાનવશ દેવતાઓની ઉપાસના કરે છે. (૭/૨૦) કામનાવાળા મનુષ્યોની દૃષ્ટિ શીધ્ર મળનારા ફળ ઉપર અને આ લોકમાં મળવાવાળા ફળ ઉપર તો જાય છે; પરંતુ તેના મોહને કારણે નાશ તરફ જતી નથી. વિધિપૂર્વક સાંગોપાંગ કરવામાં આવેલાં કર્મોનું ફળ આ લોકમાં જ પ્રાપ્ત થાય તેવું અને શીધ્રપણે દેવતા પાસેથી મળ્યા કરે છે. જ્યારે નિષ્કામ કર્મયોગનું ફળ તેની અપેક્ષાએ વિલંબથી મળે છે. વળી જેનો ફાયદો મોટા ભાગે મૃત્યુ પછી મળવાનો છે તેથી વિવેકહીન મનુષ્યો નિષ્કામ ભાવથી ભગવાન કે ભક્તોની સેવા અથવા નિષ્કામ કર્મયોગ કરવા ઝાઝા તૈયાર થતા નથી. પરિણામ સ્વરૂપે વારંવાર જન્મમરણમાં ફરતા રહે છે.

चातुर्वर्ण्यं मयासृष्टं गुणकर्मविभागश:।
तस्य कर्तारमपि मां विद्धयकर्तारमव्ययम्‌।।१३।।
न मां कर्माणि लिम्पन्ति न मे कर्म फले स्पृहा।
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते।।१४।।

અર્થઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર-આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે; આ પ્રમાણે એ સૃષ્ટિરચના વગેરે કર્મનો કર્તા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતાં-આ પ્રમાણે જે મને તત્ત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બંધાતો.

चातुर्वर्ण्यं मया…ભગવાને પોતાના અવતરણનો હેતુ બતાવ્યા (૮મા શ્લોકમાં) પછી પોતાનાં જન્મ-કર્મ દિવ્ય જાણવાના કહ્યાં. પછી કહ્યું કે કર્મજન્ય સિદ્ધિ ઈચ્છવાથી જ કર્મોમાં અદિવ્યતા (મલિનતા) આવી જાય છે. આથી કર્મોમાં દિવ્યતા કેવી રીતે આવે એને માટે ભગવાન પોતાનાં કર્મોની દિવ્યતાનું પૃથ્થકરણ કરીને વિશેષ સમજાવે છે. ભગવાને આ સૃષ્ટિ રચી. તે જીવે પૂર્વ જન્મમાં સત્ત્વ, રજ, તમોગુણને અનુસારે કરેલાં કર્મો પ્રમાણે રચી છે. તે કર્મોમાં ત્રણ ગુણનું ન્યૂનાધિકપણું-ઓછાવત્તાપણું રહેલું છે. માટે સૃષ્ટિ રચના સમયે તે ગુણો અને કર્મોને અનુસારે ભગવાન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણની રચના કરે છે. चातुर्वर्ण्यं શબ્દ અહીં ઉપલક્ષ્ય તરીકે વપરાયો છે પણ ભગવાન તમામ સૃષ્ટિની રચના તે ગુણોને આધારે અને ગુણમયી પ્રકૃતિથી કરે છે. એટલું જ નહિ પણ मयासृष्टं કહીને સૃષ્ટિ કરી એટલું જ નથી. ભગવાન સૃષ્ટિ કરીને પોષણ-સ્થાન આદિક પણ કર્માનુસાર જ કરે છે ને અંતે પ્રલય પણ તેને અનુસરીને કરે છે. તેથી ભગવાન સૃષ્ટિના કર્તા-મુખ્યકર્તા તો ભગવાન પોતે છે. બ્રહ્માદિ તો તેના માધ્યમ છે. વળી મનુષ્યમાં જેમ કર્માનુગુણ ચાર વર્ણ છે તેમ પશુ, પક્ષી, વૃક્ષ વગેરે સૃષ્ટિમાં પણ ચાર પ્રકાર હોય છે જેમ કે પક્ષીઓમાં કબૂતર વગેરે બ્રાહ્મણો, બાજ વગેરે ક્ષત્રિયો, સમડી વગેરે વૈશ્યો, કાગડો, ગીધ વગેરે શૂદ્રો, વૃક્ષોમાં પીપળો વગેરે બ્રાહ્મણો, લીમડો વગેરે ક્ષત્રિયો, આમલી વગેરે વૈશ્યો, બાવળ વગેરે શૂદ્રો. છતાં અહીં કેવળ મનુષ્યોને જ વિશેષ લીધા છે કારણ કે આ વિભાગને કેવળ મનુષ્યો જ સમજી શકે છે અને સમજીને તે પ્રમાણે વર્તી શકે છે. કર્મ કરવાનો મનુષ્યોનો જ અધિકાર છે. માટે વિશેષે કરીને મનુષ્યોપરક જાણવાનું છે.

तस्य कर्तारमपि मां विद्धयकर्तारमव्ययम्‌ અહીં એક ભગવાનના સંબંધમાં જ ‘कर्तारम्‌’ અને ‘अकर्तारम्‌’ બન્ને શબ્દો આવ્યા છે. ખરેખર, મુખ્ય શબ્દ ‘कर्तारम्‌’ છે. ભગવાન આ સમગ્ર સૃષ્ટિના નિશંકપણે રચયિતા છે, કર્તા છે. એટલું જ નહિ, તેના સંભર્તા (પોષણકર્તા) અને સંહર્તા (વિનાશ-પ્રલય કરનાર) પણ પોતે જ છે. તેમાં શંકા નથી. માટે કર્તા શબ્દ મુખ્ય ગણાય અને अकर्तारम्‌’ ગૌણ ગણાય તો પણ અહીં મહત્ત્વનો ભાગ ‘अकर्तारम्‌’ શબ્દ જ છે. આ વાક્યરચના એવી છે કે ‘પાણીમાં પડવા છતાં ડૂબ્યો નહિ’ પાણીમાં પડયો એ નિશ્ચિત જ છે પણ તોય ડૂબ્યો નહિ. એ તેનો મહિમા છે, અદ્ભુતતા છે. તેવી જ વાક્યરચના અહીં થયેલી છે. ભગવાન સૃષ્ટિના કર્તા-હર્તા છે એ નિશ્ચિત જ છે. છતાં અકર્તા છે એ તેનો મહિમા છે. અહીં ‘अकर्तारम्‌’ પદ કર્મો કરતા હોવા છતાં પણ કર્તૃત્વાભિમાનનો અભાવ બતાવવા માટે વપરાયો છે, નહિ કે કર્માભાવ બતાવવા માટે. ભગવાનમાં કર્માભાવ-અર્થાત્ક્રિયાભાવ કે પુરુષાર્થનો અભાવ બિલકુલ નથી. ક્રિયાભાવ કે પુરુષાર્થનો અભાવ તો દેહભાવ કે દેહાભિમાનની નિશાની છે. જ્યારે કર્તૃત્વાભિમાનનો અભાવ તો ભગવદ્ભાવની નિશાની છે; પરંતુ તેને સાબિત કરવા માટે ક્રિયાની હાજરી સંપૂર્ણપણે જરૂરી છે અને પછી ભગવાનને ‘अकर्तारम्‌’ કહ્યા છે. ભગવાન સૃષ્ટિની તમામ જરૂરી ક્રિયાઓ સજર્ન, પાલન, સંહાર વગેરે સઘળાં કર્મોને કરતા હોવા છતાં પણ ભગવાન તે કર્મોથી સર્વથા નિર્લિપ્ત જ રહે છે.

વળી સૃષ્ટિની રચનામાં ભગવાન જ ઉપાદાન કારણ છે અને તેઓ જ નિમિત્ત કારણ છે. માટીથી બનેલા પાત્રમાં માટી ઉપાદાન કારણ છે. કુંભાર નિમિત્ત કારણ છે. માટીથી પાત્ર બનવામાં માટી વ્યય બની જાય છે અર્થાત્માટીનો જથ્થો ખર્ચાય છે અને તે બનાવવામાં કુંભારની શક્તિ પણ ખર્ચાય (વ્યય) છે; પરંતુ સૃષ્ટિની રચનામાં ભગવાનનો કાંઈપણ વ્યય થતો નથી. તેઓ જેમ છે તેમના તેમ જ રહે છે. કમસેકમ કુંભાર શ્રમ કાર્ય કરે તો તેને થાક લાગે છે. બીજા કોઈપણ કાર્ય કરે તો તેને થાક લાગે છે (વ્યય) પણ ભગવાનને તેનો કોઈ થાક પણ લાગતો નથી. માટે અહીં ‘कर्तारम्‌’ ના વિરુદ્ધમાં ‘अकर्तारम्‌’ અને अव्ययम्‌’ બે શબ્દો લખ્યા છે. જે પરમાત્માનો મહિમા સૂચવનારા છે. જીવ પણ પરમાત્માનો અંશ જ છે. તે પણ જો શરીર વગેરે સઘળી સામગ્રી પરમાત્માને માટે અથવા તેમના અનન્ય ભક્તોને માટે કે બીજાના હિતમાં સદુપયોગ કરે તો તેને પણ પોતાની અવ્યયતાનો અનુભવ થશે અથવા તો એમ કહો કે પરમાત્માની અવ્યયતાની અનુભૂતિનું પાત્ર તો બની જ જશે.

