પદ-6

( રાગ : સિંધુ )

રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ કાઢ કરવાળ તારી;

ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી મૂંડ મારી. રાણી૦ ૧

રખે અડર નર ડરે ડરતો, થર થર થર કર કરીશમા જો;

ધરી ધીર શરીર શૂરવીર થઈ, નાથ હાથ વળતાં દિલે ડરીશમા જો. રાણી૦ ૨

ત્યારે અચાનક ચાનક ચિત્તે ચડી, દડવડી ડગ ભરી દોટ દીધી;

અતિ વિકરાળ કરવાળ જ્વાળ જેવી કહીએ, તે ભૂપાળ ઉતાળ તતકાળ લીધી. રાણી

કાઢ્યું ખડગ થડક ધડક નથી, થડક થડક તે થડક ટળી;

ફડક ફડક ફડકતી નથી, ઝડક ઝડક કહે મને માર વળી. રાણી૦ ૪

તીખી તરવાર માર માર માર કરે, ધારે ધારે ધારે ધીરજ ન રહે;

તારે તારે તારે તારા ભણે, માર માર માર એમ સ્વમુખે કહે. રાણી૦ ૫

સુર નર સાથ સાથ સાથ મળ્યા, પાથ પાથ પાથ પડે રડે રહ્યાં;

નિષ્કુળાનંદ અનાથનાથ નાથજી, હાથોહાથ હાથ ગ્રહી લીધો છે તિયાં. રાણી૦ ૬

વિવેચન : 

એ સમયે તારામતીએ રાજા હરિશ્ચંદ્રને ઓળખી લીધા અને રાજાને પણ તારામતીની ઓળખાણ પડી ગઇ. વળી પોતાના મૃત્યુ પામેલા કુંવરનું અર્ધબળ્યું શબ પણ તેની ગોદમાં છે એ પણ જાણ્યું. પરંતુ એ મહાદુઃખની વાત મનમાં શમાવી દીધી. જ્યારે હરિશ્ચંદ્ર કાશીના રાજાના હુકમ પ્રમાણે પોતાને મારવા આવ્યો છે ત્યારે ખૂબ ઊંચા અવાજે રાણી તારામતી પોકારી ઊઠી કે ‘હે નાથ, આપની તલવાર ખેંચો ને મજબૂત હાથે પકડીને મારું માથું જલ્દી કાપી નાખો, હે અભય શૂર પુરુષ! રખે ડરી જતા. તમારા હાથને જરા પણ ધ્રૂજવા ન દેતા. તમારા હાથ ચલાવતા દિલમાં બિલકુલ ધડક ધારશો નહિ.’ પોતાની પ્રિય પત્નીના આવા શબ્દો સાંભળીને હરિશ્ચંદ્રે મક્કમ થઇ અગ્નિની જ્વાળા જેવી ભયંકર તલવાર કાઢીને ઉગામી. આ સમયે તારામતીએ અંતરમાંથી બીક માત્ર હટાવી દીધી છે. તેના દિલમાં થડકાટ નથી અને કાળજું ફફડતું નથી. એ તો સામેથી કહેવા લાગી કે ‘શું જોઇ રહ્યા છો? જલ્દી તલવારનો ઝપાટો ચલાવો. અરે જલ્દી મારો મારો. હવે મારી ધીરજ રહેતી નથી. જલ્દી તમારું ખડગ ચલાવો’ તારામતી આમ કહેતી હતી તે સાંભળવા અને શું બને છે તે જોવા મનુષ્યો અને દેવોની ભીડ જામી ગઇ હતી. આ અતિ હૃદયવિદારક કરુણ પ્રસંગ જોઇને સર્વ કોઇની આંખોમાંથી આંસુની ધારાઓ ચાલી રહી હતી એવામાં હરિશ્ચંદ્ર તલવાર ઉગામીને જેવો ઘાવ કરવા ગયો કે તત્કાળ તેનો હાથ અધ્ધરથી જ પકડાય ગયો તેણે મોઢું ફેરવીને જોયું તો અનાથના નાથ ભગવાને સાક્ષાત પ્રગટ થઇ તેનો હાથ પકડી લીધેલ જોવામાં આવ્યો.