ગપ્ર–૦૯ : ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છયાનું

પ્રતિપાદિત વિષય :

પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયથી અને ભક્તિ, દર્શન વગેરેથી પૂર્ણકામપણાની પ્રાપ્તિ થાય છે.

મુખ્ય મુદ્દો :

ભગવાનના ભક્તને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય અને દર્શન કરતો હોય પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે તેના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી. અહીં ભગવાનનો નિશ્ચય એ જીવના હૃદયમાં પૂર્ણકામતા લાવનારો છે. જો પૂર્ણકામતા આવી નથી તો એને યથાર્થ નિશ્ચય પણ થયો નથી એમ જાણવું.

નિશ્ચય થવાની પ્રક્રિયામાં ત્રણ વસ્તુ મુખ્ય છે. એક ભગવાનના પર સ્વરૂપનું જ્ઞાન. સદાને માટે ભગવાનના ધામમાં જે ભગવાનનું પર સ્વરૂપ વિરાજે છે તેનું જ્ઞાન શાસ્ત્રના શ્રવણથી થાય છે અથવા સમાધિથી ધામમાં દર્શન કરવાથી પણ થાય છે. બીજું પ્રત્યક્ષ ભગવાનનો પૂરે પૂરો પરિચય હોવો જોઈએ. ત્રીજું એ ધામસ્થ સ્વરૂપ છે તે જ આ પ્રત્યક્ષ સ્વરૂપ છે એવી રીતની અંતરમાં આંટી પાડવી તેને નિશ્ચય કહેવામાં આવે છે. અને જો એવી આંટી પાડી હોય તો તેને અવશ્ય પૂર્ણકામપણું પ્રાપ્ત થાય છે.

અહીં એક પ્રશ્ન થાય છે કે ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન કરતો હોય અને યથાર્થ પૂર્ણકામપણું પ્રાપ્ત ન થયું હોય એને વચનામૃતમાં કહ્યું તેમ આને આ ભગવાનનું તેજોમય રૂપ જોવાની ઈચ્છા હોય એના મુખથી કથાવાર્તા પણ ન સાંભળવી એમ શા માટે કહ્યું ? તેમના હૃદયમાં ભગવાનના સ્વરૂપ જોવા સિવાયની બીજી કોઈ ઈચ્છા તો નથી અને તે પણ ધામમાં રહેલું ભગવાનનુ સ્વરૂપ જોવાની ઈચ્છા. એવી ઈચ્છા તો તમામ ભક્તોને અંતરમાં રહેવી જોઈએ. તો એવું શું એણે પાપ કર્યું કે તેના મુખથી ભગવાનની કથા–વાર્તા પણ ન સાંભળવી ?

તો તેનું સમાધાન એ છે કે ધામમાં રહેલું ભગવાનનું સ્વરૂપ અને પૃથ્વી ઉપર રહેલું ભગવાનનું સ્વરૂપ એ બંને એક જ છે. તેમા રોમમાત્રનો પણ ફેર નથી. છતાં પણ મુમુક્ષુઓને માટે ભગવાનનું પૃથ્વી પર રહેલું સ્વરૂપ જ વધારે મહત્ત્વનું છે. જે સ્વરૂપ ભગવાનના ધામમાં રહેલું છે તેમા જે ગુણો છે તે જ ગુણો પૃથ્વી ઉપર રહેલા સ્વરૂપમાં પણ છે. છતાં પૃથ્વી ઉપર રહેલા સ્વરૂપમાં એ વિશેષતા છે કે ધામમા રહેલા સ્વરૂપમાં પતિતપાવનપણું, અધમઉદ્ધારણપણું, તથા દીનબંધુપણું, સુશીલતા વગેરે ગુણોનો પ્રકાશ નથી. એટલે કે એ ગુણો ભગવાનમાં છે તો ખરાં જ પણ કાર્યરત દશામાં દેખાતા નથી. કારણ કે ધામમાં ભગવાન અધમઉદ્ધારણપણું કેવી રીતે બતાવી શકે? જો કોઈ અધમ હોય તો ને ! માટે ત્યાં અવકાશ જ નથી. તેમજ પતિતપાવન કે સુશીલતા જેવા ગુણોનો ત્યાં પૂર્ણ પ્રકાશ થતો નથી. સુશીલતા એટલે મોટામાં મોટી વ્યક્તિ નાનામાં નાના માણસ સાથે નિષ્કપટપણે વ્યવહાર કરે, હેતભાવ જણાવે તેવા ગુણને સુશીલતા કહેવાય. ધામમાં તે શકય નથી. ત્યાં તો ‘મમ સાધર્મ્યમાગતા’ એમ બધા જ મુક્તો અતિ સમર્થ અને ભગવાન જેવા છે. તેથી ઉપરોક્ત ગુણોને અનુકૂળ ભૂમિકા મળતી નથી.