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा। ઉપરના શ્લોકમાં બતાવ્યું કે ભગવાન કર્તા પણ છે અને અકર્તા પણ છે. કોઈ પણ એક જ કાર્યમાં પોતે કર્તા પણ હોય ને અકર્તા પણ હોય તેવું કેમ બની શકે ? અસંભવ વસ્તુ કેમ બને? તો તેનું સ્પષ્ટીકરણ કરે છે. સૃષ્ટિ રચે છે, માટે ભગવાન કર્તા તો છે; પરંતુ સૃષટિની જે વિષમતા છે તે ભગવદ્પ્રયુક્ત નથી. અર્થાત સૃષ્ટિની વિચિત્રતામાં ભગવાન કારણરૂપ નથી, માટે પરમાત્માનું અકર્તૃત્વ છે, અકર્તા છે. વિશ્વરચના વગેરે સમસ્ત કર્મો કરતા હોવા છતાં પણ ભગવાનનો તે કર્મો સાથે કાંઈ પણ સંબંધ નથી અર્થાત્તેમાં પરમાત્મા અતિ અસંગપણે રહ્યા છે. જેમાં બંધનનો બિલકુલ અભાવ છે. જ્યારે કાર્ય સંપૂર્ણ પોતે કરે છે. તેમાં પોતે નિરપેક્ષ છે. કોઈની પણ અપેક્ષા નથી એવા સમર્થ છે. એકલા જ પૂર્ણ થઈ પડે છે ને સજર્ન કરે છે. એટલું ને એટલું જ સામે કાર્ય કરે છે, તેની કયાંય કોઈ ભાગમાં આસક્તિ નથી. પરમાત્માની કર્મમાં વિષમતા, પક્ષપાત વગેરે દોષો લેશમાત્ર નથી. કારણ કે ભગવાનને કિંચિંત્માત્ર આસક્તિ નથી, મમતા કે કામના નથી અને એટલા માટે જ તે કર્મો ભગવાનને લિપ્ત કરતા નથી. કર્મ કે કર્મનાં ઉપકરણ એવાં શરીર, બુદ્ધિ, ગુણ કે પદાર્થોમાં જ્યારે આસક્તિ, મમતા કે કામના થાય ત્યારે વ્યક્તિ પક્ષપાત કે વિષમતા કર્યા વિના રહી શકતો જ નથી. સૃષ્ટિ વિષમતામાં પરમાત્મા કારણરૂપ નથી. સૃષ્ટિ રચનામાં જરૂરી અને એકમાત્ર કારણરૂપ છે પણ વિષમતાનું કારણ તો જીવોના પોતાનાં પૂર્વ કર્મો છે. જેમ પૃથ્વી, જળ વગેરે સામાન્ય અને મુખ્ય કારણ હોવા છતાં વિચિત્ર અંકુરો અને વિચિત્ર ફળ-કેરી, લીંબોળી, લીંબુ વગેરેમાં પોતાનાં બીજ કારણરૂપ છે, નહિ કે પૃથ્વી જળ કે વાવનારો. તેમ સૃષ્ટિ વિચિત્રતામાં જીવોનાં કર્મો કારણરૂપ છે. આથી ભગવાન સૃષ્ટિ કરવા છતાં અકર્તા છે. વળી પોતાને કર્મફળમાં કોઈ સ્પૃહા નથી. તેથી પણ ભગવાન અકર્તા છે. કર્મફળનો અભિપ્રાય ભોક્તૃત્વપરક છે. કર્તૃત્વ એ ભોક્તૃત્વાનુબંધી છે અર્થાત્જ્યાં સુધી સંસારના ઉત્પત્તિ-વિનાશશીલ પદાર્થોમાં ભોકતૃત્વભાવ છે ત્યાં સુધી કોઈ ને કોઈ કર્મ (ક્રિયા)માં તેનો કર્તાભાવ જવાનો નથી. ઉત્પત્તિ-વિનાશશીલ પદાર્થમાત્ર કર્મફળ છે. તેની સ્પૃહા એ કર્તાપણાના અભિમાનને પકડી રાખે છે, જીવિત રાખે છે. જો તે ઊથલી જાય તો (કર્તૃત્વભાવ) પણ ઉન્મૂલ થઈને તે વ્યક્તિ કર્મ કરવા છતાં અકર્તા બની જાય છે. ભગવાન કહે છે न मे कर्मफले स्पृहा-મને કર્મફળની કોઈ આસક્તિ તો નથી અને સ્પૃહા પણ નથી. આ સૃષ્ટિ રચી છે તે મેં મારાં ભોગ સિદ્ધ કરવા નથી કરી પણ સૃષ્ટિમાં સર્જાયેલા જીવોના ભોગ સિદ્ધ કરવા માટે કરી છે. મેં મારા બુદ્ધિ, ઈન્દ્રિય, મન, પ્રાણ, શાંતિ મેળવવા કે પંચવિષય-ભોગ પામવા આ સૃષ્ટિ નથી કરી પણ

बुद्धिइन्द्रियमन प्राणान्‌ जनानां असृजत्‌ प्रभु:।
मात्रार्थां च भवार्थं च आत्मनेऽकल्पनाय च।।

જીવોનાં કરણ કલેવર ભોગ સિદ્ધ કરવા કરી છે. જ્યારે ભગવાન અને જીવમાં એ જ તફાવત છે. કોઈ જીવ બીજાના ભોગ (સિવાય કે પોતાના માન્ય હોય તેને માટે) સિદ્ધ કરવા માટે કશું જ કરતા નથી. ભગવાને કરણ કલેવર આપ્યાં છે. તેની તરફેણમાં પણ કશું કરતો નથી. જ્યારે ભગવાન કહે છે મારે તો અનાદિના કરણ કલેવર, ભોગ સિદ્ધ જ છે. તેને માટે મારે કશું કરવાનું નથી. માટે સૃષ્ટિ કરવામાં મારું કોઈ પ્રયોજન નથી. કેવળ જીવનું જ પ્રયોજન છે. માટે હું અકર્તા છું. અહીં ભગવાનનો એમ અભિપ્રાય છે કે તમે પણ એવા ભાવથી કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કરશો તો તમે પણ કર્મથી બંધાશો નહિ. આગળના શ્લોકમાં ભગવાન પોતાને કર્તૃત્વ ભાવનાથી રહિત બતાવે છે. આ શ્લોકમાં ભગવાન ‘न मे कर्मफले स्पृहा’ દ્વારા भोक्तृत्व ભાવ રહિત બતાવે છે. આ બન્ને ભાવના જ સંસાર છે. ક્રિયા કરવી એ સંસાર નથી. ક્રિયા તો ઊલટી ભગવાન કે ભગવાનના ભક્તને અર્થે થાય તો સંસારના પૂર્વ બંધનને પણ તોડનારી બની જાય છે.

इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते

મનુષ્યમાં જ્યારે આસક્તિ, મમતા અને કામના ઉત્પન્ન થાય છે ત્યારે તેની દૃષ્ટિ નાશવંત પદાર્થો, ક્રિયાઓ અને ભાવનાઓ ઉપર જ રહે છે. તેથી જ તે નિત્ય એવા ભગવાનને કે નિત્યભાવમાં સ્થિર થયેલા મહાત્માઓને નથી જાણી શકતો; પરંતુ જ્યારે મનની એ બધી મલિનતા દૂર થઈ જાય છે ત્યારે અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. પછી ભગવાન તરફ તેની દૃષ્ટિ આપોઆપ સ્થિર થાય છે અને ત્યારે તેને ભગવાન તત્ત્વનું જ્ઞાન થાય છે કે ભગવાન શું પદાર્થ છે ? ત્યારે તેને ભગવાનની અને તેની તમામ ક્રિયાઓ, ચેષ્ટાઓની દિવ્યતાનું દર્શન થાય છે. ભગવાન દ્વારા થતી સઘળી ક્રિયાઓ પ્રાણીમાત્રના હિતને માટે જ હોય છે. તેના મારમાં પણ પ્યાર હોય છે ને તેના કોપમાં પણ પરમ હિતકારિતા હોય છે. તે જીવોને કર્મના બંધન થકી રહિત કરવાને માટે તેમને મનુષ્ય શરીર આપે છે; પરંતુ પરમાત્માનો એ પવિત્ર હેતુ નહિ સમજવાને કારણે જીવ નવાં-નવાં કર્મો કરીને નવા નવા સંબંધો બાંધીને વધારે બંધન ઉત્પન્ન કરી લે છે. એટલા માટે પરમાત્માને કર્તાપણું અને ફલેચ્છા ન હોવા છતાં પણ તેઓ કેવળ કૃપા કરીને જીવોને કર્મ બંધનથી રહિત કરવાને અને તેમનો ઉદ્ધાર કરવાને માટે જ સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે અને ભગવાનને એવા જાણવાથી જીવ તેમના તરફ સહજ ખેંચાય છે. જ્યારે સાધકનું મન ભગવાનથી વધુ નજીક આવે છે તેમ તેમ તેને ભગવાનનાં કર્મો દિવ્ય જણાતા જાય છે. ભગવાન તથા મહાપુરુષોનાં કર્મો તો દિવ્ય છે જ પણ સામાન્ય મનુષ્ય પણ પોતાનાં કર્મોને દિવ્ય બનાવી શકે છે. જો તેમને બનાવવાં હોય તથા ભગવાને બતાવ્યા પ્રમાણે કર્મો કરે તો. જ્યારે કર્મોમાં આસક્તિ, કામના કે મમતા પ્રવેશ કરે છે ત્યારે તે કર્મો મલિન બની જાય છે. ત્યારે તે કર્મો બંધન કરવાવાળાં બની જાય છે. જ્યારે ઉપર કહેલી મલિનતા કર્મોમાંથી દૂર થાય છે ત્યારે પોતાના સામાન્ય કર્મો પણ દિવ્ય બની જાય છે. ત્યારે તે કર્મો તેને નથી બાંધતા એટલું જ નહિ પણ તેના પૂર્વના કર્મોનું બંધન પણ નાશ કરે છે અને બીજાઓને પણ મુક્તભાવ પમાડવાવાળા બની જાય છે. માટે પોતાનાં કર્મો, ક્રિયાને, દિવ્ય બનાવવાનો સૌથી સરળ ઉપાય છે-નિષ્કામ સેવાયજ્ઞ કરવો અથવા નિષ્કામ કર્મયોગ કરવો.

આપણે વિચાર કરવો જોઈએ કે, શરીર વગેરે જેટલી કાંઈ ભગવાનથી ઈતર વસ્તુઓ છે તેને આપણે સાથે લાવ્યા નથી, સાથે આવવાની નથી, તેના ઉપર આપણો કાબૂ નથી અર્થાત્આપણી ઈચ્છા મુજબ તેમાં પરિવર્તન કરી શકતા નથી. આપણી ઈચ્છાનુસાર તેને રાખી શકતા નથી. ટંૂકમાં તેના ઉપર આપણું કોઈ આધિપત્ય નથી. એના પર પરમાત્માનું આધિપત્ય છે. તેણે આપણને આપી છે. તેની સાથે આપણો સંબંધ નથી પણ તેના આપનારા પરમાત્મા સાથે આપણો સંબંધ છે અને તે વસ્તુઓ પોતાને માટે નથી. કેમ કે તેમના મળવા છતાં આપણને ‘વધારે મળે’ એવી ઈચ્છા વિરામ પામી જાય, છતાં આપણે તેને પોતાની માનીએ છીએ. એમાં આપણે મોટી ભૂલ ખાઈએ છીએ. એમાં જે કિંચિત્પોતાપણા જેવું જણાય છે તે તેમનો સદુપયોગ કરવાનો ભગવાને અધિકાર આપ્યો છે, તેથી જણાય છે; પરંતુ પોતાનો અધિકાર જમાવવા માટે નહિ.

સેવા કરવા માટે બધાય આપણા છે પણ લેવા માટે કોઈ પોતાના નથી. તો સંસારની તો વાત જ કયાં કરવી ? લેવા માટે તો ભગવાન પણ આપણા નથી. અર્થાત્તેમની પાસે આ લોકની કોઈ કામના લઈને લેવા જશો તો ભગવાન જેવા ભગવાન પણ જયાં સુધી કામના છોડશો નહિ ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહિ કરી શકે તો બીજાની તો વાત જ શી ? માટે ભગવાન પ્રત્યે તો પોતાની જાતને પણ સમર્પિત કરવાની છે. તેમ કરવાથી कर्मभिर्न स बध्यते તે પણ કર્મથી મુક્ત બની જાય છે.

एवं ज्ञात्वा कृतं कर्मं पूर्वैरपि मुमुक्षुभि:।
कुरु कर्मैव तस्मात्त्वं पूर्वै: पूर्वतरं कृतम्‌।।१५।।

અર્થઃ પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યાં છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલાં કર્મોને જ કર.

પૂર્વના શ્લોકમાં ભગવાને પોતાનાં કર્મોની દિવ્યતાનો જે આરંભ કર્યો હતો તેનો ઉપસંહાર કરતાં ભગવાન અર્જુનને સનાતન કર્મયોગ કરવાની આજ્ઞા કરતાં કહે છે.

एवं ज्ञात्वा कृतं कर्मं पूर्वैरपि मुमुक्षुभि:। અર્જુન મુમુક્ષુ હતા અર્થાત્પોતાનું કલ્યાણ ઈચ્છતા હતા; પરંતુ યુદ્ધરૂપી પ્રાપ્ત પોતાના કર્તવ્યકર્મને કરવામાં તેમને પોતાનું કલ્યાણ નથી દેખાતું, ઊલટાનું તેઓ તેને ઘોર કર્મ સમજીને તેનો ત્યાગ કરવાનું ઈચ્છે છે. (૩/૧) એટલા માટે ભગવાન અર્જુનને પૂર્વકાળના મુમુક્ષુ પુરુષોનું ઉદાહરણ આપે છે કે તેમણે પણ પોતપોતાના કર્તવ્યકર્મોનું પાલન કરીને કલ્યાણની પ્રાપ્તિ કરી છે. એટલા માટે તમારે પણ તેમની જેમ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ.

ત્રીજા અધ્યાયના વીસમા શ્લોકમાં જનકાદિનું ઉદાહરણ આપીને તથા આ (ચોથા) અધ્યાયના પહેલા, બીજા શ્લોકોમાં વિવસ્વાન, મનુ, ઈક્ષ્વાકુ વગેરેના ઉદાહરણો આપીને ભગવાને જે વાત કહી હતી તે જ વાત આ શ્લોકમાં પણ કહી રહ્યા છે.

શાસ્ત્રોમાં એવી પ્રસિદ્ધિ છે કે મુમુક્ષુપણું જાગ્રત થતાં કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી દેવો જોઈએ. કેમ કે મુમુક્ષુતા બાદ મનુષ્ય કર્મનો અધિકારી નથી રહેતો; પરંતુ જ્ઞાનનો અધિકારી થઈ જાય છે. (ભાગ. ૧૧/૨૦/૦૯) અહીં ભગવાન કહે છે કે મુમુક્ષોએ પણ કર્મયોગનું તત્ત્વ જાણીને કર્મ કર્યાં છે એટલા માટે મુમુક્ષુતા જાગ્રત થવા છતાં પણ પોતાના કર્તવ્યકર્મનો ત્યાગ નહિ કરવો જોઈએ; પરંતુ નિષ્કામભાવપૂર્વક કર્તવ્યકર્મ કરતા રહેવું જોઈએ.