જયારે પૃથ્વી ઉપર રહેલા ભગવાનના સ્વરૂપમાં આ બધા ગુણો અતિશય ઉર્વરિત થયેલા હોય છે. તેથી ધામનું સ્વરૂપ અને પૃથ્વી ઉપર ભગવાન હોય ત્યારે પ્રગટ સ્વરૂપ ભલે એક જ હોય, તેમા રોમમાત્રનો પણ ભલે ફેર ન હોય, ગુણોની બાબતમાં બન્ને એક હોવા છતાં પણ પૃથ્વી ઉપરનું સ્વરૂપ એક ડગલું આગળ નીકળી જાય છે. ધામસ્થ મૂર્તિમાં જે ગુણો છે તે ગુણો તો અહીં રહેલા જ છે. ઉપરાંત ઉપર બતાવેલો ગુણવૈભવ પૃથ્વી ઉપરના સ્વરૂપમાં વિશેષ છે અને વળી આપણા કલ્યાણ માટે તો પૃથ્વી ઉપરનું સ્વરૂપ એ જ સર્વસ્વ છે અને સુલભ છે. તો પછી જેમાં શ્રેષ્ઠતા છે તેને ગૌણ કહીને ધામસ્થ સ્વરૂપને જોવાની તાલાવેલી રહે છે એનો અર્થ એ થયો કે તેને સમીપ રહેલા ભગવાનના સાચા સ્વરૂપનો પરિચય નથી અને એ તેનું અજ્ઞાન છે. જો પોતાને જ જયારે ભગવાનનું સાચું સ્વરૂપ ઓળખાયું નથી તો બીજાને કેમ ઓળખાવશે ? માટે એ કથાવાર્તા કરશે તો કથાવાર્તા પણ એવી જ કરશે. માટે એ મોટો દોષ છે. તેથી તેના મુખથી કથા ન સાંભળવાનું કહ્યું છે. તેમા બીજે રસ્તે ચડી જવાનો પૂરો ભય છે.

વળી જે સ્વરૂપની ઓળખાણથી પૂર્ણકામપણું પમાય છે, તે સ્વરૂપને તો યથાર્થ ઓળખતો નથી. તો પછી બીજાને પૂર્ણકામ કેવી રીતે બનાવશે? માટે એ મોટું અજ્ઞાન છે. એ જો પ્રત્યક્ષ મળેલા સ્વરૂપમાં જ દૃઢ નિષ્ઠા રાખે તો અંતે તો ભગવાન તેને બધું બતાવવાના જ છે. અરે! બળાત્કારે બતાવે છે. તેથી આ લોકમાં રહેલા ભક્તોને માટે ભગવાનના ધામસ્થ સ્વરૂપ કરતા પણ આ લોકનું સ્વરૂપ અતિ મહત્ત્વનું છે અને પૂર્ણકામપણાનુ કારણ છે.

અહીં પ્રત્યક્ષ ભગવાન એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી શ્રીજી મહારાજ અત્યારે મનુષ્ય સ્વરૂપે પ્રત્યક્ષ ન હોય તેથી ઘણા શિષ્યો પોતાના ગુરુઓમાં પ્રત્યક્ષપણું ઠેરાવતા હોય છે પણ તે તો શાસ્ત્રનો મત નથી. અતિશય ખુવાર થવાનો રસ્તો છે. ભગવાન નયનગોચર ન હોય અને ખાલી ગાદી ભાળીને જેને તેને ભગવાનની ગાદીએ બેસારી દેવા એ મહામૂર્ખતા છે. માટે પ્રત્યક્ષ ભગવાનના એ વેવલા અર્થમાં ભરમાવું ન જોઈએ. ભગવાન નયનગોચર ન હોય તો તેમની પ્રતિમાથી પ્રત્યક્ષ છે. માટે નિષ્ઠા તો ધર્મભક્તિના પુત્રમાં જ રખાય. પણ બની બેઠેલા પ્રત્યક્ષમાં ભરમાવાની જરૂર નથી