કર્મયોગનું તત્ત્વ છે-કર્મો કરતા રહીને યોગમાં (પરમાત્માને યાદ કરવામાં) સ્થિર રહેવું અને યોગમાં (પરમાત્માને યાદ કરતાં કરતાં) સ્થિર રહીને કર્મો કરવાં. સ્થૂળ ક્રિયા બીજાના હિત માટે હોય છે ને યોગ પોતાના માટે હોય છે. કર્મોને કરવા અને ન કરવા-આ બન્ને એક પ્રકારની અવસ્થાઓ છે. તે બન્નેમાં પરમાત્માને યાદ કરવા તે યોગભાગ છે. આથી પ્રવૃત્તિ (અર્થાત્કર્મ કરવું) અને નિવૃત્તિ (અર્થાત્કર્મ ન કરવું) બન્નેય પ્રવૃત્તિ જ (અર્થાત્કર્મ જ) છે. નિવૃત્તિમાં પણ ગીતાની દૃષ્ટિએ કે ભગવાનની દૃષ્ટિએ કર્મરહિતતા આવતી નથી.न हि कश्चित्‌ क्षणमपि जातु तिष्ठति अकर्मकृत्‌ (३/५), न कर्मणां अनारम्भात्‌ नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति-(३/४) પ્રવૃત્તિ અને નિવૃત્તિ-એ બેઉથી પર થઈ જવું એ યોગ છે અર્થાત્એ બન્ને અવસ્થામાં પરમાત્માને ન ભૂલવા એ યોગ છે. જે પૂર્ણ નિવૃત્તિ પણ છે. જેને મહારાજે નિર્ગુણપણું કહ્યું છે. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કે કર્મફળમાં મારી સ્પૃહા નથી એટલા માટે મને કર્મો નથી બાંધતા. જે મનુષ્ય કર્મ કરવાની આ વિદ્યા (કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ)ને જાણી લે, ફળેચ્છાનો ત્યાગ કરીને કર્મો કરે છે; તે પણ કર્મોથી નથી બંધાતો કારણ કે ફળેચ્છાથી જ મનુષ્ય બંધાય છે-फले सक्तो निबध्यते (૫/૧૨) જો મનુષ્યો પોતાના સુખભોગને માટે અથવા ધન, માન, બડાઈ, સ્વર્ગ વગેરેની પ્રાપ્તિને માટે કર્મો કરે તો તે કર્મો તેને બાંધી દે છે. (૩/૯) પછી ભલે તે નિવૃત્ત કર્મમાં રહ્યો હોય તો પણ છૂટતો નથી; પરંતુ જો તેનું લક્ષ્ય નાશવંત જગતના ભાવો ન હોય અને પરમાત્મા જ હોય તો અને સંસારથી છૂટવા માટે નિસ્વાર્થ ભાવે ભગવાન કે ભગવાનના ભક્તોની સેવાને અર્થે અને બીજાના હિતને અર્થે જ કરતો હોય તો તે કર્મો તેને બાંધતા નથી. (૪/૨૩) એમ કરવાથી જગત સાથે સંબંધ વિચ્છેદ થાય છે ને ફળની ઈચ્છા ન રહેવાથી નવો સંબંધ પેદા થતો નથી.

कुरु कर्मैव तस्मात्त्वं पूर्वै: पूर्वतरं कृतम्‌। આ પદો વડે ભગવાન અર્જુનને આજ્ઞા દઈ રહ્યા છે કે एवं पूर्वै: कृतम्‌। तस्मात्त्वं पूर्वतरं (सनातन) कर्म एव (कर्मयोग एव) त्वं कुरु।-તું પણ મુમુક્ષુ છે, એટલા માટે જેવી રીતે પહેલાં અન્ય મુમુક્ષુએ લોકહિતાર્થે કર્મો કર્યાં છે, તેવી જ રીતે તું પણ બીજાના હિત માટે કર્મો કર. એમ કરવાથી તારો જગત સાથેનો સંબંધ વિચ્છેદ થઈને પરમાત્મા સાથેનો જે સનાતન સંબંધ છે તેનો તને અનુભવ થઈ જશે.

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिता:।
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्‌।।१६।।

અર્થઃ કર્મ શું છે? અને અકર્મ શું છે? -એનો  નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે; માટે તે કર્મતત્ત્વ હું તને સમ્યક્રીતે સમજાવીને કહું છું, જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મબંધનમાંથી મુકત થઈ જઈશ.

किं कर्म-સાધારણ રીતે મનુષ્યો શરીરની અને ઈન્દ્રિયોની ક્રિયાને જ કર્મ માની લે છે તથા શરીર અને ઈન્દ્રિયોની ક્રિયાઓ બંધ થવાને અકર્મ માની લે છે; પરંતુ ભગવાને ત્રણે પ્રકારનાં શરીર, વાણી અને મન દ્વારા થવાવાળી તમામ ક્રિયાઓને કર્મ માન્યાં છે. शरीरवाङमनोभिर्यत्कर्म प्रारभते नर: (१८/१५)

ભાવના અનુસાર કર્મનો પ્રકાર હોય છે. ભાવના બદલાઈ જતાં કર્મનો પ્રકાર (રાજસ, તામસ વગેરે) બદલાઈ જાય છે. જેમ કર્મ, સ્વરૂપે સાત્ત્વિક દેખાતું હોવા છતાં પણ જો કર્તાનો ભાવ રાજસ કે તામસ હોય તો તે કર્મ પણ રાજસ કે તામસ બની જાય છે. જેવી રીતે કોઈ દેવોની ઉપાસનારૂપી કર્મ કરતો હોય જે સ્વરૂપથી તો સાત્ત્વિક છે; પણ જો એવી ઉપાસના કરનારો તેને કોઈ કામનાની સિદ્ધિને માટે કરે, તો તે કર્મ રાજસ બની જાય છે અને કોઈનો નાશ કરવાને અર્થે કરે તો તે કર્મ તામસ બની જાય છે. એ જ રીતે જો કર્તામાં ફળેચ્છા, મમતા અને આસક્તિ ન હોય તો તેના દ્વારા કરવામાં આવેલ કર્મ, ‘અકર્મ’ બની જાય છે અર્થાત્બંધન કરવાવાળાં નથી થતાં. તાત્પર્ય એ છે કે ઉપલી બાહ્ય ક્રિયા કરવા અથવા ન કરવાથી કર્મનું વાસ્તવિક જ્ઞાન નથી થતું. આ વિષયમાં શાસ્ત્રોને જાણવાવાળા મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે અર્થાત્કર્મની અંદર પડેલું તત્ત્વ-અકર્મતા કે સકર્મતા પડી છે. તેનો નિર્ણય નથી કરી શકતા. જે ક્રિયાને તેઓ કર્મ માને છે તે જ ક્રિયા ‘અકર્મ’ પણ હોઈ શકે અને વિકર્મ પણ હોઈ શકે છે. કારણ કે કર્તાના ભાવ અનુસાર કર્મનું સ્વરૂપ બદલાઈ જાય છે. એટલા માટે ભગવાન એમ કહે છે કે વાસ્તવિક કર્મ શું છે ? તે કેમ બાંધે છે ? કેવી રીતે બાંધે છે ? એનાથી કઈ રીતે મુક્ત થઈ શકાય ? આ બધાનું રહસ્ય હું તને કહું છું. તેને જાણીને પછી તે રીતે કર્માનુષ્ઠાન કરવાથી તું કર્મના બંધનથી મુક્ત બનીશ.

જો મનુષ્યના હૃદયમાં અહં, મમતા, આસક્તિ અને ફળેચ્છા પડી જ છે તો કશું જ કર્મ ન કરતો હોય તો પણ કર્મ થતું જ રહે છે અર્થાત્બંધનનો આંટો વધુને વધુ વીંટાતો જ રહે છે. તે ભલે માને કે હું નિવૃત્ત છું. કારણ કે તેને કર્મમાં લિપ્તતા છે અને પોતાને અહં, મમતા, આસક્તિ અને ફળેચ્છા છોડીને કોઈપણ પોતાનું કર્તવ્યકર્મ કરતો હોય અથવા ભગવાન કે ભગવાનના ભક્તની સેવારૂપી કર્મ કરતો હોય તો કર્મ નથી બનતું તે અકર્મ બની જાય છે. કારણ કે તેને કર્મો સાથે અલિપ્તતા છે. તાત્પર્ય એ થયું કે જો કર્તા નિર્લિપ્ત હોય તો કર્મ કરવું એ પણ અકર્મ બની જાય છે અને જો કર્તા લિપ્ત હોય તો કર્મ કરવું અથવા ન કરવું-બન્ને કર્મ બની જશે અને બંધન ઊળું કરવાવાળાં બનશે.

किमकर्मेति-અહીં અકર્મ એટલે કર્મનો અભાવ-કર્મનો ત્યાગ ને માટે अकर्म શબ્દ વપરાયો નથી પણ કંઈ તેનાથી અલગ જ ભાવમાં અકર્મ શબ્દ વપરાયો છે. અહીં કર્મ પ્રકરણ ચાલે છે. ભગવાન આગળ કહેવાના છે કે ‘कर्मणि अकर्म य: पश्येत्‌’…स: बुद्धिमान्मनुष्येषु…’ માટે કર્મ અલગ છે ને બીજું અકર્મ એ અલગ પ્રકારનું છે. એવું નથી. એક જ કર્મમાં અકર્મત્વ અને કર્મત્વની ભગવાન વાત કરે છે. એક જ ક્રિયામાં બન્ને અંશો સમાયેલા છે. એવું ભગવાન કહેવા માગે છે કારણ કે અહીં પણ કર્મ શું ને અકર્મ શું તેની વાત કરીને ‘तत्‌ ते कर्म प्रवक्ष्यामि’ કહે છે અર્થાત્ભગવાનના મનમાં બધાં કર્મ અને અકર્મ-અલગ અલગ હોત તો ‘तत्‌ ते कर्माऽकर्मे प्रवक्ष्यामि’ એમ કહ્યું હોત. વળી આ જ પ્રકરણમાં કહે છે કે ‘गहना कर्मणो गति: (૪/૧૭) નહીં તો गहना कर्मऽकर्मणो गति: કહેવું પડત પણ તેવું ભગવાને કહ્યું નથી તો શું કહ્યું છે ? કેમ સમજવું ? તો તેનું સમાધાન એ છે કે એક જ ક્રિયામાં कर्मत्व અને अकर्मत्व અર્થાત્ બંધક અને મુક્તિદાતા અંશ પડેલા છે. કોઈ પણ ક્રિયામાં એક ભાગ કર્માંશ અને બીજો ભાગ જ્ઞાનાંશ પડયો છે. જો એમ માનીએ તો જ कर्मणि अकर्म य: पश्येत्‌ સંભવી શકે, નહિ તો સંભવી ન શકે. માટે સ્થૂળ કર્માંશની સાથે સાંસારિક ભાવોનો વધારે સંબંધ રહે છે. જ્યારે તેમાં રહેલા જ્ઞાનાંશને સારી રીતે સમજવા આપણે કર્તાનો ભાવાંશ તે કર્મ કરવા પાછળ તેની ઊંડી ભાવના, આંતર ઈરાદો શો છે ? પરમાત્માનો મહિમા, ભક્તિ કે સમર્પણથી પ્રેરાઈને તે ક્રિયા કરે છે, ભગવાનના ભક્તની સેવાના આશયથી એ ક્રિયા કરે છે કે બીજા જીવોના હિત માટે એ ક્રિયા કરે છે ? તે કર્મનું આંતર કલેવર છે. એક ક્રિયામાં અલગ અલગ કર્તાના આ સિવાય અનેક અલગ પ્રકારના આશય ભાવો હોઈ શકે છે. તે ભાવનાઓ જ બંધન કે મુક્તિને સજર્નારી બને છે. કર્મનો સ્થૂળભાગ જે ક્રિયા છે તે બંધનનું કારણ બનતું નથી. સાંસારિક સ્થૂળ ફાયદા મેળવવાની લાલસા જ બંધનકારક બને છે અને આ બંધન કરનારું તત્ત્વ શું છે અને કર્મમાં મુક્તિ અપાવનારો ભાગ કયો છે? તે જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી કર્મ અને અકર્મના તત્ત્વનું જ્ઞાન થતું નથી. ભગવાન એ કહેવા માગે છે કે ‘‘હે અર્જુન ! યુદ્ધરૂપી કર્મનો ત્યાગ કરવા માત્રથી તારે અકર્મ-અવસ્થા (મુક્તાવસ્થા) આવી જવાની નથી. હું જે માર્ગ બતાવી રહ્યો છું (નિષ્કામ કર્મયોગ) તે પ્રમાણે તું યુદ્ધ કરીશ, તો પણ અકર્મ અવસ્થાને પ્રાપ્ત કરી શકીશ.’’ (૨/૩૮) આથી અકર્મ-અબંધક તત્ત્વ શું છે તેને તું જાણ. નિર્લિપ્ત રહીને કર્મો કરવા અથવા કર્મો કરીને પણ નિર્લિપ્ત રહેવું આ અકર્મ અવસ્થા છે અને બંધનને તોડનારું તત્ત્વ છે.

कवयोऽप्यत्र मोहिता: સાધારણ મનુષ્યોમાં તો એટલી સામર્થી નથી કે તેઓ કર્મ અને અકર્મનો તાત્ત્વિક નિર્ણય કરી શકે; પરંતુ મોટા મોટા વિદ્વાનો પણ આ વિષયમાં ભૂલ કરી બેસે છે. યોગ્ય નિર્ણય નથી લઈ શકતા. કર્મ અને અકર્મનું તત્ત્વ જાણવામાં તેની બુદ્ધિ પણ ચક્કર ખાઈ જાય છે. તેમાં પણ અકર્મ તત્ત્વ જ જાણવાનો મહિમા કહ્યો છે કારણ કે કર્મમાં અકર્મત્વ જ મુક્તિને અપાવનારું અર્થાત્અબંધકત્વ છે. તેથી જ કહ્યું કે विद्वांसो अपि मोहिता: विप्रकीर्णै: शास्त्रै: (તા.ચં.) વિદ્વાનો શા કારણથી અવળો નિર્ણય કરી બેસે છે? તો એટલા માટે કે અનેક શાસ્ત્ર જાળમાં તણાઈ જાય છે. કર્મયોગનું અનુષ્ઠાન કર્યા વિના અથવા સ્વંય ભગવાન વિના આ તત્ત્વને જાણવું મુશ્કેલ છે માટે વિદ્વતાથી આ તત્ત્વ ગ્રાહ્ય થતું નથી.

तत्ते कर्म प्रवक्ष्यामि જીવ કર્મો વડે જ બંધાયો છે તો કર્મો વડે જ મોક્ષ થશે. અહીં ભગવાન પ્રતિજ્ઞા કરે છે કે હું તે કર્મતત્ત્વ તને સારી રીતે કહીશ જેનાથી કર્મ કરતા હોવા છતાં પણ તે કર્મ બંધનકારક નહિ બને. તાત્પર્ય એ છે કે કર્મો કરવાની હું તને એવી વિદ્યા બતાવીશ જેનાથી તું કર્મો કરતાં કરતાં પણ જન્મમરણરૂપી બંધનથી મુક્ત થઈ જઈશ.

કર્મો થવાનાં બે માર્ગો છે-પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગને ‘કર્મ કરવું’ એમ કહે છે અને નિવૃત્તિ માર્ગને ‘કર્મ ન કરવું’ એમ કહે છે. આ બન્ને માર્ગો બાંધવાવાળા નથી. તેમાં બંધક તત્ત્વો તો અહંભાવ, કામના, મમતા અને આસક્તિ છે. પ્રવૃત્તિમાર્ગમાં વધારે બંધકતત્ત્વ, કામના, મમતા અને આસક્તિ પ્રર્વતે છે. તેમાં અહંભાવ પ્રવૃત્તિથી ઢંકાયેલો હોય છે માટે નિરાળો દેખાતો નથી અથવા તો કામના, મમતા, આસક્તિને પોષવામાં નિમગ્ન બની જાય છે, કામે લાગી જાય છે. જ્યારે ક્રિયાના અભાવમાં એટલે કે સાધકો જેને અકર્મ-નિવૃત્તિ માને છે કે તેમાં કેવળ અહંભાવ જ મજબૂત થતો હોય છે. ખરેખર તો કોઈપણ ક્રિયા કરવા કરતાં ક્રિયાને જીવનમાંથી રોકવા માટે બમણા કરતાં પણ વધુ શક્તિ જીવને ખર્ચવી પડે છે. વિધિમાં જે જીવની શક્તિ ખર્ચાય તેના કરતાં નિષેધ પાળવામાં જીવની બમણા કરતાં પણ વધારે શક્તિ ખર્ચાય છે. તેથી નિષેધાત્મક કર્મો જેમ કે ઉપવાસ કરવો, ત્યાગના નિયમ પાળવા વગેરેમાં અહંકારને ખૂબ જ બળ પડે છે માટે નબળો અહંકાર ત્યાં ચાલી ન શકે; ખૂબ બળિયો અહંકાર જોઈએ અને વળી નિષેધ સિદ્ધિમાં મમતા, કામના, કે આસક્તિની પ્રવૃત્તિ દેખાઈ શકે નહિ માટે નિષેધાચરણમાં ભગવાનને પ્રસન્ન કરવાનું આલંબન ન હોય તો અહંભાવ નિરાળો ને ખૂબ જોર પકડી લે છે માટે અહંકારને એટલું બધું બળ પડતું હોય તો ક્રિયાના અભાવને કર્મ કેમ ન કહેવાય ? માટે ક્રિયાનો અભાવ પણ કર્મ છે. સાધકને એટલું જ જોવાનું છે કે નિષેધ-ક્રિયાઓનો અભાવ-તે રૂપી કર્મ પરમાત્માને સમર્પિત છે કે કેમ ? હું શા માટે નિષેધ પાળું છું ? પરમાત્મા કે તેના સંતને રાજી કરવા કે અહંભાવના વધારવા માટે ? અથવા તો એમ કહો કે એમ કરવાથી ભગવાન ને સંત રાજી થાય છે કે મારો અહં ભાવ વધે છે ! મમતા, કામના અને આસક્તિ ત્રણે ભેળા મળીને જે કર્મબંધકતાનું નિર્માણ કરે છે તેના કરતાં સાધક જો જાગૃતિ ન રાખે તો એકલો અહંભાવ-વધારે કર્મનું-બંધકકર્તાનું નિર્માણ કરી દે છે. તેથી બન્નેને જાગૃતિ હોય તો જ ફાયદો થશે. માટે અહીં ભગવાન એ કહે છે કે પ્રવૃત્તિકર્મ હોય કે નિવૃત્તિકર્મ હોય તે બાંધવાવાળા નથી. તેમાં રહેલા અહંભાવ, કામના, મમતા કે આસક્તિ બંધક બને છે. જો અહંભાવ, કામના, મમતા કે આસક્તિ ન હોય તો તે કોઈપણ કર્મ બાંધવાવાળા બનતા નથી.

यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वाऽपि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ।। (१८/१७)

બન્નેમાં આપમેળે મુક્ત થાય છે, આ વાતને સમજવી એ જ કર્મતત્ત્વને સમજવું ગણાય. માટે નિષેધ ક્રિયામાં કે નિવૃત્તિ ક્રિયામાં બંધનરહિત થવા માટે કે આત્મકલ્યાણ માટે ક્રિયાનો અભાવ એટલો કામ નથી કરતો જેટલો અહંનો અભાવ કામ કરે છે. નિષેધ ક્રિયામાં એ કેમ અનુષ્ઠાનમાં આવે એ જાણવાનું છે. જ્યારે પ્રવૃત્તિ કર્મમાં ક્રિયા મહત્ત્વની નથી. તેમાં રહીને તમે કામના, મમતા કે આસક્તિથી અલિપ્ત કેટલા રહી શકો છો તે જાણવાનું તત્ત્વ છે ને ત્યાં જ कवयोऽप्यत्र मोहिता: भवन्ति થાય છે.

કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ એ કર્મ નથી પણ એ સેવા છે. એ પ્રવૃત્તિ નથી પણ પ્રવૃત્તિ છતાં નિવૃત્તિ છે. સેવામાં ત્યાગનું પ્રધાનપણું હોય છે. આવી ત્યાગપૂર્વકની સેવા એ પણ કર્મ નથી; પરંતુ તેમાં વિવેકનું પ્રધાનપણું છે. જેમ કે આપણી પાસે જે સામગ્રી, સમજણ વગેરે છે તે આપણી નથી. પરમાત્માએ આપેલી છે અથવા બીજા સજ્જનો પાસેથી, ગુરુજનો પાસેથી મળેલી કે મેળવેલી છે, માટે તેઓની છે. તેને તેઓની સેવામાં લગાડવી તે આપણી ફરજમાં આવે છે. જે વસ્તુ પોતાની ન હોય તેનો ત્યાગ થઈ શકતો નથી અને જેનો ત્યાગ થઈ શકે છે તે પોતાની હોતી નથી. માટે ત્યાગ કયારે થઈ શકે કે જે પોતાનું નથી ને ભૂલથી પોતાનું માની લીધું હોય, મનાઈ ગયું હોય. તેનો જ ત્યાગ થઈ શકે છે. તાત્પર્ય એ થયું કે પોતાપણાની માન્યતાનો જ ત્યાગ થાય છે. જે વસ્તુ પોતાની છે જ નહિ તેને પોતાની ન માનવા અથવા બીજાની વસ્તુ છે તેનો ઉપયોગ-વિનિયોગ તેની સેવામાં કરવો એને ત્યાગ કેવી રીતે કહેવાય? માટે એ કરવું એ તો વિવેક કહેવાય. માટે કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ વિવેકસાધ્ય છે. વળી વિવેક એ કોઈ કર્મનું ફળ નથી. એ તો જીવાત્મા જેમ અનાદિ છે તેમ વિવેક પણ અનાદિ છે. એ કોઈ શુભ કાર્યનું ફળ પણ નથી. શુભ કાર્ય તો વિવેક ઢંકાઈ ગયો છે માટે તેને અનુભૂતિમાં લાવવામાં મદદરૂપ થાય છે. વિવેકને ઉભારવામાં સાચી મુમુક્ષતા કે સાચી કલ્યાણની ભૂખ મદદ કરે છે. આ બધાં પાસાંઓ કર્મમાં જાણવાના છે તે ભગવાન કહે છે, હું તને કહીશ.

यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्‌-જીવ પોતે શુભ છે પણ બંધન કરનાર સંસાર અશુભ છે. તે જન્મ-મરણરૂપી સંસારથી તું મુકાઈ જઈશ.

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मण:।
अकर्मणश्व बोद्धव्यं गहना कर्मणो गति:।।१७।।

અર્થઃ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ; કેમ કે કર્મની ગતિ અતિગહન છે.

कर्मणो ह्यपि बोद्धव्यं-કર્મ (પોતપોતાનું નિયત કર્તવ્ય) અદલપણે કરતા રહીને નિર્લિપ્ત રહેવું એ જ કર્મમાં બોધવ્યતા છે. (योग: कर्मसु कौशलम्‌ ।) કર્મ સ્વરૂપથી એક જ પ્રકારનું દેખાતું હોવા છતાં અંતઃકરણના ભાવ અનુસાર તેના ત્રણ પ્રકાર બની જાય છે. કર્મ, અકર્મ અને વિકર્મ. સકામ ભાવનાથી કરવામાં આવેલી શાસ્ત્રવિહિત ક્રિયા કર્મ બની જાય છે. તેમાં યોગાંશ નથી રહેતો. ફલેચ્છા, મમતા, આસક્તિ કે અહંભાવથી રહિત થઈને કેવળ પરમાત્માની પ્રસન્નતા માટે અને ભગવાનના શુદ્ધ ભક્તોની સેવાના અર્થે કે બીજાના હિતને માટે જે કર્મ થાય છે તે કર્મ, અકર્મ બની રહે છે. તેમાં પૂર્ણ યોગાંશ પ્રધાન રહે છે. વિહિત કર્મ પણ જો બીજાના અહિતને માટે અથવા બીજાને દુઃખ પહોંચાડવાના હેતુથી કરવામાં આવે અથવા નિષિદ્ધ કર્મ કરવામાં આવે તેને વિકર્મ કહેવામાં આવે છે.

अकर्मणश्च बोद्धव्यम्‌-નિર્લિપ્ત રહીને કર્મ કરવું એને જ અકર્મનું તત્ત્વ કહેવાય.

बोद्धव्यं च विकर्मण: વિકર્મ કામનાથી થાય છે જ્યારે કામના અધિક વધી જાય ત્યારે અંતઃકરણમાં વધુ વિકૃતિ આવી જાય છે અર્થાત્દોષો આવી જાય છે. તેની પૂર્તિ કરવા જે કર્મ થાય છે તે વિકર્મ (પાપકર્મ) થાય છે. બીજા અધ્યાયના આડત્રીસમા શ્લોકમાં (सुख दु:खे समे कृत्वा….२/३८) ભગવાને બતાવ્યું છે કે જો યુદ્ધ જેવું હિંસાયુક્ત ઘોર કર્મ પણ શાસ્ત્રની આજ્ઞાથી અને સમતાપૂર્વક કરવામાં આવે તો તેનાથી પાપ નથી લાગતું. તાત્પર્ય એ છે કે સમતાપૂર્વક (યોગસ્થ રહીને) કર્મ કરવાથી દેખાવામાં વિકર્મ હોઈને પણ તે ‘અકર્મ’ બની જાય છે.

શાસ્ત્રનિષિદ્ધ કર્મને વિકર્મ કહેવામાં આવે છે. વિકર્મ થવામાં સાંસારિક ભાવના-કામના જ મુખ્ય કારણ છે. (૩/૩૬-૩૭) આથી વિકર્મનું બોધવ્ય તત્ત્વ છે कामना, અને વિકર્મના તત્ત્વને જાણવું એટલે વિકર્મનો મૂળથી (તત્ત્વનો) ત્યાગ કરવો અર્થાત્કામનાનો ત્યાગ કરવો.

गहना कर्मणो गति:- કયું કર્મ મુક્તિ દેનારું છે અર્થાત્આત્મકલ્યાણ સાધનારું છે અને કયું કર્મ બંધન ઉપજાવનારું છે-એનો નિર્ણય કરવો એ ઘણું કઠિન છે. કર્મ શું છે, અકર્મ શું છે અને વિકર્મ શું છે? તેનું યથાર્થ તત્ત્વ જાણવામાં મોટા મોટા શાસ્ત્રજ્ઞ વિદ્વાનો પણ ભ્રમિત થઈ જાય છે. અર્જુન પણ આ તત્ત્વને નહિ જાણવાને કારણે પોતાના યુદ્ધરૂપી, કર્તવ્યકર્મને ઘોર કર્મ માની રહ્યા છે. આથી કર્મની ગતિ (જ્ઞાન કે તત્ત્વ) ખૂબ જ દુષ્કર છે.

અહીં ભગવાને बोद्धव्यं च विकर्मण: પદોથી કહ્યું કે વિકર્મનું તત્ત્વ પણ જાણવું જોઈએ; પરંતુ ઓગણીસથી ત્રેવીસમા શ્લોક સુધીમાં ભગવાને કર્મ-અકર્મથી વાત તો કહી છે પણ વિકર્મના વિષયમાં કશું જ કહ્યું નથી. કેવળ અહીં આ વિષયને લઈને વધારે ચર્ચ્યો નથી કેવલ કર્મ-અકર્મની લાંબી ચર્ચા કરી છે અને વિકર્મની બિલકુલ ચર્ચા કેમ કરી નથી? આવી એક શંકા ઉદ્ભવે છે. તેનું સમાધાન એ છે કે ઓગણીસમા શ્લોકથી માંડીને ત્રેવીસમાં શ્લોક સુધી ભગવાને ‘કર્મમાં અકર્મ’ની વાત કહી છે. જેથી બધાં કર્મો અકર્મ થઈ જાય અર્થાત્કર્મ કરતા હોવા છતાં પણ બંધન ન થાય. વિકર્મ છે તે કર્મની બહુ નજીક પડે છે. કારણ કે કર્મોમાં કામનાનું ન આવવું એ જ અકર્મનું કારણ બને છે. જે કામનાથી ‘કર્મ’ થાય છે તે જ કામના અધિક વધવાથી ‘વિકર્મ’ થવા લાગે છે; પરંતુ કામના નષ્ટ થતાં સઘળાં કર્મ ‘અકર્મ’ બની જાય છે માટે કર્મ, વિકર્મ અને અકર્મ. આ પ્રકરણનું ખાસ તાત્પર્ય ‘અકર્મ’ને જાણવામાં જ છે અને ‘અકર્મ’ બને છે કામનાનો નાશ થવાથી. કામનાનો નાશ થવાથી ‘વિકર્મ’તો થતું જ નથી. તેનો પ્રસંગ જ આવશે નહિ. આથી ભગવાનને ‘વિકર્મ’ના વિવેચનની વધારે જરૂર નથી જણાતી. તેથી આ પ્રકરણમાં ‘વિકર્મ’ની વાત નથી આવી. વિકર્મ પાપજનક અને નરકોની પ્રાપ્તિ કરાવનારું છે ને તે સર્વથા ત્યાજ્ય છે. માટે વિકર્મના મૂળ કારણ, કામનાનો ત્યાગ કરવાનો ભાવ આ પ્રકરણમાં મુખ્યરૂપે વારંવાર આવ્યો છે. આથી વિકર્મને જાણવાની વાત આ શ્લોકમાં બતાવવામાં આવી છે.

कर्मण्यकर्म य: पश्येदकर्मणि च कर्म य:।
स बुद्धिमान्मनुष्येषु स युक्त: कृत्स्नकर्मकृत्‌।।१८।।

અર્થઃ જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સઘળા મનુષ્યોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે.

कर्मण्यकर्म य: पश्येत्‌ કર્મમાં અકર્મ જોવાનું તાત્પર્ય છે કર્મ કરતાં કરતાં પણ તેનાથી અલિપ્ત રહેવું અને નિષેધ કર્મ પાળવા છતાં (કર્મ ન કરતાં કરતાં) પણ તેના અહંભાવથી અલિપ્ત રહેવું અર્થાત્પોતાના માટે કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ પણ ન કરવી જોઈએ. જે કાંઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ, કરવું અથવા ન કરવું, વિધિ કે નિષેધ-પરમાત્માની પ્રસન્નતા માટે તેના અનન્ય ભક્તોની સેવા માટે અને બીજાના હિત માટે હોવું જોઈએ. અમુક કર્મ હું કરું છું. આ કર્મનું અચૂક ફળ મને મળે અથવા હું આ (નિંદિત કાર્ય) નથી કરતો, કે હું આટલો ત્યાગ પાળુ છું. તેને માટેની માન-બડાઈ મને મળવી જોઈએ. મારા જેટલી બીજાને નહિ. એવી અંતરની ઊંડી ઈચ્છા રહેવી અથવા એ અંગે પોતાને બીજાથી શ્રેષ્ઠ માનવો-એવો ભાવ રાખવાથી જ મનુષ્ય કર્મ અથવા કર્મના ત્યાગથી બંધાય છે. સાધકને કર્મથી પર થવાનું અર્થાત્પોતાની સાથેનો કર્મનો સંબંધ છૂટે છે ત્યાં સુધી કર્મ કરે અથવા ન પણ કરે તો પણ કર્મનો સંબંધ જીવિત રહે છે.

यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वाऽपि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते

મમતા, આસક્તિ, કામના ન રાખવાથી નવો રાગ ઉત્પન્ન થતો નથી અને પરમાત્માને અર્થે કરવાથી જૂનો રાગ નષ્ટ થઈ જાય છે. તેથી સાધકનો કર્મબીજ સાથેનો સંબંધ વિચ્છેદ થાય છે ને તેનાં સઘળાં કર્મો અકર્મ બની જાય છે. પોતાને માટે કાંઈ પણ ન કરવાથી અને ન ઈચ્છવાથી અસંગતા આપમેળે પ્રાપ્ત થઈ જાય છે.

જ્યાં સુધી પ્રકૃતિ સાથે અર્થાત્પ્રાકૃતિક ભાવો સાથે દિલચસ્પી છે ત્યાં સુધી કર્મ કરવું અથવા કર્મ ન કરવું-બન્ને કર્મ બની જાય છે અને બંધક બને છે. એટલા માટે કર્મો કરવાં અથવા ન કરવાં-બન્ને અવસ્થામાં કર્મયોગીએ નિર્લિપ્ત રહેવું જોઈએ. કર્મ કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય છે-કર્મ કરવાથી આપણને સારું ફળ મળશે, અમને લાભ થશે, અમને સિદ્ધિ મળશે, લોકો અમને સારા માનશે, આ લોકમાં અને પરલોકમાં ભોગો મળશે આ પ્રકારની કોઈપણ પ્રાકૃતિક ઈચ્છા ન થવી. એ જ રીતે કર્મ ન કરવામાં નિર્લિપ્ત રહેવાનું તાત્પર્ય છે-કર્મોનો (પ્રવૃત્તિનો) ત્યાગ કરવાથી અમને માન, પૂજા, આદર, ભોગ, આરામ વગેરે મળશે. આ પ્રકારનો કિંચિત્માત્ર પણ ભાવ ન ઊઠવો તે છે.

દુઃખ સમજીને તેમજ શારીરિક ક્લેશના ભયથી કે મોહ, આળસ, પ્રમાદને કારણે કર્મ ન કરવું અર્થાત્ત્યાગવું એ રાજસ-તામસ ભાવ છે. એવું કરવાથી પ્રકૃતિનો સંબંધ છૂટતો નથી. ઊલટો સૂક્ષ્મ અને મજબૂત થાય છે. ત્યાં સુધી કે મુક્તિનો આનંદ પામવા માટે પણ ભક્તની પ્રવૃત્તિ હોતી નથી. તેથી પરમાત્માનો સાચો સેવક જ્યારે સાધક બને છે ત્યારે જ પ્રકૃતિને ચોખ્ખો સંબંધ ટળે છે અને એ જ કર્મયોગીનું કાર્ય છે.

अकर्मणि च कर्म य: અકર્મમાં કર્મ જોવાનું તાત્પર્ય છે, નિર્લિપ્ત રહીને કર્મો કરવાં. કર્મયોગીની પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્ને નિર્લિપ્તતાપૂર્વક અને કેવળ બીજાના હિતને માટે થાય છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં પોતાનો ઈહલૌકિક અંગત કોઈ સ્વાર્થ નથી. (नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन (३/१८) જો કોઈ સ્વાર્થ આવે તો તે કર્મયોગી નહિ પણ કર્મ કરનાર બની જાય છે. અહીં શ્લોકમાં पश्यतिमू તાત્પર્ય જુએ છે એટલું જ નથી પણ જોઈને આચરણમાં મૂકવું તે છે.

સાધક જ્યાં સુધી પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ માને છે અર્થાત્કિંચિત્પણ દેહભાવમાં જીવે છે, ત્યાં સુધી તે કર્મો કરવાથી સાંસારિક ઉન્નતિ માને છે. કર્મો ન કરવાથી પોતાની પારમાર્થિક ઉન્નતિ માને છે અર્થાત્પોતે અતિ આધ્યાત્મિક બની ગયા છે. એવું માને છે પણ વાસ્તવમાં બન્ને પ્રકૃતિમાં જ લાગેલા છે.

જેમ સમાધિ એ કારણ શરીરની ક્રિયા છે. ધ્યાન, ચિંતન એ સૂક્ષ્મ શરીરની ક્રિયા છે. તેમ ભગવાન કે તેમના સાચા ભક્તોને અર્થે કાંઈક કરવું તે સ્થૂળ શરીરની ક્રિયા છે. ત્રણેમાં પરમાત્માનો સંબંધ સંભવી શકે છે. જો પરમાત્માનો સંબંધ થાય તો તે નિર્ગુણ બની જાય છે, અકર્મ બની જાય છે. એટલા માટે નિર્લિપ્ત રહીને કર્મો કરવાનાં છે. આ જ અકર્મમાં કર્મ કહેવાય. આ વસ્તુ ને જ योगस्थ: कुरु कर्माणि યોગમાં સ્થિર થઈને કર્મો કરવાનું કહ્યું છે. એને જ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ કહેવાય છે. અહીં એક શંકા ઊઠે છે કે કર્મ કરતા રહીને નિર્લિપ્ત રહેવું અને નિર્લિપ્ત રહીને કર્મો કરવાં બન્ને વસ્તુમાં અકર્મ અર્થાત્નિર્લિપ્તતા જ મુખ્ય થઈ. તો પછી ભગવાને કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ-આવી બે વાતો શા માટે કહી છે? તો તેનું સમાધાન એ છે કે આ બન્નેમાં સાર નિર્લિપ્તતા હોવા છતાં પ્રથમમાં કર્મ કરતા રહીને તેમાં નિર્લિપ્તતાનું પ્રાધાન્ય છે અને પછીની વાતમાં નિર્લિપ્ત હોવા છતાં કર્મ કરવાના પ્રાધાન્યની વાત છે. પ્રથમની વાત સાધકો માટેની છે. જ્યારે બીજી વાત સિદ્ધ કર્મયોગીઓ માટે લોકસંગ્રહની છે. તે બન્નેમાં પણ પ્રથમ કરતાં બીજું પગથિયું આગળની સ્થિતિનું છે. કેમકે ब्रह्मविदां अपि क्रियावान्‌ वरिष्ठ: નિર્લેપ પુરુષોમાં પણ નિર્લેપ રહીને લોકસંગ્રહ કરનાર પુરુષો ભગવાનની દૃષ્ટિએ એક પગથિયું આગળ છે, એવો ભાવ છે. બન્ને કર્મયોગના-ગીતાના સિદ્ધાંતો છે. ગીતામાં પરમાત્માનો અર્જુન પ્રત્યે અર્થાત્દરેક દૈવીજીવ પ્રત્યે ભારે આગ્રહ છે. આમ કરવાથી પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેથી પર સ્થિતિ એવી પરમ નિવૃત્તિ તત્ત્વમાં પહોંચાય છે.

स बुद्धिमान्‌ मनुष्येषु-स युक्त: कृत्स्नकर्मकृत्‌

જે પુરુષ કર્મમાં અકર્મને જુએ છે, અહીં ‘જુએ છે’ તે અર્થ અનુષ્ઠાનપરક છે. કર્મમાં નિર્લેપતાનું અનુસંધાન રાખે છે. કર્મમાં પરમાત્મા પામવાનું લક્ષ્ય રાખે છે. તે જ વાસ્તવમાં કર્મને જાણવાવાળો સાચો બુદ્ધિશાળી છે કર્મ કરવામાં નિર્લિપ્તતા જ્યાં સુધી આવી નથી અર્થાત્કર્મ કરવામાં કંઈ પણ દુન્યવી સ્વાર્થ રાખીને તે હૃદયથી છૂટતો નથી તો તે ડાહ્યો અથવા હોશિયાર છે તો પણ મુર્ખ છે, ડાહ્યો નથી. જે પોતાને માટે કર્મ ને કરે છે કે માને છે, ત્યાં સુધી તે કર્મ તત્ત્વને સમજ્યો નથી.

પરમાત્માને જાણવા માટે પોતાને પરમાત્મા સાથે ગાઢ સંબંધ કેળવવો પડે છે, તાદાત્મ્ય ભાવ કેળવવો પડે છે. જ્યારે સંસારને ઓળખવા માટે પોતાને સંસારથી અર્થાત્ક્રિયા અને પદાર્થથી સર્વથા ભિન્ન માનવો પડે છે. એટલે સ્થૂળ ક્રિયાઓ સંસારનો ભાગ છે અને તેના આંતરમાં જ્ઞાનાંશભાગ. જેને ગીતાની ભાષામાં યોગ કહેવામાં આવે છે, અકર્મ કહેવામાં આવે છે, તે આત્મા કે પરમાત્મામાં જોડનારો છે. જેથી તે પરમાત્માનો છે તેથી કર્મોથી નિર્લિપ્ત થયા વિના કર્મોને જાણી શકાતાં નથી. પછી ભલે કર્મો છોડી દે તો પણ નથી જાણી શકાતાં ને આસક્તિપૂર્વક કરે તો પણ નથી જાણી શકાતાં. તેથી પરમાત્માને પણ નથી જાણી શકાતા. માટે કર્મોને પ્રથમ તત્ત્વથી જાણવા તે બુદ્ધિમત્તાનું કામ છે. જેમ કાજળની કોટડીમાં પ્રવેશ કરીને ડાઘ ન લાગવા દેવો તે સાધારણ મનુષ્યનું કામ નથી. તેમ કર્મ કરતા રહીને નિર્લિપ્ત રહેવું તે પણ ખરી બુદ્ધિમત્તાનું જ કામ છે. માટે ભગવાન કહે છે કે स बुद्धिमान्‌ मनुष्येषु તે બુદ્ધિમાન છે. આગળ બીજા અધ્યાયમાં તેને ‘કુશળતા’ (योग: कर्मसु कौशलम्‌ ૨/૫૦) કહી છે. અઢારમા અધ્યાયના દશમા શ્લોકમાં ભગવાન તેને ‘મેધાવી’ કહે છે.

જે કર્મયોગી સિદ્ધિ-અસિદ્ધિમાં સમ રહે છે. વિષમતા નથી અનુભવતો અને પરમાત્મામાં નિષ્ઠા રાખીને નિષ્કામભાવે કર્મયોગ સેવાયોગ કરતો જ રહે છે તે मनुष्येषु युक्त: અર્થાત્ મોક્ષને યોગ્ય થયો છે. પરમાત્માની કૃપાનું પૂર્ણ પાત્ર બન્યા છે. युक्त: એટલે યોગી પણ થયો છે. કારણ કે તે કર્મ દ્વારા સંસારથી છૂટીને પરમાત્મા સાથેનો જે પોતાનો નિત્ય સંબંધ છે તેની અનુભૂતિ કરવાને યોગ્ય બને છે.

જ્યાં સુધી કાંઈ મેળવવાનું બાકી રહે છે ત્યાં સુધી કરવાનું પણ બાકી રહે છે અર્થાત્જ્યાં સુધી કંઈ ને કંઈ મેળવવાની ઈચ્છા રહે ત્યાં સુધી કરવાનું સમાપ્ત થતું નથી. શરીર અશક્ત થતાં ક્રિયા તો સમાપ્ત થઈ જાય પણ ક્રિયાનો રાગ સમાપ્ત થતો નથી. જ્યાં સુધી નાશવાન ફળની ઈચ્છા છે, ત્યાં સુધી કર્મ કરવાનું સમાપ્ત થતું નથી. જ્યારે આ લોકની નાશવાન ફળની ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે ત્યારે સંસારનો સંબંધ છૂટીને પરમાત્મા સાથે સંબંધ અનુભવાય છે અને પ્રત્યક્ષ મળ્યાનો સંતોષ અનુભવાય છે. ત્યારે કર્મયોગીને કરવાનું તમામ કર્મ સમાપ્ત થઈ જાય છે. ત્યારે તેણે શાસ્ત્રમાં બતાવેલા મોક્ષને માટે કરવાનાં તમામ કર્મો કરી લીધાં એવી તેને અનુભૂતિ થાય છે. માટે તેને कृतस्नकर्मकृत ભગવાને કહ્યો છે